Link to home pageLanguagesLink to all Bible versions on this site
20
એક હજાર વર્ષ
1 મેં એક સ્વર્ગદૂતને સ્વર્ગથી ઊતરતો જોયો, તેની પાસે અનંતઊંડાણની ચાવી હતી, અને તેના હાથમાં મોટી સાંકળ હતી. 2 તેણે પેલા અજગરને જે ઘરડો સર્પ, દુષ્ટ તથા શેતાન છે, તેને પકડ્યો. અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો. 3 અને તેણે તેને અનંતઊંડાણમાં ફેંકીને તે બંધ કર્યું, અને તેને મહોર કર્યું, એ માટે કે તે હજાર વર્ષ પૂરાં થતાં સુધી તે ફરી લોકોને ભુલાવે નહિ; ત્યાર પછી થોડીવાર સુધી તે છૂટો કરવામાં આવશે.

4 પછી મેં રાજ્યાસનો જોયાં અને તેઓ પર જે લોકો બેઠેલા હતા તેઓને ન્યાય કરવાનું સોંપવામાં આવ્યું. અને જેઓનો ઈસુની સાક્ષીને લીધે તથા ઈશ્વરના વચનને લીધે શિરચ્છેદ કરવામાં આવ્યા હતા તથા જેઓએ હિંસક પશુની તથા તેની મૂર્તિની ઉપાસના કરી ન હતી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લગાવી ન હતી તેઓના આત્માઓને મેં જોયાં; અને તેઓ સજીવન થયા અને ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ્ય કર્યુ.

5 મરણ પામેલાંઓમાંના જે બાકી રહ્યા, તેઓ તે હજાર વર્ષ પૂરાં થયાં ત્યાં સુધી સજીવન થયાં નહિ. એ જ પહેલું પુનરુત્થાન છે. 6 પહેલા મરણોત્થાનમાં જેને ભાગ છે તે આશીર્વાદિત તથા પવિત્ર છે; તેવાઓ પર બીજા મરણનો અધિકાર નથી, પણ તેઓ ઈશ્વરના તથા ખ્રિસ્તનાં યાજક થશે અને તેમની સાથે હજાર વર્ષ રાજ કરશે.

શેતાનનો પરાજય
7 જયારે તે હજાર વર્ષ પૂરાં થશે ત્યારે શેતાનને તેના બંધનમાંથી મુક્ત કરવામાં આવશે. 8 અને તે પૃથ્વી પર ચારે ખૂણામાં રહેતા લોકોને, ગોગ તથા માગોગને ગેરમાર્ગે દોરીને લડાઈને સારુ તેઓને એકઠા કરવાને બહાર આવશે; તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.

9 તેઓ પૃથ્વીની આખી સપાટી પર ગયા અને તેઓએ સંતોની છાવણીને જે પ્રિય શહેર છે તેને ઘેરી લીધું; પણ સ્વર્ગમાંથી અગ્નિ ઊતર્યો અને તેઓનો સંહાર કર્યો. 10 શેતાન જે તેઓને ભમાવનાર હતો, તેને સળગતા ગંધકના સરોવરમાં, જ્યાં હિંસક પશુ તથા જૂઠો પ્રબોધક છે, ત્યાં ફેંકી દેવામાં આવ્યો. ત્યાં રાતદિવસ સદાસર્વકાળ સુધી તેઓ પીડા ભોગવશે.

હજાર વર્ષ પછીનો ન્યાયચુકાદો
11 પછી મેં મોટા સફેદ રાજ્યાસનને તથા તેના પર જે બેઠેલા હતા તેમને જોયા, તેમની સન્મુંખથી પૃથ્વી તથા આકાશ અદ્રશ્ય થઈ ગયા. અને તેઓને માટે કોઈ સ્થાન મળ્યું નહિ. 12 પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને સિંહાસનની સમક્ષ ઊભા રહેલાં જોયાં; અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને બીજું પુસ્તક જે જીવનનું છે તે પણ ઉઘાડવામાં આવ્યું. અને તે પુસ્તકોમાં જે જે લખ્યું હતું તે પરથી મૃત્યુ પામેલાંનો તેઓની કરણીઓ પ્રમાણે, ન્યાય કરવામાં આવ્યો.

13 સમુદ્રે પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં તેઓને પાછા આપ્યાં, અને મરણે તથા પાતાળ પણ પોતાનામાં જે મૃત્યુ પામેલાં હતાં, તેઓને પાછા આપ્યાં; અને દરેકનો ન્યાય તેની કરણી પ્રમાણે કરવામાં આવ્યો. 14 મૃત્યુ તથા પાતાળ અગ્નિની સરોવરમાં ફેંકાયાં. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. 15 જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું જણાયું નહિ તેને અગ્નિના સરોવરમાં ફેંકી દેવામાં આવ્યો.

<- પ્રકટીકરણ 19પ્રકટીકરણ 21 ->