3 પણ જેમ યહોવાહ યુદ્ધના દિવસે લડ્યા હતા તેમ તે પ્રજાઓની જેમ લડશે. 4 તે દિવસે તેમના પગ યરુશાલેમની પૂર્વમાં આવેલા જૈતૂનના પર્વત ઉપર ઊભા રહેશે. જૈતૂન પર્વત પૂર્વ તથા પશ્ચિમ વચ્ચે અડધો અડધ વિભાજિત થઈ જશે અને બહુ મોટી ખીણ થઈ જશે, અડધો પર્વત ઉત્તર તરફ અને બાકીનો અડધો દક્ષિણ તરફ પાછો જશે.
5 તમે પર્વતોની ખીણમાં થઈને નાસી જશો, પર્વતોની ખીણ આસેલ સુધી પહોંચશે. યહૂદિયાના રાજા ઉઝિયાના સમયમાં તમે ધરતીકંપ વખતે નાસી છૂટ્યા હતા તેમ તમે નાસશો. ત્યારે યહોવાહ મારા ઈશ્વર પોતાના સંતો સાથે આવશે.
6 તે દિવસે એવું થશે કે ત્યાં અજવાળું*ગૌરવ ઠંડી કે હિમ હશે નહિ. 7 તે દિવસે કેવો હશે તે યહોવાહ જાણે છે, એટલે કે તે દિવસ પણ નહિ હોય અને રાત પણ નહિ હોય, કેમ કે સાંજના સમયે અજવાળું હશે. 8 તે દિવસે યરુશાલેમમાંથી સતત પાણી વહેશે. અડધો પ્રવાહ પૂર્વ સમુદ્રમાં અને અડધો પ્રવાહ પશ્ચિમ સમુદ્ર તરફ જશે. ઉનાળો હશે કે શિયાળો પણ એવું જ થશે.
9 યહોવાહ આખી પૃથ્વી ઉપર રાજા થશે. તે દિવસે યહોવાહ ઈશ્વર એક જ હશે અને તેમનું નામ પણ એક જ હશે. 10 સમગ્ર પ્રદેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી અરાબાહ જેવો થઈ જશે. યરુશાલેમ બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજાની જગા સુધી, એટલે ખૂણાના દરવાજા સુધી અને હનાનએલના બુરજથી તે રાજાના દ્રાક્ષકુંડ સુધી ઊંચું કરવામાં આવશે. 11 લોકો યરુશાલેમમાં રહેશે, તેના પર કદી શાપ ઊતરશે નહિ; યરુશાલેમ સહીસલામત રહેશે.
12 જે લોકોએ યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેઓને યહોવાહ મરકીથી મારશે: તેઓ પોતાના પગ પર ઊભા હશે એટલામાં તેમનું માંસ સડી જશે. તેઓની આંખો તેઓના ખાડામાં સડી જશે, તેઓની જીભ તેમના મોંમાં સડી જશે. 13 તે સમયે યહોવાહ તરફથી લોકોમાં મોટો કોલાહલ થશે અને દરેક માણસ પોતાના પડોશીનો હાથ પકડશે. દરેક હાથ પોતાના પડોશીની વિરુદ્ધ ઊઠશે.
14 અને યહૂદિયા યરુશાલેમની સામે યુદ્ધ કરશે, તેઓ આસપાસની બધી પ્રજાઓની સંપત્તિ, સોનું, ચાંદી અને સારાં વસ્ત્રો મોટા જથામાં ભેગાં કરશે. 15 તે છાવણીઓમાંના ઘોડા, ખચ્ચરો, ઊંટો, ગધેડાં તથા બીજા બધાં પશુઓનો મરકીથી મરો થશે.
16 ત્યારે યરુશાલેમની વિરુદ્ધ ચઢી આવેલી પ્રજાઓમાંથી બચેલો માણસ રાજાની, સૈન્યોના યહોવાહની આરાધના કરવા તથા માંડવાપર્વ ઊજવવા દરવર્ષે જશે. 17 અને એવું થશે કે જો પૃથ્વી પરનાં બધાં કુટુંબોમાંથી જે કોઈ રાજાની, એટલે સૈન્યોના યહોવાહની આરાધના કરવા યરુશાલેમ નહિ જાય, તો યહોવાહ તેઓના પર વરસાદ લાવશે નહિ. 18 અને જો મિસરનાં કુટુંબો ત્યાં જશે આવશે નહિ, તો તેઓ વરસાદ પ્રાપ્ત કરશે નહિ. જે પ્રજાઓ માંડવાપર્વ પાળવા જશે નહિ તેઓને યહોવાહ મરકીથી મારશે.
19 મિસર તથા માંડવાપર્વ પાળવા નહિ જનાર સર્વ પ્રજાને આ શિક્ષા કરવામાં આવશે†પાપ.
20 પણ તે દિવસે, ઘોડાઓ પરની ઘંટડીઓ કહેશે, “યહોવાહને સારુ પવિત્ર” અને યહોવાહના સભાસ્થાનનાં તપેલાં વેદી આગળના વાટકા જેવાં થશે. 21 કેમ કે યરુશાલેમ તથા યહૂદિયામાનું દરેક તપેલું સૈન્યોના યહોવાહને માટે પવિત્ર થશે, બલિદાન લાવનાર સર્વ માણસો તેમાં બાફશે અને તેમાંથી ખાશે. તે દિવસે સૈન્યોના યહોવાહના ઘરમાં કોઈ કનાની હશે નહિ.
<- ઝખાર્યા 13