Link to home pageLanguagesLink to all Bible versions on this site
9
પ્રભુના અદલ ઇનસાફ માટે સ્તુતિગાન
મુખ્ય ગવૈયાને માટે; રાગ મુથ-લાબ્બેન. દાઉદનું ગીત.
1 હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ;
હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.
2 હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ;
હે પરાત્પર ઈશ્વર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.
3 જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે,
ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.
4 કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે;
ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.
5 તમે વિદેશીઓને ધમકાવ્યા છે,
તમે દુષ્ટોનો નાશ કર્યો છે;
તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.
6 શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે
તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે.
જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.
7 પણ યહોવાહ સદાકાળ રાજ કરશે;
તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.
8 તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે.
તે લોકોનો અદલ ઇનસાફ કરશે.
9 વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે,
તે સર્વ સંકટસમયે ગઢ થશે.
10 જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે,
કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.
11 સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ;
લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.
12 કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે;
તે તેમની અરજ ભૂલી જતા નથી.
13 હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર,
મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ.
14 સિયોનની દીકરીના દરવાજાઓમાં
હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું
હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.
15 પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે;
પોતે સંતાડી રાખેલા જાળમાં તેઓના પોતાના પગ સપડાયા છે.
16 યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે;
દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે.
સેલાહ
17 દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર
સર્વ લોકો શેઓલમાં જશે.
18 કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ,
ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.
19 હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો;
તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.
20 હે યહોવાહ, તેઓને ભયભીત કરો;
જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે.
સેલાહ.