Link to home pageLanguagesLink to all Bible versions on this site
12
યરુશાલેમનો થનારો ઉદ્ધાર
1 ઇઝરાયલ માટે યહોવાહનું વચન.
આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોના અંતર આત્માનાં સર્જનહાર યહોવાહ કહે છે: 2 “જુઓ, હું યરુશાલેમને તેની આસપાસના સર્વ લોકોને માટે લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, યરુશાલેમના ઘેરાની જેમ યહૂદિયાના એવા જ હાલ હવાલ થશે. 3 તે દિવસે એવું થશે કે હું યરુશાલેમને સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ. જે કોઈ તેને ઉપાડશે તે પોતે ઘાયલ થશે. પૃથ્વી પરની સર્વ પ્રજાઓ તેની વિરુદ્ધ એકઠી થશે.

4 સૈન્યોના યહોવાહ એવું કહે છે કે, તે દિવસે,” “હું દરેક ઘોડાને ત્રાસથી અને દરેક સવારને ગાંડપણથી મારીશ. કેમ કે હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ અને સૈન્યના દરેક ઘોડાને અંધ કરી નાખીશ. 5 ત્યારે યહૂદિયાના આગેવાનો પોતાના મનમાં કહેશે, ‘યરુશાલેમના રહેવાસીઓનું બળ તેમના ઈશ્વર, સૈન્યોનો યહોવાહના કારણે જ છે!’ ”

6 તે દિવસે હું યહૂદિયાના આગેવાનોને લાકડામાં અગ્નિથી ભરેલા ઘડા જેવા અને પૂળીઓમાં બળતી મશાલરૂપ કરીશ, કેમ કે તેઓ ચારેબાજુના એટલે જમણી તથા ડાબી બાજુના દુશ્મનોનો નાશ કરશે. યરુશાલેમના લોકો હજી પોતાની જગ્યાએ ફરીથી વસશે.

7 યહોવાહ પહેલાં યહૂદિયાના તંબુઓને બચાવશે, જેથી દાઉદના ઘરનો આદર તથા યરુશાલેમમાં રહેનારાઓનો આદર યહૂદિયા કરતાં વધી ન જાય. 8 તે દિવસે યહોવાહ યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે, તે દિવસે જે લડખડાતો હશે તે પણ દાઉદ જેવો થશે. અને દાઉદનાં કુટુંબો ઈશ્વરના જેવાં, યહોવાહના દૂતના જેવાં તેમની આગળ થશે. 9 તે દિવસે જે બધી પ્રજાઓ યરુશાલેમ વિરુદ્ધ ચઢી આવશે તેઓનો નાશ કરવાનો નિર્ણય હું કરીશ.”

10 “પણ હું દાઉદના ઘર પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કરુણા અને વિનંતીનો આત્મા રેડીશ, તેઓ મને, એટલે જેને તેઓએ વીંધ્યો છે તેને જોશે. જેમ કોઈ પોતાના એકના એક દીકરા માટે શોક કરે તેમ તેઓ પોતાના સંતાન માટે શોક કરે છે, જેમ તેઓ પોતાના પ્રથમજનિત દીકરાના મૃત્યુ માટે શોક કરતો હોય એવી રીતે તેઓ શોક કરશે. 11 તે દિવસે મગિદ્દોના મેદાનમાં હદાદ રિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ યરુશાલેમમાં થશે. 12 દેશનાં દરેક કુટુંબ બીજા કુટુંબોથી જુદાં પડીને શોક કરશે. દાઉદનું કુટુંબ અલગ થશે, અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે; નાથાનનું કુટુંબ અલગ થશે, અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. 13 લેવીનું કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. શિમઇનું કુટુંબ અલગ થશે; અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે. 14 બાકીના બધા કુટુંબોમાંનું દરેક કુટુંબ અલગ થશે અને તેઓની પત્નીઓ પુરુષોથી અલગ થશે.”

<- ઝખાર્યા 11ઝખાર્યા 13 ->