1 પછી મેં ફરીથી મારો આંખો ઊચી કરીને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા; બે પર્વતો કાંસાના બનેલા હતા. 2 પહેલા રથના ઘોડાઓ લાલ હતા, બીજા રથના ઘોડાઓ કાળાં હતા, 3 ત્રીજા રથના ઘોડાઓ સફેદ હતા તથા ચોથા રથના ઘોડાઓ ભૂરા ટપકાંવાળા હતા. 4 તેથી મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું કે, “મારા માલિક, આ શું છે?”
5 દૂતે મને જવાબ આપ્યો, “આ તો આકાશના ચાર પવનો છે. તેઓ આખી પૃથ્વીના પ્રભુની આગળ ઉપસ્થિત થયા પછી ચાલ્યા જાય છે. 6 કાળાં ઘોડાઓવાળો રથ ઉત્તર પ્રદેશ તરફ જાય છે; સફેદ ઘોડાઓવાળો રથ પશ્ચિમ દેશ તરફ જાય છે; ટપકાંવાળા ઘોડાઓવાળો રથ દક્ષિણ દેશ તરફ જાય છે.”
7 મજબૂત ઘોડા બહાર આવ્યા અને પૃથ્વી પર ફરવાનો પોકાર કર્યો, તેથી દૂતે કહ્યું, “જાઓ અને પૃથ્વી પર સર્વત્ર ફરો.” માટે તેઓ આખી પૃથ્વી પર ફર્યા. 8 પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, “ઉત્તર દેશ તરફ જનારાઓને જો; તેઓએ ઉત્તર દેશમાં મારા આત્માને આરામ આપ્યો છે.”
યહોશુઆને મુગટ પહેરાવવાનો હુકમ
9 આથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે, 10 “દેશવટાથી પાછા આવેલાઓ પાસેથી, એટલે હેલ્દાયથી, ટોબિયાથી તથા યદાયા પાસેથી અર્પણ લે અને તે જ દિવસે તે લઈને તું સફાન્યાના દીકરા યોશિયાના ઘરે જા, કેમ કે તેઓ બાબિલથી આવ્યા છે. 11 સોનું અને ચાંદી લઈને મુગટ બનાવ અને પ્રમુખ યાજક યહોસાદાકના દીકરા યહોશુઆના માથે મૂક.
12 તેને કહે કે, સૈન્યોના યહોવાહ એવું કહે છે.
“આ માણસ જેનું નામ અંકુર છે! તે જ્યાં છે ત્યાં ઊગી નીકળશે
અને યહોવાહનું સભાસ્થાન બાંધશે!
13 તે જ યહોવાહનું સભાસ્થાન બાંધશે અને પોતાનો વૈભવ ઊભો કરશે; પછી તે પોતાના સિંહાસન પર બેસીને રાજ કરશે.
તેના સિંહાસન પર યાજક બેસશે અને બન્ને વચ્ચે શાંતિની સલાહ રહેશે.
14 પછી તે મુગટ હેલ્દાય, ટોબિયા, યદાયા તથા સફાન્યાના દીકરા હેનની યાદગીરી તરીકે યહોવાહના ઘરમાં મૂકવામાં આવશે. 15 દૂરથી માણસો આવીને યહોવાહનું સભાસ્થાન બાંધશે, ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે; જો તમે યહોવાહ તમારા ઈશ્વરનો અવાજ ખંતથી સાંભળશો તો આ બધું ફળીભૂત થશે.”