Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 મારી પ્રિયતમા તું કેવી સુંદર છે તું મનોહર છે; મારી પ્રિયતમા!

તારા બુરખા પાછળ તારી આંખો કબૂતર જેવી છે;
તારા કેશ ગિલ્યાદ પર્વતના ઢાળ પરથી નીચે આવતાં,
બકરાનાં ટોળાં જેવા લાગે છે.
2 તારા દાંત તરત કતરાયેલ
તથા ધોયેલ ઘેટીના જેવા સફેદ છે.
પ્રત્યેક ઘેટીને બબ્બે બચ્ચાં છે,
તેઓમાંની કોઈ વાંઝણી નથી.
3 તારા હોઠ જાંબલી રંગના દોરા જેવા છે;
તારું મુખ ખૂબસૂરત છે! તારા બુરખાની પાછળ,
તારા બુરખાની પાછળ
તારા ગાલ દાડમના અડધિયા જેવા દેખાય છે.
4 શસ્ત્રગૃહ થવા માટે બાંધેલો દાઉદનો બુરજ,
જેમાં હજારો ઢાલો લટકાવેલી છે એટલે
યોદ્ધાઓની સર્વ ઢાલો લટકાવેલી તેના જેવી તારી ગરદન છે.
5 હરણીનાં જોડકાં બચ્ચાં
ગુલછડીઓમાં ચરતાં હોય,
તેવા તારા બન્ને સ્તન છે.
6 સવાર થાય અને અંધારું દૂર થાય ત્યાં સુધી,
હું બોળના પર્વત પર
તથા લોબાનના ડુંગર પર જઈશ.
7 મારી પ્રિયતમા, સર્વ બાબતોમાં તું અતિ સુંદર છે
તારામાં કોઈ ખોડ નથી.
8 હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ.
લબાનોનથી મારી સાથે આવ;
આમાનાહના શિખર પરથી,
સનીર તથા હેર્મોન શિખર પરથી,
સિંહોની ગુફામાંથી,
દીપડાઓના પર્વતોની ગુફામાંથી આવ.
9 હે મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ,
તેં મારું હૃદય મોહી લીધું છે
તારા એક જ નજરથી, તારા ગળાના હારના એક મણકાથી તેં મારું મન મોહી લીધું છે.
10 મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, તારો પ્રેમ કેવો મધુર છે!
દ્રાક્ષારસ કરતાં તારો પ્રેમ કેટલો ઉત્તમ છે?
તથા તારા અત્તરની ખુશ્બો સર્વ પ્રકારના સુગંધીઓ કરતાં કેટલી ઉત્તમ છે.
11 મારી નવવધૂ, મધપૂડાની જેમ તારા હોઠમાંથી મીઠાશ ટપકે છે;
તારી જીભ નીચે મધ તથા દૂધ છે;
તારા વસ્રોની ખુશ્બો લબાનોનની ખુશ્બો જેવી છે.
12 મારી પ્રાણપ્રિયા, મારી નવવધૂ, બંધ કરેલી વાડી;
બાંધી દીધેલો ઝરો, બંધ કરી દીધેલો કૂવા જેવી છે.
13 તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓના છોડ જેવી છે જેને મૂલ્યવાન ફળ લાગેલાં છે.
જેમાં મેંદી અને જટામાસીના છોડવાઓ છે, 14 જટામાસી અને કેસર,
મધુર સુગંધી બરુ, તજ અને સર્વ પ્રકારના લોબાનનાં વૃક્ષો,
બોળ, અગર તથા સર્વ મુખ્ય સુગંધી દ્રવ્યો છે.
15 તું બાગમાંના ફુવારા જેવી,
જીવંતજળનાં પાણી જેવી,
લબાનોનના વહેતા ઝરણાં જેવી છે.
16 હે ઉત્તરના વાયુ, તું જાગૃત થા, અને હે દક્ષિણના વાયુ, તું આવ, મારા બગીચામાં તું વા કે જેથી તેની સુગંધીઓના સુવાસ સર્વત્ર ફેલાય, મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે અને પોતાનાં મનોહર ફળો ખાય.

<- ગીતોનું ગીત 3ગીતોનું ગીત 5 ->