Link to home pageLanguagesLink to all Bible versions on this site
3
યરુશાલેમનું પાપ અને ઉદ્ધાર
1 બંડખોર તથા ભ્રષ્ટ થયેલી જુલમી નગરીને અફસોસ!
2 તેણે ઈશ્વરનો અવાજ સાંભળ્યો નહિ અને યહોવાહની શિખામણ માની નહિ.
તેને યહોવાહમાં વિશ્વાસ ન હતો અને પોતાના ઈશ્વરની નજીક આવી નહિ.
3 તેની મધ્યે તેના સરદારો ગર્જના કરતા સિંહ જેવા છે!
તેના ન્યાયાધીશો સાંજે ફરતા વરુઓ જેવા છે, જેઓ આવતીકાલ માટે કે સવાર સુધી કશું રહેવા દેતા નથી!
4 તેના પ્રબોધકો ઉદ્ધત તથા રાજદ્રોહી માણસો છે.
તેના યાજકોએ જે પવિત્ર છે તેને અપવિત્ર કર્યું છે અને નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે.
5 તેનામાં યહોવાહ ન્યાયી છે, તે અન્યાય કરતા નથી.
રોજ સવારે તે ન્યાય કરે છે તે કશી ચૂક કરતા નથી, છતાં ગુનેગાર લોકોને શરમ આવતી નથી.
6 “મેં પ્રજાઓનો નાશ કર્યો છે; તેઓના બુરજો નાશ પામ્યા છે.
મેં તેઓની શેરીઓનો નાશ કરી દીધો છે કે તેથી ત્યાં થઈને કોઈ જતું નથી.
તેઓનાં નગરો નાશ પામ્યાં છે તેથી કોઈ માણસ જોવા મળતું નથી કે ત્યાં કોઈ રહેતું નથી.
7 મેં કહ્યું, ‘તું નિશ્ચે મારી બીક રાખશે, મારું માનશે.
મેં તેને માટે જે યોજના કરી હતી તે પ્રમાણે તેનાં ઘરોનો નાશ થશે નહિ!’
પણ તેઓએ વહેલા ઊઠીને પોતાના સર્વ કામો ભ્રષ્ટ કર્યાં.”
8 માટે યહોવાહ કહે છે, મારી રાહ જુઓ” હું નાશ કરવા ઊભો થાઉં તે દિવસ સુધી રાહ જુઓ.
કેમ કે મારો નિર્ણય પ્રજાઓને એકત્ર તથા રાજ્યોને ભેગા કરીને,
તેઓના પર મારો બધો રોષ અને પ્રચંડ ક્રોધ વરસાવવાનો છે.
જેથી આખી પૃથ્વી મારી ઈર્ષ્યાના અગ્નિથી નાશ પામે.
9 પણ ત્યારે પછી હું બધા લોકોને પવિત્ર હોઠ આપીશ,
જેથી તેઓ યહોવાહના નામની વિનંતી કરીને એકમતના થઈને મારી સેવા કરે.
10 મારા વેરવિખેર થઈ ગયેલા મારા ભક્તો કૂશની નદીની સામે પારથી મારે માટે અર્પણ લાવશે.
11 તે દિવસે તારાં સર્વ કૃત્યો જે તેં મારી વિરુદ્ધ કર્યાં છે તેને માટે તારે શરમાવું નહિ પડે,
કેમ કે તે સમયે હું તારામાંથી અભિમાની તથા ઉદ્ધત માણસોને દૂર કરીશ,
કેમ કે હવે પછી તું મારા પવિત્ર પર્વત પર હીણપતભર્યું કાર્ય કરી શકશે નહિ.
12 પણ હું તારામાં દીન તથા ગરીબ લોકોને રહેવા દઈશ,
તેઓ મારા નામ પર ભરોસો રાખશે.
13 ઇઝરાયલના બાકી રહેલા લોકો તે પછી અન્યાય કરશે નહિ કે જૂઠું બોલશે નહિ,
તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ.
તેઓ ખાશે અને સૂઈ જશે અને કોઈ તેમને બીવડાવશે નહિ.”
હર્ષનું ગીત
14 ઓ સિયોનની દીકરી ગાયન કર. હે ઇઝરાયલ ઉલ્લાસ કર.
હે યરુશાલેમની દીકરી તારા પૂરા હૃદયથી ખુશ થા અને આનંદ કર.
15 યહોવાહ તમારી શિક્ષાનો અંત લાવ્યા છે; તેમણે તમારા દુશ્મનોને કાઢી મૂક્યાં છે;
ઇઝરાયલના રાજા યહોવાહ, તમારામાં છે. તમને ફરીથી ક્યારેય આપત્તિનો ડર લાગશે નહિ.
16 તે દિવસે તેઓ યરુશાલેમને કહેશે કે,
“હે સિયોન, બીશ નહિ, તારા હાથો ઢીલા પડવા દઈશ નહિ.
17 યહોવાહ તારા ઈશ્વર તારી મધ્યે છે, શક્તિશાળી ઈશ્વર તને બચાવશે;
તે તારા માટે હરખાશે. તે તારા પરના તેમના પ્રેમમાં શાંત રહેશે.
તે ગાતાં ગાતાં તારા પર આનંદ કરશે,
18 તારામાંના જેઓ મુકરર ઉત્સવને સારુ દિલગીર છે તેઓને હું ભેગા કરીશ અને તારા પરનો તેઓનો બોજો મહેણાંરૂપ થશે.
19 જો! તે સમયે હું તારા બધા જુલમગારોની ખબર લઈશ.
હું અપંગને બચાવીશ અને જેઓને કાઢી મૂકવામાં આવી છે તેઓને એકત્ર કરીશ;
આખી પૃથ્વીમાં જ્યાં તેઓ શરમજનક બન્યા છે ત્યાં હું તેઓને પ્રશંસનીય કરીશ.
20 તે સમયે હું તમને અંદર લાવીશ અને તે જ સમયે હું તમને ભેગા કરીશ,
કેમ કે યહોવાહ કહે છે કે, તારી નજર આગળથી તારી ગુલામગીરી ફેરવી નાખીને,
હું આખી પૃથ્વીના લોકો મધ્યે તને નામ આપીશ અને પ્રશંસારૂપ કરીશ, એમ યહોવાહ કહે છે.

<- સફાન્યા 2