Link to home pageLanguagesLink to all Bible versions on this site
15
પોતાને નહિ, પણ બીજાને ખુશ કરો
1 હવે નિર્બળોની નબળાઈને ચલાવી લેવી અને પોતાની ખુશી પ્રમાણે ન કરવું, એ આપણ શક્તિમાનોની ફરજ છે. 2 આપણામાંના દરેકે પોતાના પડોશીને તેના કલ્યાણને માટે તેની ઉન્નતિને અર્થે ખુશ કરવો.

3 કેમ કે ખ્રિસ્ત પોતે પણ મનસ્વી રીતે વર્તતા ન હતા, પણ જેમ લખ્યું છે કે, ‘તારી નિંદા કરનારાઓની નિંદા મારા પર પડી.’ ” 4 કેમ કે જેટલું અગાઉ લખેલું હતું, તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું કે, ધીરજથી તથા પવિત્રશાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ.

5 તમે એક ચિત્તે તથા એક અવાજે, ઈશ્વરનો, એટલે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં પિતાનો મહિમા પ્રગટ કરો 6 એ માટે ધીરજ તથા દિલાસો દેનાર ઈશ્વર તમને એવું વરદાન આપો કે તમે ખ્રિસ્ત ઈસુને અનુસરીને અંદરોઅંદર એક જ મનના થાઓ.

બિનયહૂદીઓને સુવાર્તા
7 માટે, ખ્રિસ્તે જેમ ઈશ્વરના મહિમાને અર્થે તમારો સ્વીકાર કર્યો, તેમ તમે પણ એકબીજાનો સ્વીકાર કરો.

8 વળી હું કહું છું કે, જે વચનો પૂર્વજોને આપેલાં હતાં, તેઓને તે સત્ય ઠરાવે, 9 અને વળી વિદેશીઓ પણ તેની દયાને લીધે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે, એ માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના સત્યને લીધે સુન્નતીઓના સેવક થયા. લખેલું છે કે, એ કારણ માટે હું વિદેશીઓમાં તમારી સ્તુતિ કરીશ અને તમારા નામનું ગીત ગાઈશ.

10 વળી તે કહે છે કે, ઓ બિનયહૂદીઓ, તમે તેના લોકોની સાથે આનંદ કરો.

11 વળી, હે સર્વ બિનયહૂદીઓ પ્રભુની સ્તુતિ કરો અને સર્વ લોકો તેમનું સ્તવન કરો.

12 વળી યશાયા કહે છે કે, યિશાઈની જડ, એટલે બિનયહૂદીઓ ઉપર રાજ કરવાને જે ઊભા થવાનાં છે, તે થશે; તેના પર બિનયહૂદીઓ આશા રાખશે.

13 હવે ઈશ્વર કે, જેમનાં પર તમે આશા રાખો છો, તે તમને વિશ્વાસ રાખવામાં અખંડ હર્ષ તથા શાંતિ વડે ભરપૂર કરો, જેથી પવિત્ર આત્માની શક્તિથી તમારી આશા વૃદ્ધિ પામે.

પાઉલનું સીધા શબ્દોમાં લખવાનું કારણ
14 ઓ મારા ભાઈઓ, મને તમારા વિષે પૂરી ખાતરી છે કે તમે પોતે સંપૂર્ણ ભલા, સર્વ જ્ઞાનસંપન્ન અને એકબીજાને ચેતવણી આપવાને શક્તિમાન છો.

15 તે છતાં બિનયહૂદીઓ પવિત્ર આત્માથી પાવન થઈને માન્ય અર્પણ થાય માટે ઈશ્વરની સુવાર્તાનો યાજક થઈને હું બિનયહૂદીઓ પ્રત્યે ખ્રિસ્ત ઈસુનો સેવક થાઉં, 16 એ કારણથી ઈશ્વરે મને જે કૃપાદાન આપ્યું છે, તેને આધારે તમને ફરીથી સહેજ યાદ કરાવવાં માટે વિશેષ હિંમત રાખીને મેં આ પત્ર તમારા પર લખ્યો છે.

