Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
વિશ્વાસદ્વારા ઈશ્વર સાથે મિલાપ
1 આપણે વિશ્વાસથી ન્યાયી ઠરાવાયેલાં છીએ, તે માટે આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશ્રયે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ; 2 આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તેમાં ઈસુને આશ્રયે વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ; વળી આપણે ઈશ્વરમાં મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.

3 માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ; કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિથી ધીરજ, 4 ધીરજથી અનુભવ અને અનુભવથી આશા ઉત્પન્ન થાય છે; 5 આશા શરમાવતી નથી; કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવેલો છે.

6 કેમ કે જયારે આપણે હજી નિર્બળ હતા ત્યારે યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા. 7 ન્યાયી મનુષ્યને માટે કયારેક જ કોઈ પોતાનો જીવ આપે, સારા મનુષ્યને માટે મરવાને કદાચ કોઈ એક હિંમત પણ કરે.

8 પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારુ મરણ પામ્યા. એવું કરવામાં ઈશ્વરે આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. 9 તેથી હવે આપણે હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવાયા છીએ જેથી તેમના દ્વારા આપણે ઈશ્વરના ક્રોધથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!

10 કેમ કે જયારે આપણે ઈશ્વરના વિરોધી હતા, ત્યારે તેમના દીકરાના મૃત્યુથી ઈશ્વરની સાથે આપણું સમાધાન થયું. તેથી હવે તેમના જીવનને લીધે આપણે બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે! 11 અને એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જેમનાં દ્વારા હમણાં આપણું સમાધાન થયું છે, તેમને આશ્રયે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.

આદમથી મરણ અને ખ્રિસ્તથી જીવન
12 તે માટે જેમ એક મનુષ્યથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મૃત્યુ આવ્યું; કેમ કે બધાએ પાપ કર્યું હોવાથી બધા મનુષ્યોમાં મૃત્યુનો સંચાર થયો. 13 કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા અગાઉ પાપ દુનિયામાં હતું ખરું, તોપણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહિ.

14 પરંતુ આદમથી મૂસા સુધી મૃત્યુએ રાજ્ય કર્યું, જેઓએ આદમના અપરાધ સમાન પાપ કર્યું ન હતું, તેઓના ઉપર પણ મૃત્યુએ રાજ્ય કર્યું; આદમ તો તે આવનારના ચિહ્નરૂપ હતો.

પાપની ગુલામીમાંથી મુક્ત થવાનો માર્ગ
15 પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી; કેમ કે જો એકના અપરાધને લીધે ઘણાં મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાંનાં ઉપર ઈશ્વરની કૃપા તથા દાન પુષ્કળ થયાં છે.

16 એકના પાપનું જે પરિણામ આવ્યું, તેવું એ દાનનું નથી; કેમ કે એકના અપરાધથી દંડરૂપ ન્યાયચુકાદો થયો, પણ ઘણાં અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણરૂપ થયું. 17 કેમ કે જો એકથી એટલે આદમના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે ઈસુ ખ્રિસ્તથી, જીવનમાં રાજ કરશે તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે!

18 માટે જેમ એક અપરાધથી બધા મનુષ્યોને શિક્ષા ફરમાવાઈ, તેમ એક ન્યાયી કાર્યથી બધા માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. 19 કેમ કે જેમ એક મનુષ્યના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયા, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં નિર્દોષ ઠરશે.

20 વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું, ત્યાં તેના કરતાં અધિક કૃપા થઈ. 21 તેથી જેમ પાપે મૃત્યુમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણથી અનંતજીવનને અર્થે કૃપા પણ રાજ કરે.

<- રોમનોને પત્ર 4રોમનોને પત્ર 6 ->