Link to home pageLanguagesLink to all Bible versions on this site
22
1 સ્ફટિકના જેવી ચળકતી, જીવનનાં પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી. 2 એ નદીના બંને કિનારા પર જીવનનું વૃક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વૃક્ષ નાં પાંદડાં સર્વ પ્રજાઓને સાજાં કરવા માટે હતાં.

3 ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તે નગરમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે, 4 તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે. 5 ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદાસર્વકાળ રાજ્ય કરશે.

ઈસુનું પુનરાગમન
6 તે દૂતે મને કહ્યું કે, ‘એ વાતો વિશ્વસનીય તથા સાચી છે; અને પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમણે જે થોડા સમયમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા સારુ પોતાના સ્વર્ગદૂતને મોકલ્યો છે. 7 જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.’ ”

8 જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે સ્વર્ગદૂતે મને એ બિનાઓ બતાવી, તેનું દંડવત પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો. 9 પણ તેણે મને કહ્યું કે, ‘જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથી સેવક છું; તું ઈશ્વરનું ભજન કર.’ ”

10 તેણે મને કહ્યું કે, ‘આ પુસ્તકમાંના પ્રબોધવચનોને મહોરથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. 11 જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યા કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.

12 જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે. 13 હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.

14 જીવનનાં વૃક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે તે માટે જેઓ પોતાનાં વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે. 15 કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.

16 મેં ઈસુએ મારા સ્વર્ગદૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું મૂળ, તથા દાઉદનું સંતાન, અને પ્રભાતનો ઉજ્જવળ તારો છું.

17 આત્મા તથા કન્યા બંને કહે છે કે, ‘આવો;’ અને જે સાંભળે છે તે એમ કહે કે, ‘આવો,’ અને જે તૃષિત હોય, તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.

ઉપસંહાર
18 આ પુસ્તકમાંના પ્રબોધવચનો જે કોઈ સાંભળે છે તેને હું ચેતવું છું, ‘જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે; 19 અને જો કોઈ આ પ્રબોધવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ કાઢી નાખશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનનાં વૃક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમનાં વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.’ ”

20 જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, ‘હા, થોડીવારમાં આવું છું.’ ” આમીન, ‘ઓ પ્રભુ ઈસુ, આવો.’ ”

21 પ્રભુ ઈસુની કૃપા બધા સંતો પર હો, આમીન.

<- પ્રકટીકરણ 21