17 તેથી ઈશ્વરને અર્થે કરેલાં કાર્યો સંબંધી મને ખ્રિસ્ત ઈસુમાં ગૌરવ કરવાનું પ્રયોજન છે. 18 કેમ કે પવિત્ર આત્માનાં પરાક્રમથી, વાણી અને કાર્ય વડે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મોના પ્રભાવથી બિનયહૂદીઓને આજ્ઞાંકિત કરવા માટે ખ્રિસ્તે જે કામો મારી પાસે કરાવ્યાં છે, તે સિવાય બીજાં કોઈ કામો વિષે બોલવાની હિંમત હું કરીશ નહિ; 19 એટલે યરુશાલેમથી રવાના થઈને ફરતાં ફરતાં છેક ઇલુરીકમ સુધી મેં ખ્રિસ્તની સુવાર્તા સંપૂર્ણ રીતે પ્રગટ કરી છે એ વિષે જ હું બોલીશ.

20 એવી રીતે તો સુવાર્તા પ્રગટ કરવામાં મેં એવો નિયમ રાખ્યો છે કે, જ્યાં ખ્રિસ્તનું નામ જાણવામાં આવ્યું હતું ત્યાં બોધ કરવો નહિ, રખેને બીજાના પાયા પર હું બાંધું; 21 લખેલું છે કે ‘જેઓને તેમના સંબંધી જાણકારી મળી ન હતી તેઓ જોશે અને જેઓએ સાંભળ્યું ન હતું તેઓ સમજશે.’ ”

રોમની મુલાકાત લેવાની પાઉલની યોજના
22 તે જ કારણથી તમારી પાસે આવવામાં મને આટલી બધી વાર લાગી છે. 23 પણ હવે આ પ્રદેશમાં મારે કોઈ સ્થળ બાકી રહેલું નથી અને ઘણાં વર્ષથી તમારી પાસે આવવાની અભિલાષા હું ધરાવું છું.

24 માટે જયારે હું સ્પેન જઈશ ત્યારે હું તમારી પાસે આવીશ; કેમ કે મને આશા છે કે ત્યાં જતા હું તમને મળીશ અને પ્રથમ તમારી સંગતથી કેટલેક દરજ્જે સંતોષ પામ્યા પછી ત્યાં જવા માટે તમારી વિદાયગીરી લઈશ. 25 પણ હાલ તો હું સંતોની સેવામાં યરુશાલેમ જાઉં છું.

26 કેમ કે યરુશાલેમના સંતોમાં જેઓ ગરીબ છે, તેઓને માટે કંઈ દાન એકત્ર કરવું, એ મકદોનિયાના તથા અખાયાના ભાઈઓને સારું લાગ્યું. 27 તેઓને સારું લાગ્યું; અને તેઓ તેમના ઋણીઓ છે. કેમ કે જો બિનયહૂદીઓ તેઓની આત્મિક બાબતોમાં ભાગીદાર થયા, તો સાંસારિક બાબતોમાં તેઓની સેવા કરવી એ તેઓની પણ ફરજ છે.

28 તેથી એ કામ પૂરું કરીને અને તેઓને માટે તે ફળ અવશ્ય પહોંચાડીને, હું તમને મળીને સ્પેન જઈશ. 29 હું જાણું છું કે હું તમારી પાસે આવીશ ત્યારે હું ખ્રિસ્તનાં સંપૂર્ણ આશીર્વાદો લઈને આવીશ.

30 હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માનાં પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે, 31 હું યહૂદિયામાંના અવિશ્વાસીઓના હુમલા થી બચી જાઉં અને યરુશાલેમ જઈને સંતોને સારુ જે સેવા હું બજાવું છું, તે તેમને પસંદ પડે; 32 અને ઈશ્વરની ઇચ્છાથી હું આનંદસહિત તમારી પાસે આવું અને તમારી સાથે વિસામો પામું એવી તમે મારે માટે આગ્રહપૂર્વક ઈશ્વરની પ્રાર્થના કરીને મને સહાય કરો.

33 હવે શાંતિદાતા ઈશ્વર તમો સર્વની સાથે હો. આમીન.

<- રોમનોને પત્ર 14રોમનોને પત્ર 16 ->