Link to home pageLanguagesLink to all Bible versions on this site
6
પાપ સંબંધી મૃત અને ખ્રિસ્તમાં નવું જીવન
1 ત્યારે આપણે શું કહીએ? કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? 2 ના, એવું ન થાઓ; આપણે પાપના સંબંધી મૃત્યુ પામ્યા, તો પછી એમાં કેમ જીવીએ? 3 શું તમે નથી જાણતા કે, આપણે જેઓ ખ્રિસ્ત ઈસુમાં બાપ્તિસ્મા પામ્યા, તેઓ સર્વ તેમના મરણમાં બાપ્તિસ્મા પામ્યા.

4 તે માટે આપણે બાપ્તિસ્મા દ્વારા તેમની સાથે મરણમાં દફનાવાયા, કે જેમ ખ્રિસ્તને પિતાના મહિમાથી મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા તેમ જ આપણે પણ નવા જીવનમાં ચાલીએ. 5 કેમ કે જો આપણે તેમના મરણની સમાનતામાં તેમની સાથે જોડાયાં, તો તેમના મરણોત્થાનની સમાનતામાં પણ જોડાયેલાં થઈશું.

6 આપણે જાણીએ છીએ કે આપણું જૂનું મનુષ્યત્વ તેમની સાથે વધસ્તંભે એ માટે જડાયું કે પાપનું શરીર નિરર્થક થાય; એટલે હવે પછી આપણે પાપના દાસત્વમાં રહીએ નહિ. 7 કેમ કે જે મૃત્યુ પામેલો છે તે ન્યાયી ઠરીને પાપથી મુક્ત થયો છે.

8 પણ જો આપણે ખ્રિસ્તની સાથે મૃત્યુ પામેલા છીએ, તો આપણને વિશ્વાસ છે કે તેમની સાથે જીવીશું પણ ખરા. 9 કેમ કે આપણે જાણીએ છીએ કે ખ્રિસ્તને મૃત્યુ પામેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા અને તે ફરી મૃત્યુ પામનાર નથી; હવે પછી મૃત્યુનો અધિકાર તેમના પર નથી.

10 કેમ કે તેઓ મર્યા, એટલે પાપ સંબંધી એક જ વાર મૃત્યુ પામ્યા, પણ તેઓ જીવે છે એટલે ઈશ્વર સંબંધી જીવે છે. 11 તેમ તમે પોતાને પણ પાપ સંબંધી મૃત્યુ પામેલા, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર સંબંધી જીવતા ગણો.

12 તે માટે તમે પાપની દુર્વાસનાઓને આધીન થઈને પાપને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. 13 અને તમારા અવયવોને અન્યાયનાં સાધનો થવા માટે પાપને ન સોંપો; પણ મૃત્યુમાંથી સજીવન થયેલા જેવા તમે પોતાને ઈશ્વરને સોંપો તથા તમારા અવયવોને ન્યાયીપણાનાં સાધનો થવા માટે ઈશ્વરને સોંપો. 14 પાપને તમારા પર રાજ કરવા ન દો, કેમ કે તમે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છો.

પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ
15 તો શું, આપણે નિયમશાસ્ત્રને નહિ, પણ કૃપાને આધીન છીએ, તેથી શું પાપ કર્યા કરીએ? ના, એવું ન થાઓ. 16 શું તમે નથી જાણતા કે, જેની આજ્ઞા પાળવા માટે તમે પોતાને દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો, તેના દાસ તમે છો; ગમે તો મોતને અર્થે પાપના, અથવા ન્યાયીપણાને અર્થે આજ્ઞાપાલનના?

17 પણ ઈશ્વરનો આભાર કે તમે પાપના દાસ હોવા છતાં જે બોધ તમને કરવામાં આવ્યો, તે તમે હૃદયપૂર્વક સ્વીકાર્યો. 18 તે રીતે તમે પાપથી મુક્ત થઈને, ન્યાયીપણાના દાસ થયા.

19 તમારા દેહની નિર્બળતાને લીધે હું મનુષ્યની રીતે વાત કરું છું. જેમ તમે પોતાનાં અંગોને અન્યાયને અર્થે અશુદ્ધતાને તથા અન્યાયને દાસ તરીકે સોંપ્યાં હતા, તેમ હમણાં પોતાનાં અંગો પવિત્રતાને અર્થે ન્યાયીપણાને દાસ તરીકે સોંપો. 20 કેમ કે જેવા તમે પાપના દાસ હતા તેવા તમે ન્યાયીપણાથી સ્વતંત્ર હતા. 21 તો જે ખરાબ કામોથી તમે હમણાં શરમાઓ છો, તેનાથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મૃત્યુ છે.

22 પણ હમણાં પાપથી મુક્ત થઈને ઈશ્વરના દાસ થયા હોવાથી તમને પવિત્રતાને અર્થે પ્રતિફળ અને અંતે અનંતજીવન મળે છે. 23 કેમ કે પાપનું પરિણામ મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.

<- રોમનોને પત્ર 5રોમનોને પત્ર 7 ->