Link to home pageLanguagesLink to all Bible versions on this site
4
સ્વર્ગમાં આરાધના
1 એ ઘટનાઓ બન્યા પછી મેં જોયું, તો જુઓ, સ્વર્ગમાં એક દ્વાર ખૂલેલું હતું. જે પ્રથમ વાણી રણશિંગડાના અવાજ જેવી મેં સાંભળી તે મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું કે, ‘અહીં ઉપર આવ, હવે પછી જે જે થવાનું છે તે હું તને બતાવીશ.’ ” 2 એકાએક હું આત્મામાં હતો; ત્યારે જુઓ, સ્વર્ગમાં એક રાજ્યાસન મૂકવામાં આવ્યું, તેના પર એક જણ બિરાજેલા હતા. 3 તે દેખાવમાં લાલ પાષાણ તથા અકીક જેવા હતા; રાજ્યાસનની આસપાસ એક મેઘધનુષ હતું. તેનો દેખાવ નીલમણિ જેવો હતો.

4 રાજ્યાસનની આસપાસ ચોવીસ આસનો હતાં; તેના પર ચોવીસ વડીલો બેઠેલા મેં જોયા, તેઓએ સફેદ વસ્ત્ર પહેરેલાં હતાં; તેઓનાં માથાં પર સોનાનાં મુગટ હતા. 5 રાજ્યાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળતી હતી અને રાજ્યાસનની આગળ અગ્નિના સાત દીવા બળતા હતા જે ઈશ્વરના સાત આત્માઓ હતા.

6 રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો. રાજ્યાસનની મધ્યે તથા તેની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવાં ચાર પ્રાણી હતાં.

7 પહેલું પ્રાણી સિંહના જેવું હતું, બીજું પ્રાણી બળદના જેવું હતું, ત્રીજા પ્રાણીને માણસના જેવું મોં હતું, ચોથું પ્રાણી ઊડતા ગરુડના જેવું હતું. 8 તે ચાર પ્રાણીમાંના દરેકને છ છ પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા અંદર આંખોથી ભરપૂર હતાં. તેઓ ‘પવિત્ર, પવિત્ર, પવિત્ર, સર્વશક્તિમાન પ્રભુ ઈશ્વર, જે હતા, જે છે, અને જે આવનાર છે,’ એમ રાતદિવસ કહેતાં વિસામો લેતાં નહોતાં.

9 રાજ્યાસન પર જે બેઠેલા છે, જે સદાસર્વકાળ જીવંત છે, તેમનો મહિમા, માન તથા આભારસ્તુતિ તે પ્રાણીઓ જયારે બોલશે, 10 ત્યારે ચોવીસ વડીલો રાજ્યાસન પર બેઠેલાને દંડવત પ્રણામ કરશે. જે સદાસર્વકાળ સુધી જીવંત છે તેમની આરાધના કરશે અને રાજ્યાસન આગળ પોતાના મુગટ ઉતારીને કહેશે કે, 11 ‘ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો; કેમ કે તમે સર્વને ઉત્પન્ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ અસ્તિત્વમાં આવ્યા અને ઉત્પન્ન થયાં.’ ”

<- પ્રકટીકરણ 3પ્રકટીકરણ 5 ->