Link to home pageLanguagesLink to all Bible versions on this site
79
શોક ગીત
આસાફનું ગીત.
1 હે ઈશ્વર, વિદેશીઓ તમારા વતનમાં આવ્યા છે;
તેઓએ તમારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે;
તેઓએ યરુશાલેમને ખંડિયેર કરી નાખ્યું છે.
2 તેઓએ તમારા સેવકોના મૃતદેહોને જંગલી પક્ષીઓને ખાવા માટે આપ્યા છે
તેઓએ તમારા ભક્તોના મૃતદેહોને ખાવા માટે જંગલી પશુઓને આપ્યા છે.
3 તેઓએ યરુશાલેમની આસપાસ પાણીની જેમ લોહી વહેવડાવ્યું છે
અને તેઓને દફનાવનાર કોઈ નથી.
4 અમે અમારા પડોશીઓને નિંદારૂપ થયા છીએ,
જેઓ અમારી આસપાસ છે તેઓની આગળ તિરસ્કારરૂપ તથા મશ્કરીપાત્ર થયા છીએ.
5 હે યહોવાહ, ક્યાં સુધી? શું તમે સદાને માટે કોપાયમાન રહેશો?
શું તમારો રોષ અગ્નિની જેમ સળગી ઊઠશે?
6 જે વિદેશીઓ તમને જાણતા નથી
અને જે રાજ્યની પ્રજાઓ તમારા નામે અરજ કરતી નથી, તેઓ પર તમારો કોપ રેડો.
7 કારણ કે તેઓ યાકૂબને ગળી ગયા છે
અને તેનું રહેઠાણ ઉજ્જડ કર્યું છે.
8 અમારા પૂર્વજોનાં પાપોને લીધે અમને દોષિત ઠરાવશો નહિ;
અમારા પર તમારી દયા કરવામાં વિલંબ કરશો નહિ,
કારણ કે અમે બહુ દુર્દશામાં આવી પડ્યા છીએ.
9 હે અમારા ઉદ્ધારનાર ઈશ્વર, તમારા નામના મહિમાને માટે, અમારી સહાય કરો;
તમારા નામની ખાતર અમને અમારાં પાપોથી બચાવો અને માફ કરો.
10 વિદેશીઓ શા માટે એવું કહે છે કે, “તેઓના ઈશ્વર ક્યાં છે?”
અમે નજરે જોઈએ એવી રીતે તમારા સેવકોના વહેવડાવેલા
લોહીનો બદલો વિદેશીઓને આપો.
11 બંદીવાનોના નિસાસા તમારી આગળ પહોંચો;
જેઓ મરણને માટે નિર્મિત થયેલા છે તેઓનું, તમારા મહાન સામર્થ્ય પ્રમાણે, રક્ષણ કરો.
12 હે પ્રભુ, અમારા પડોશી જે રીતે તમારું અપમાન કરે છે,
તે જ રીતે તેઓને તમે સાતગણી સજા તેઓના ખોળે આપો.
13 જેથી અમે અમારા લોકો તથા તમારા ચારના ઘેટાં
નિરંતર તમારી આભારસ્તુતિ કરીશું.
પેઢી દરપેઢી અમે તમારું સ્તવન કરીશું.

<- ગીતશાસ્ત્ર 78ગીતશાસ્ત્ર 80 ->