Link to home pageLanguagesLink to all Bible versions on this site
84
તમારા નિવાસસ્થાન કેવું મનોહર છે!
મુખ્ય ગવૈયાને માટે; રાગ ગિત્તિથ. કોરાના દીકરાઓનું ગીત.
1 હે સૈન્યોના યહોવાહ,
તમારું નિવાસસ્થાન કેવું મનોહર છે!
2 મારો આત્મા યહોવાહના આંગણાની અભિલાષા રાખે છે;
જીવતા જાગતા ઈશ્વર માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.
3 ચકલીઓને ઘર મળ્યું છે
અને અબાબીલને પોતાનાં બચ્ચાં રાખવા માટે માળો મળ્યો છે
એટલે તમારી વેદીઓ આગળ, હે સૈન્યોના યહોવાહ,
મારા રાજા તથા મારા ઈશ્વર.
4 તમારા ઘરમાં રહેનારાઓ આશીર્વાદિત છે;
તેઓ સદા તમારાં સ્તુતિગાન ગાશે.
સેલાહ
5 જે માણસનું સામર્થ્ય તમારામાં છે,
જેઓનાં હૃદય સિયોનના માર્ગો ધ્યાનમાં રાખે છે, તેઓ આશીર્વાદિત છે.
6 રુદનના નીચાણને ઓળંગતા તેઓ તેને ઝરાની જગ્યા બનાવે છે.
પ્રથમ વરસાદ તેને આશીર્વાદથી ભરપૂર કરશે.
7 તેઓ વધારે અને વધારે સામર્થ્યવાન થતાં જાય છે;
તેઓમાંનો દરેક જણ સિયોનમાં ઈશ્વરની સમક્ષ હાજર થાય છે.
8 હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, મારી પ્રાર્થના સાંભળો;
હે યાકૂબના ઈશ્વર, હું જે પ્રાર્થના કરું, તે પર ધ્યાન આપો!
સેલાહ
9 હે ઈશ્વર, અમારી ઢાલને જુઓ;
તમારા અભિષિક્ત માટે કાળજી રાખો.
10 કારણ કે હજાર દિવસ કરતાં તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે.
દુષ્ટોના તંબુમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના ઘરના દરવાન થવું, તે મને વધારે પસંદ છે.
11 કારણ કે યહોવાહ ઈશ્વર આપણા સૂર્ય તથા ઢાલ છે;
યહોવાહ કૃપા તથા ગૌરવ આપશે;
ન્યાયથી વર્તનારને માટે તે કંઈ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
12 હે સૈન્યોના યહોવાહ,
જે માણસ તમારા પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.

<- ગીતશાસ્ત્ર 83ગીતશાસ્ત્ર 85 ->