Link to home pageLanguagesLink to all Bible versions on this site
10
સર્વ માટે ખુલ્લો ઉદ્ધારનો માર્ગ
1 ભાઈઓ, ઇઝરાયલને સારુ મારા અંતઃકરણની ઇચ્છા તથા ઈશ્વરને મારી પ્રાર્થના છે કે તેઓ ઉદ્ધાર પામે. 2 કેમ કે હું તેઓ વિષે સાક્ષી આપું છું કે, ઈશ્વર માટે તેઓને આતુરતા છે, પણ તે જ્ઞાન પ્રમાણે નથી. 3 કેમ કે ઈશ્વરના ન્યાયીપણા વિષે અજાણ્યા હોવાથી તથા પોતાના ન્યાયીપણા ને સ્થાપન કરવા યત્ન કરતા હોવાથી તેઓ ઈશ્વરના ન્યાયીપણાને આધીન થયા નહિ.

4 કેમ કે ખ્રિસ્ત તો દરેક વિશ્વાસ રાખનારને માટે ન્યાયીપણું પામવાના નિયમશાસ્ત્રની સંપૂર્ણતા છે. 5 કેમ કે મૂસા ન્યાયીપણાના નિયમ વિષે લખે છે કે, ‘જે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાયીપણું આચરે છે, તે તેના દ્વારા જીવશે.’ ”

6 પણ જે ન્યાયીપણું વિશ્વાસ ધ્વારા મળે છે તે એવું કહે છે કે, ‘તું તારા અંતઃકરણમાં ન કહે કે, ‘સ્વર્ગમાં કોણ ચઢશે?’ એટલે ખ્રિસ્તને નીચે લાવવાને; 7 અથવા એ કે, ‘ઊંડાણમાં કોણ ઊતરશે?” એટલે ખ્રિસ્તને મૃત્યુમાંથી સજીવન કરવાને.

8 પણ તે શું કહે છે? કે, ‘એ વચન તારી પાસે, તારા મુખમાં તથા તારા અંતઃકરણમાં છે.’ ”

એટલે વિશ્વાસનું જે વચન અમે પ્રગટ કરીએ છીએ તે એ છે કે 9 જો તું તારા મુખથી ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને ઈશ્વરે તેમને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં કરીશ, તો તું ઉદ્ધાર પામીશ. 10 કારણ કે ન્યાયીપણું પ્રાપ્ત કરવાને માટે અંતઃકરણથી વિશ્વાસ કરવામાં આવે છે અને ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે મુખથી કબૂલાત કરવામાં આવે છે.

11 કેમ કે શાસ્ત્રવચનો કહે છે કે, ‘ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તે શરમાશે નહિ.’ ” 12 અહીં યહૂદી તથા ગ્રીકમાં કશો તફાવત નથી, કેમ કે સર્વના પ્રભુ એક જ છે અને જેઓ તેને વિનંતી કરે છે તેઓ સર્વ પ્રત્યે તે ખૂબ જ ઉદાર છે. 13 કેમ કે ‘જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે ઉદ્ધાર પામશે.’ ”

14 પણ જેમનાં ઉપર તેઓએ વિશ્વાસ કર્યો નથી, તેમને તેઓ કેવી રીતે વિનંતી કરી શકે? વળી જેમને વિષે તેઓએ સાંભળ્યું નથી, તેમના ઉપર તેઓ કેવી રીતે વિશ્વાસ કરી શકે? વળી ઉપદેશક વગર તેઓ કેવી રીતે સાંભળી શકે? 15 વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેવી રીતે ઉપદેશ કરી શકે? ‘જેમ લખ્યું છે કે, શુભસંદેશ સંભળાવનારનાં પગલાં કેવાં સુંદર છે!’ ”

16 પણ બધાએ તે સુવાર્તા માની નહિ; કેમ કે યશાયા કહે છે કે, ‘હે પ્રભુ, અમારા સંદેશા પર કોણે વિશ્વાસ કર્યો છે?’ 17 આમ, સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તનાં વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે.

18 પણ હું પૂછું છું કે, ‘શું તેઓએ નથી સાંભળ્યું?’ ‘હા ખરેખર, સમગ્ર પૃથ્વી પર તેઓનો અવાજ તથા દુનિયાના છેડાઓ સુધી તેઓના વચનો ફેલાયા છે.’ ”

19 વળી હું પૂછું છું કે, ‘શું ઇઝરાયલી લોકો જાણતા ન હતા?’ પ્રથમ મૂસા કહે છે કે, ‘જેઓ પ્રજા નથી તેવા લોકો પર હું તમારામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરીશ; અણસમજુ પ્રજા ઉપર હું તમારામાં ક્રોધ ઉત્પન્ન કરીશ.

20 વળી યશાયા બહુ હિંમતથી કહે છે કે, ‘જેઓ મને શોધતાં ન હતા તેઓને હું મળ્યો; જેઓ મને શોધતાં ન હતા તેઓ આગળ હું પ્રગટ થયો.’ ” 21 પણ ઇઝરાયલ વિષે તો તે કહે છે કે, ‘આખો દિવસ ન માનનારા તથા વિરુદ્ધ બોલનારા લોકો તરફ મેં મારા હાથ લાંબા કર્યા.’ ”

<- રોમનોને પત્ર 9રોમનોને પત્ર 11 ->