Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
1 જો તું મારી માના થાનને ધાવેલો
મારો સગો ભાઈ હોત તો કેવું સારું. જ્યારે તું મને બહાર મળત,
ત્યારે હું તને ચુંબન કરત,
તેમ છતાં કોઈ મને ધિક્કારત નહિ.
2 હું તને મારી માતાના ઘરમાં લઈ આવત કે,
અને તું મને શીખવત.
હું તને મસાલેદાર દ્રાક્ષારસ,
અને તને મારા દાડમનો રસ પીવાને આપત.
3 તેનો ડાબો હાથ મારા માથા નીચે છે;
તેનો જમણો હાથ મને આલિંગન કરે છે.
4 ઓ યરુશાલેમની યુવતીઓ, હું તમને સોગન આપીને કહું છું કે,
મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી
તમે મારા પ્રીતમને જગાડશો નહી.
છઠ્ઠું ગીત
5 પોતાના પ્રીતમ પર ટેકીને રણમાંથી,
આ યુવતી કોણ આવે છે?
મેં તેને સફરજનના વૃક્ષ નીચે જગાડયો;
જ્યાં તારી માતા જન્મ આપતાં કષ્ટાતી હતી;
ત્યાં તેણે તને જન્મ આપ્યો.
6 મને તારા હૃદય પર મુદ્રા તરીકે
અને તારા હાથ પરની વીંટી તરીકે બેસાડ.
કેમ કે પ્રેમ મોત સમાન બળવાન છે.
અને ઈર્ષ્યા શેઓલ જેવી ક્રૂર છે;
તેના ચમકારા; અગ્નિની જ્વાળા જેવા પ્રબળ છે.
7 ઘણાં પાણીનો પ્રવાહ પ્રેમને હોલવી શકે નહિ,
જળપ્રલયનાં પાણી એને ખેંચી જતાં નથી.
જે કોઈ વ્યક્તિ પ્રેમને માટે પોતાની ઘરની બધી સંપત્તિ આપી દે,
તોપણ તેને લોકો ધિક્કારે છે.
8 અમારે એક નાની બહેન છે,
હજી તે પુખ્ત થયેલી નથી,
હવે જે દિવસે તેનું માગું આવશે
ત્યારે અમારી બહેન માટે અમે શું કરીશું?
9 જો તે કોટ હોય તો, અમે તેના પર ચાંદીથી મોરચો બાંધીશું
અને જો તે દ્વાર હોય તો
અમે તેને દેવદાર વૃક્ષનાં પાટિયાં વડે તેને ઢાંકી દઈશું.
10 હું કોટ છું અને મારાં સ્તન તેના બુરજો જેવા છે;
જેને શાંતિ પ્રાપ્ત થઈ હોય તેના જેવી હું તેની નજરમાં હતી.
11 સુલેમાનને બઆલ હામોનમાં એક દ્રાક્ષવાડી હતી
તેણે તે દ્રાક્ષવાડી રખેવાળોને ભાડે આપી
તેનાં ફળને માટે દરેકને ચાંદીના એક હજાર સિક્કા લાવીને આપવાના હતા.
12 મારી દ્રાક્ષવાડી મારી પોતાની છે; મારા પ્રિય સુલેમાન,
તે હજાર શેકેલ તો તારાં છે મારા પ્રિય સુલેમાન,
અને તેના ફળની રખેવાળી કરનારને બસો શેકેલ મળશે.
13 હે બગીચાઓમાં વસનારી,
મારા મિત્રો તારો અવાજ સાંભળવાને ધ્યાન દઈને તાકી રહે છે;
મને તે સંભળાવ.
14 હે મારા પ્રીતમ, તું વહેલો આવ,
સુગંધી દ્રવ્યોના પર્વત પર
તું હરણ કે સાબરીના બચ્ચા જેવો થા.

<- ગીતોનું ગીત 7