Link to home pageLanguagesLink to all Bible versions on this site

1 જયારે પાંચમા સ્વર્ગદૂતે રણશિંગડું વગાડ્યું, ત્યારે મેં એક તારો આકાશથી પૃથ્વી પર પડેલો જોયો; તેને અનંતઊંડાણની ખાઈની ચાવી અપાઈ. 2 તેણે અનંતઊંડાણની ખાઈને ખોલી. તો તેમાંથી મોટી ભઠ્ઠીમાંથી નીકળતો હોય તેવો ધુમાડો નીકળ્યો તેનાથી સૂર્ય તથા હવા અંધકારમય થઈ ગયા.

3 એ ધુમાડામાંથી તીડો નીકળીને પૃથ્વી પર આવ્યાં, અને પૃથ્વી પરના વીંછીઓની શક્તિ જેવી શક્તિ તેઓને આપવામાં આવી. 4 અને તેઓને એવું ફરમાવ્યું કે, પૃથ્વીના ઘાસને, કોઈ છોડને તથા કોઈ ઝાડને નુકસાન કરો નહિ પણ જે માણસોના કપાળ પર ઈશ્વરની મહોર નથી તેઓને ઉપદ્રવ કરો.

5 તેઓને તે લોકોને મારી નાખવાની પરવાનગી આપી નહિ, પણ પાંચ મહિના સુધી પીડા પમાડે. વીંછુ જયારે માણસને ડંખ મારે છે ત્યારની પીડા જેવી એ પીડા હતી. 6 તે દિવસોમાં માણસો મરણ માટે તળપશે પણ તે તેમને મળશે જ નહિ, તેઓ મરણ ઇચ્છશે પણ મરણ તેઓ પાસેથી જતું રહેશે.

7 તે તીડોનાં સ્વરૂપ લડાઈને માટે તૈયાર કરેલા ઘોડાઓનાં જેવા હતાં, અને તેઓનાં માથાં પર જાણે કે સોનાનાં હોય એવા મુગટો હતા તેઓના ચહેરા માણસોના ચહેરા જેવા હતા; 8 અને તેઓના વાળ સ્ત્રીનાં વાળ જેવા અને તેઓના દાંત સિંહના દાંત જેવા હતા; 9 અને તેઓનાં અંગે લોખંડનાં બખતર જેવા બખતર હતાં; અને તેઓની પાંખોનો અવાજ યુદ્ધમાં દોડતા ઘણાં ઘોડાના રથોના અવાજ જેવો હતો.

10 તેઓને વીંછુઓના જેવી પૂંછડી હતી, અને ડંખ પણ હતો, તેઓની પૂંછડીઓમાં માણસોને પાંચ માસ સુધી પીડા પમાડવાની શક્તિ હતી. 11 અનંતઊંડાણનો જે દૂત છે તે તેઓનો રાજા છે; તેનું નામ હિબ્રૂ ભાષામાં અબેદોન, પણ ગ્રીક ભાષામાં તેનું નામ આપોલ્યોન એટલે વિનાશક છે.

12 પહેલી આફત પૂરી થઈ છે, જુઓ, હવે પછી બીજી બે આફતો આવવાની છે.

13 પછી છઠ્ઠા સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું દૂતે વગાડ્યું ત્યારે ઈશ્વરની સન્મુંખની સોનાની યજ્ઞવેદીનાં શિંગડાંમાંથી નીકળતી હોય એવી એક વાણી મેં સાંભળી; 14 તેણે જે છઠ્ઠા સ્વર્ગદૂતની પાસે રણશિંગડું હતું તેને કહ્યું કે, ‘મહાનદી યુફ્રેતિસ પર જે ચાર નર્કદૂતો બાંધેલા છે તેઓને મુક્ત કરે. 15 આ ચાર દૂતો માણસોના ત્રીજા ભાગને મારી નાખે તે ઘડી, દિવસ, મહિના તથા વર્ષને માટે તૈયાર કરાયા હતા તેઓને છૂટા કરાયા.

16 તેઓના લશ્કરના ઘોડેસવારોની સંખ્યા વીસ કરોડ હતી તે મારા સાંભળવામાં આવી. 17 આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા; તેઓનાં બખતર આગ જેવા રાતાં, જાંબલી તથા ગંધકના રંગના હતાં. એ ઘોડાઓનાં માથાં સિંહોનાં માથાં જેવા હતાં, અને તેઓનાં મોંમાંથી આગ તથા ધુમાડા તથા ગંધક નીકળતાં હતાં.

18 એ ત્રણ આફતોથી, એટલે તેઓના મુખમાંથી નીકળતી આગથી, ધુમાડાથી તથા ગંધકથી માણસોનો ત્રીજો ભાગ મારી નંખાયો; 19 કેમ કે ઘોડાઓની શક્તિ તેઓનાં મોંમાં તથા તેઓની પૂંછડીઓમાં છે; કારણ કે તેઓનાં પૂંછડાં સાપના જેવા છે, અને તેઓને માથાં હોય છે જેથી તેઓ ઉપદ્રવ કરે છે.

20 બાકીના જે માણસો તે આફતોથી મારી નંખાયા નહિ, તેઓએ પોતાના હાથની કૃતિઓ સંબંધી એટલે કે દુષ્ટાત્માઓની, સોનાની, રૂપાની, પિત્તળની, પથ્થરની તથા લાકડાની મૂર્તિઓ જેઓને જોવાની તથા સાંભળવાની તથા ચાલવાની પણ શક્તિ નથી, તેઓની ઉપાસના કરવાનો પસ્તાવો કર્યો નહિ. 21 વળી તેઓએ પોતે કરેલી હત્યાઓ, જાદુક્રિયા, વ્યભિચારના પાપો તથા ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ.

<- પ્રકટીકરણ 8પ્રકટીકરણ 10 ->