Link to home pageLanguagesLink to all Bible versions on this site
11
ઈશ્વરના બે સાક્ષીઓ
1 લાકડી જેવી એક માપપટ્ટી મને અપાઈ અને કહેવામાં આવ્યું કે ‘તું ઊઠ, ઈશ્વરના ભક્તિસ્થાન તથા યજ્ઞવેદીનું માપ લે તથા ત્યાંના ભજન કરનારાઓની ગણતરી કર. 2 પણ મંદિરની બહાર જે ચોક છે તેનું માપ લઈશ નહિ કેમ કે તે વિદેશીઓને આપેલું છે; તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને કચડશે.

3 મારા બે સાક્ષીને હું એવો અધિકાર આપીશ કે તેઓ ટાટ પહેરીને એક હજાર બસો સાંઠ દિવસ સુધી પ્રબોધ કરે. 4 જૈતૂનનાં જે બે વ્રુક્ષ તથા જે બે દીવી પૃથ્વીના ઈશ્વરની સમક્ષ ઊભા છે તેઓ એ જ તે સાક્ષી છે. 5 જો કોઈ તેઓને ઈજા પહોંચાડવા ચાહશે તો તેઓનાં મોંમાંથી આગ નીકળશે અને તેઓના શત્રુઓને નષ્ટ કરશે. અને જો કોઈ તેઓને ઈજા કરવા ઇચ્છશે તો તેને આ રીતે માર્યા જવું પડશે.

6 તેઓને આકાશ બંધ કરવાનો અધિકાર છે કે તેઓના પ્રબોધ કરવાના દિવસો દરમિયાન વરસાદ વરસે નહિ. અને પાણીઓ પર તેઓને અધિકાર છે કે તેઓ પાણીને લોહીરૂપે બદલી નાખે અને તેઓ જેટલી વાર ચાહે તેટલી વાર પૃથ્વી પર દરેક પ્રકારની આફત લાવે. 7 જયારે તેઓ પોતાની સાક્ષી પૂરી કરશે ત્યારે જે હિંસક પશુ અનંતઊંડાણમાંથી નીકળે છે તે તેઓની સાથે લડાઈ કરશે અને તેઓને જીતશે તથા તેઓને મારી નાખશે.

8 જે મોટું નગર આત્મિક રીતે સદોમ તથા મિસર કહેવાય છે, જ્યાં તેઓના પ્રભુ વધસ્તંભે જડાયા તે નગરના રસ્તામાં તેઓના મૃતદેહો પડ્યા રહે છે; 9 અને સર્વ પ્રજાઓ, કુળો, ભાષાઓ તથા દેશોમાંથી આવેલા કેટલાક માણસો સાડાત્રણ દિવસ સુધી તેઓનાં મૃતદેહ જુએ છે અને એ મૃતદેહોને કબરમાં દફનાવવા દેતાં નથી.

10 પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે હર્ષ કરશે અને આનંદિત થશે અને એકબીજા પર ભેટ મોકલશે કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુઃખ દીધું હતું. 11 સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો. તેથી તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; પછી તેઓને જોનારાઓને ઘણી બીક લાગી. 12 તેઓએ સ્વર્ગમાંથી મોટી વાણી પોતાને એમ કહેતાં સાંભળી કે ‘તમે અહીં ઉપર આવો’ અને તેઓ વાદળ પર થઈને સ્વર્ગમાં ચઢી ગયા. અને તેઓના શત્રુઓએ તેઓને ચઢતાં જોયા.

13 તે સમયે મોટો ધરતીકંપ થયો અને તે નગરનો દસમો ભાગ નષ્ટ થઈ ગયો. ધરતીકંપથી સાત હજાર માણસો મૃત્યુ પામ્યા અને જે બચી ગયા તેઓ ગભરાયા, તેઓએ સ્વર્ગના ઈશ્વરને મહિમા આપ્યો.

14 બીજી આફત આવી ગઈ છે, જુઓ, ત્રીજી આફત વહેલી આવી રહી છે.

સાતમું રણશિંગડું
15 પછી સાતમાં સ્વર્ગદૂતે પોતાનું રણશિંગડું વગાડ્યું ત્યારે આકાશમાં મોટી વાણીઓ થઈ. તેઓએ કહ્યું કે ‘આ દુનિયાનું રાજ્ય આપણા પ્રભુનું તથા તેમના ખ્રિસ્તનું થયું છે, તે સદાસર્વકાળ રાજ્ય કરશે.’ ”

16 જે ચોવીસ વડીલો ઈશ્વરની આગળ પોતાનાં સિંહાસન પર બેઠા હતા તેઓએ દંડવત પ્રણામ કરીને ઈશ્વરનું ભજન કરતાં કહ્યું કે, 17 ‘ઓ સર્વસમર્થ પ્રભુ ઈશ્વર, જે છે, ને જે હતા, અમે તમારી આભાર માનીએ છીએ કેમ કે તમે પોતાનું મહાન પરાક્રમ ધારણ કરીને શાસન શરુ કર્યું છે. 18 દેશોના લોકો ગુસ્સે ભરાયા અને તમારો કોપ પ્રગટ થયો; અને સમય આવ્યો છે કે, મરેલાંઓનો ન્યાય થાય અને તમારા સેવકો એટલે પ્રબોધકો, સંતો તથા તમારા નામથી ડરનારાં, પછી તેઓ નાના હોય કે મોટા હોય, તેઓને પ્રતિફળ આપવાનો તથા જેઓ પૃથ્વીને નષ્ટ કરનારા છે તેઓનો સંહાર કરવાનો સમય આવ્યો છે.’ ”

19 પછી સ્વર્ગમાં ઈશ્વરનું જે ભક્તિસ્થાન છે તે ઉઘાડવામાં આવ્યું. અને ભક્તિસ્થાનમાં તેમના કરારનો કોશ દેખાયો. અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ તથા ધરતીકંપ થયાં. અને પુષ્કળ કરા પડ્યા.

<- પ્રકટીકરણ 10પ્રકટીકરણ 12 ->