Link to home pageLanguagesLink to all Bible versions on this site
21
નવું આકાશ અને નવી પૃથ્વી
1 પછી મેં નવું આકાશ તથા નવી પૃથ્વી જોયાં, કેમ કે પ્રથમનું આકાશ તથા પ્રથમની પૃથ્વી જતા રહ્યાં હતા; અને સમુદ્ર પણ રહ્યો ન હતો. 2 મેં પવિત્ર નગર, નવું યરુશાલેમ, ઈશ્વરની પાસેથી સ્વર્ગમાંથી ઊતરતું જોયું, અને જેમ કન્યા પોતાના વરને સારુ શણગારેલી હોય તેમ તે તૈયાર કરેલું હતું.

3 રાજ્યાસનમાંથી મોટી વાણી એમ કહેતી મેં સાંભળી કે, ‘જુઓ, ઈશ્વરનું રહેઠાણ માણસોની સાથે છે, અને ઈશ્વર તેઓની સાથે વસશે, અને તેઓ તેમના લોકો થશે, અને ઈશ્વર પોતે તેઓની સાથે રહીને તેઓના ઈશ્વર થશે. 4 તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; હવે મરણ, શોક, રુદન કે વેદના ફરીથી થશે નહિ. જૂની વાતો જતી રહી છે.’ ”

5 રાજ્યાસન પર જે બેઠેલા છે, તેમણે કહ્યું કે, ‘જુઓ, હું સઘળું નવું બનાવું છું.’ ” ફરીથી તે કહે છે કે, ‘તું લખ, કેમ કે આ વાતો વિશ્વસનીય તથા સાચી છે.’ ” 6 તેમણે મને કહ્યું કે, ‘તે પૂરી થઈ ગઈ છે. હું આલ્ફા તથા ઓમેગા, શરૂઆત તથા અંત છું. હું તરસ્યાને જીવનનાં પાણીના ઝરામાંથી મફત જળ આપીશ.

7 જે જીતે છે તે તેઓનો વારસો પામશે, અને હું તેમનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા બાળકો થશે. 8 પણ કાયરો, અવિશ્વાસીઓ, દુર્જનો, હત્યારાઓ, વ્યભિચારીઓ, તાંત્રિકો, મૂર્તિપૂજકો તથા સઘળા જૂઠું બોલનારાઓને, અગ્નિ તથા ગંધકથી બળનારા સરોવરમાં ફેંકવામાં આવશે. એ જ બીજું મરણ છે.”

નવું યરુશાલેમ
9 જે સાત સ્વર્ગદૂતોની પાસે સાત પ્યાલા હતા, તે સાત છેલ્લી આફતોથી ભરેલા હતા તેઓમાંનો એક સ્વર્ગદૂત મારી પાસે આવ્યો ને મને કહ્યું કે, ‘અહીં આવ, અને જે કન્યા હલવાનની પત્ની છે તેને હું તને બતાવીશ.’ ” 10 પછી તે મને આત્મામાં એક મોટા તથા ઊંચા પહાડ પર લઈ ગયો, અને ઈશ્વરની પાસેથી સ્વર્ગથી ઊતરતું પવિત્ર નગર યરુશાલેમ મને બતાવ્યું.

11 તેમાં ઈશ્વરનું ગૌરવ હતું, અને તેનું તેજ અતિ મૂલ્યવાન રત્ન જેવું, એટલે યાસપિસ પાષાણ જે સ્ફટિક સમાન નિર્મળ હોય, એના જેવું હતું. 12 તેની દિવાલ મોટી તથા ઉંચી હતી અને જેને બાર દરવાજા હતા, અને દરવાજા પાસે બાર સ્વર્ગદૂતો ઊભેલા હતા. દરવાજા પર ઇઝરાયલનાં બાર કુળોના નામો લખેલાં હતાં. 13 પૂર્વમાં ત્રણ દરવાજા, ઉત્તરમાં ત્રણ દરવાજા, દક્ષિણમાં ત્રણ દરવાજા અને પશ્ચિમમાં ત્રણ દરવાજા હતા.

14 નગરની દીવાલના પાયાના બાર પથ્થર હતા, અને તેના પર હલવાનના બાર પ્રેરિતોનાં બાર નામ હતાં. 15 મારી સાથે જે સ્વર્ગદૂત બોલતો હતો, તેની પાસે નગર, દરવાજા અને દીવાલનું માપ લેવાની સોનાની લાકડી હતી.

16 નગર સમચોરસ હતું તેની જેટલી લંબાઈ હતી તેટલી જ તેની પહોળાઈ હતી. તેણે લાકડીથી નગરનું માપ લીધું. તો તે બે હજાર ચારસો કિલોમિટર થયું. નગરની લંબાઈ, પહોળાઈ ઊંચાઈ સરખી હતી. 17 તેણે તેની દીવાલનું માપ લીધું, તે માણસના માપ, એટલે સ્વર્ગદૂતના માપ પ્રમાણે ગણતાં એક્સો ચુંમાળીસ હાથ હતું.

18 તેની દીવાલની બાંધણી યાસપિસની હતી; અને નગર સ્વચ્છ કાચનાં જેવું શુદ્ધ સોનાનું હતું. 19 નગરની દીવાલના પાયા દરેક પ્રકારના મૂલ્યવાન પાષાણથી સુશોભિત હતા; પહેલો પાયો યાસપિસ, બીજો નીલમ, ત્રીજો માણેક, ચોથો લીલમ, 20 પાંચમો ગોમેદ, છઠ્ઠો અકીક, સાતમો તૃણમણિ, આઠમો પિરોજ, નવમો પોખરાજ, દસમો લસણિયો, અગિયારમો શનિ, બારમો યાકૂત.

21 તે બાર દરવાજા બાર મોતી હતા, તેઓમાંનો દરેક દરવાજો એક એક મોતીનો બનેલો હતો. નગરનો માર્ગ પારદર્શક કાચ જેવા શુદ્ધ સોનાનો બનેલો હતો. 22 મેં તેમાં ભક્તિસ્થાન જોયું નહિ, કેમ કે સર્વસમર્થ પ્રભુ ઈશ્વર તથા હલવાન એ જ ત્યાનું ભક્તિસ્થાન છે.

23 નગરમાં સૂર્ય કે ચંદ્ર પ્રકાશ આપે એવી જરૂર નથી. કેમ કે ઈશ્વરના ગૌરવે તેને પ્રકાશિત કર્યું છે, અને હલવાન તેનો દીવો છે. 24 પૃથ્વીની સર્વ પ્રજા તેના પ્રકાશમાં ચાલશે. અને દુનિયાના રાજાઓ પોતાનો વૈભવ તેમાં લાવે છે. 25 દિવસે તેના દરવાજા કદી બંધ થશે નહિ ત્યાં રાત પડશે નહિ.

26 તેઓ સર્વ પ્રજાઓનો વૈભવ તથા કીર્તિ તેમાં લાવશે; 27 અને જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર તથા અસત્યનું આચરણ કરે છે તેઓ તેમાં પ્રવેશી શકશે નહિ. જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ પામી શકશે.

<- પ્રકટીકરણ 20પ્રકટીકરણ 22 ->