Link to home pageLanguagesLink to all Bible versions on this site
83
ઇઝરાયલના શત્રુઓની હાર માટે પ્રાર્થના
ગાયન, આસાફનું ગીત.
1 હે ઈશ્વર, તમે છાના ન રહો!
હે ઈશ્વર, અમારી અવગણના ના કરશો અને સ્થિર રહો.
2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે
અને જેઓ તમને ધિક્કારે છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે
અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4 તેઓએ કહ્યું છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ.
જેથી ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી કદી રહે નહિ.”
5 તેઓએ એકસાથે મસલત કરી છે;
તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6 તંબુમાં રહેનાર અદોમીઓ,
ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7 ગબાલ, આમ્મોન, અમાલેક;
તૂર દેશના લોકો અને પલિસ્તીઓ પણ કરાર કરે છે.
8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે;
તેઓએ લોતના વંશજોને સહાય કરી છે.
સેલાહ
9 તમે જે મિદ્યાન સાથે કર્યું,
જેમ કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે કર્યું, તેમ તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા
અને ભૂમિના ખાતર જેવા થઈ ગયા.
11 તેઓના સરદારોને ઓરેબ તથા ઝએબના જેવા
અને તેઓના સર્વ રાજકુમારોને ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા કરો.
12 તેઓએ કહ્યું, “ચાલો આપણે પોતાને માટે
ઈશ્વરના નિવાસસ્થાનને પ્રાપ્ત કરીએ.”
13 હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા,
પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે
અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓથી
અને તમારા તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ત્રાસ પમાડો.
16 બદનામીથી તેઓ પોતાનાં મુખ સંતાડે
કે જેથી, હે યહોવાહ, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ અને ગૂંચવાઈ જાઓ;
તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમે એકલા જ યહોવાહ છો,
તમે એકલા જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.

<- ગીતશાસ્ત્ર 82ગીતશાસ્ત્ર 84 ->