Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
પવિત્ર આત્મામય જીવન
1 તેથી જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે કોઈ શિક્ષા નથી. 2 કેમ કે ઈસુ ખ્રિસ્તમાં જીવનનાં આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.

3 કેમ કે મનુષ્યદેહનાં લીધે નિયમશાસ્ત્ર નિર્બળ હતું, તેથી જે કામ તેને અશક્ય હતું તે ઈશ્વરે કર્યું, એટલે પોતાના દીકરાને પાપી મનુષ્યદેહની સમાનતામાં અને પાપના અર્પણ તરીકે મોકલીને તેમના મનુષ્યદેહમાં પાપને દંડાજ્ઞા ફરમાવી; 4 કે જેથી આપણામાં, એટલે દેહ પ્રમાણે નહિ પણ આત્મા પ્રમાણે ચાલનારાંમાં, નિયમશાસ્ત્રની જરૂરિયાત પરિપૂર્ણ થાય. 5 કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક અને જેઓ આત્મિક છે તેઓ આત્માની બાબતો ઉપર મન લગાડે છે.

6 દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. 7 કારણ કે દૈહિક મન ઈશ્વર સાથે વૈર છે, કેમ કે તે ઈશ્વરના નિયમશાસ્ત્રને આધીન નથી અને થઈ શકતું પણ નથી. 8 અને જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.

9 પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે, તો તમે દૈહિક નથી, પણ આત્મિક છો; પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી, તો તે ખ્રિસ્તનો નથી. 10 અને જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે શરીર તો મૃત છે, પણ ન્યાયીપણાને લીધે આત્મા જીવે છે.

11 જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો જેણે ખ્રિસ્ત ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તેઓ તમારામાં વસનાર પોતાના આત્મા દ્વારા તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે.

12 તેથી, ભાઈઓ, આપણે ઋણી છીએ, પણ દેહ પ્રમાણે જીવવાને દેહનાં ઋણી નથી. 13 કેમ કે જો તમે દેહ પ્રમાણે જીવો તો મરશો જ; પણ જો તમે આત્માથી શરીરનાં કામોને મારી નાખો તો જીવશો.

14 કેમ કે જેટલાં ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલાં ઈશ્વરના દીકરા છે. 15 કેમ કે ફરીથી ભય લાગે એવો દાસત્વનો આત્મા તમને મળ્યો નથી; પણ તમને દત્તકપુત્ર તરીકેનો આત્મા મળ્યો છે જેને લીધે આપણે પિતા અબ્બા એવી હાંક મારીએ છીએ.

16 પવિત્ર આત્મા પોતે આપણા આત્માની સાથે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં સંતાનો છીએ. 17 જો સંતાનો છીએ તો વારસ પણ છીએ, એટલે ઈશ્વરના વારસ છીએ અને ખ્રિસ્તની સાથે મહિમા પામવાને માટે જો આપણે ખરેખર તેની સાથે દુઃખ સહન કરીએ તો ખ્રિસ્તની સાથે સહવારસ પણ છીએ.

પ્રગટ થનાર મહિમા
18 કેમ કે હું માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે વર્તમાન સમયનાં દુઃખો સરખાવવા યોગ્ય નથી. 19 કેમ કે સૃષ્ટિની ઉત્કંઠા ઈશ્વરનાં દીકરાઓના પ્રગટ થવાની રાહ જોયા કરે છે.

20 કારણ કે સૃષ્ટિ પોતાની ઇચ્છાથી નહિ, પણ સ્વાધીન કરનારની ઇચ્છાથી વ્યર્થપણાને સ્વાધીન થઈ; 21 અને તે એવી આશાથી સ્વાધીન થઈ કે સૃષ્ટિ પોતે પણ નાશના દાસત્વમાંથી મુક્ત થઈને ઈશ્વરના દીકરાના મહિમાની સાથે રહેલી મુક્તિ પામે. 22 કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.

23 અને એકલી તે નહિ, પણ આપણે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે, તે આપણે પોતે પણ દત્તકપુત્ર તરીકેની એટલે આપણા શરીરનાં ઉદ્ધારની રાહ જોતાં, પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ. 24 કેમ કે આપણે આશાથી ઉદ્ધાર પામ્યા છીએ, પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી; કેમ કે કોઈ મનુષ્ય પોતે જે જુએ છે તેની આશા કેવી રીતે કરે? 25 પણ જે આપણે જોતાં નથી તેની આશા જયારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની રાહ જોઈએ છીએ.

26 તે જ પ્રમાણે આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે; કેમ કે યથાયોગ્ય રીતે શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિસાસાથી આપણા માટે મધ્યસ્થી કરે છે; 27 અને અંતઃકરણ તપાસનાર જાણે છે કે આત્માની ઇચ્છા શી છે; કેમ કે તે સંતોને માટે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિનંતી કરે છે.

28 આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વર ઉપર પ્રેમ રાખે છે અને જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. 29 કેમ કે જેઓને તેઓ અગાઉથી ઓળખતા હતા, તેઓના વિષે તેમણે પહેલેથી નક્કી પણ કર્યું હતું, કે તેઓ તેમના દીકરાની પ્રતિમા જેવા થાય, જેથી તે ઘણાં ભાઈઓમાં જયેષ્ઠ થાય. 30 વળી જેઓને તેમણે અગાઉથી ઠરાવ્યાં, તેઓને તેમણે તેડ્યાં, જેઓને તેમણે તેડ્યાં, તેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં અને જેઓને તેમણે ન્યાયી ઠરાવ્યાં, તેઓને તેમણે મહિમાવંત પણ કર્યા.

ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરનો પ્રેમ
31 ત્યારે એ વાતો વિષે આપણે શું કહીએ? જો ઈશ્વર આપણા પક્ષના તો આપણી વિરુદ્ધ કોણ? 32 જેમણે પોતાના જ દીકરાને આપણા સર્વને માટે સોંપી દીધો, તેઓ કૃપા કરીને આપણને તેમની સાથે બધુંએ કેમ નહિ આપશે?

33 ઈશ્વરના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? તેઓને ન્યાયી ઠરાવનાર ઈશ્વર છે; 34 તેઓને દોષિત ઠરાવનાર કોણ? જે મૃત્યુમાંથી સજીવન થયા તે ખ્રિસ્ત ઈસુ છે, તે ઈશ્વરને જમણે હાથે છે, તે આપણે માટે મધ્યસ્થી પણ કરે છે.

35 ખ્રિસ્તનાં પ્રેમથી આપણને કોણ અલગ કરશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નિ:વસ્ત્રતા, કે જોખમ, કે તલવાર? 36 જેમ લખ્યું છે કે, ‘તારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ, કપાવાનાં ઘેટાંના જેવા અમે ગણાયેલા છીએ.’ ”

37 તોપણ જેમણે આપણને પ્રેમ કર્યો, તેના દ્વારા આપણે એ બધાં સંબંધી વિશેષ જય પામીએ છીએ. 38 કેમ કે મને ખાતરી છે, કે ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, તેનાથી આપણને મરણ, જીવન, સ્વર્ગદૂતો, અધિકારીઓ, વર્તમાનનું, ભવિષ્યનું, પરાક્રમીઓ, 39 ઊંચાણ, ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃજેલી વસ્તુ અલગ કરી શકશે નહિ.

<- રોમનોને પત્ર 7રોમનોને પત્ર 9 ->