Link to home pageLanguagesLink to all Bible versions on this site
88
મદદ માટે પોકાર
કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ.
1 હે યહોવાહ, મારો ઉદ્ધારકરનાર ઈશ્વર,
મેં રાતદિવસ તમારી આગળ વિનંતી કરી છે.
2 મારી પ્રાર્થના સાંભળો;
મારા પોકાર પર ધ્યાન આપો.
3 કારણ કે મારો જીવ ઘણો દુઃખી છે
અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
4 કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું;
હું નિરાધાર માણસના જેવો છું.
5 મને તજીને મૃત્યુ પામેલાઓની સાથે ગણી લીધો છે;
મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે,
જેઓનું તમે સ્મરણ કરતા નથી,
જેઓ તમારા હાથથી દૂર થયેલા છે, તેમના જેવો હું છું.
6 તમે મને છેક નીચલા ખાડામાં ધકેલી દીધો છે,
તે સ્થળો અંધકારથી ભરેલાં અને ઊંડાં છે.
7 મારા પર તમારો કોપ અતિ ભારે છે
અને તમારાં સર્વ મોજાં મારા પર ફરી વળ્યાં છે.
8 કેમ કે તમે મારા ઓળખીતાઓને મારી પાસેથી દૂર કર્યા છે.
તેઓ મારાથી આંચકો પામે એવો તમે મને કર્યો છે.
હું ફાંદામાં ફસાઈ ગયો છું અને તેમાંથી બહાર નીકળી શકતો નથી.
9 દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે;
હે યહોવાહ, મેં દરરોજ તમને અરજ કરી છે;
તમારી સંમુખ મેં મારા હાથ જોડ્યા છે.
10 શું તમે મરણ પામેલાઓને ચમત્કાર બતાવશો?
શું મરણ પામેલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે?
સેલાહ
11 શું કબરમાં તમારી કૃપા કે,
વિનાશમાં તમારું વિશ્વાસપણું જાહેર કરવામાં આવશે?
12 શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો
અને વિસ્મરણના દેશમાં તમારા ન્યાયીપણાનાં કૃત્યો વિષે જણાવવામાં આવશે?
13 પણ, હે યહોવાહ, હું પોકાર કરીશ;
સવારે મારી પ્રાર્થના તમારી સમક્ષ આવશે.
14 હે યહોવાહ, તમે મને કેમ તજી દીધો છે?
શા માટે તમે તમારું મુખ મારાથી ફેરવો છો?
15 મારી યુવાવસ્થાથી મારા પર દુ:ખ આવી પડ્યાં છે અને હું મરણતોલ થઈ ગયો છું.
તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો, હું કંઈ કરી શકતો નથી.
16 તમારો ઉગ્ર કોપ મારા પર આવી પડ્યો છે
અને તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
17 તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો છે;
તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા છે.
18 તમે મારા મિત્રોને અને સંબંધીઓને મારાથી દૂર કર્યા છે.
મારા સંબંધીઓમાં હવે તો અંધકાર જ રહ્યો છે.

<- ગીતશાસ્ત્ર 87ગીતશાસ્ત્ર 89 ->