Link to home pageLanguagesLink to all Bible versions on this site
45
રાજવી લગ્નગીત
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નિમ; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ. પ્રેમ વિષે ગીત.
1 મારું હૃદય ઉત્તમ વિષયથી ભરાઈ ગયું છે;
જે શબ્દો મેં રાજાને માટે લખ્યા છે તે હું બોલું છું;
મારી જીભ શ્રેષ્ઠ લેખકની કલમ જેવી ચપળ છે.
2 તમે માણસ કરતાં વધારે સુંદર છો;
તમારા હોઠો કૃપાથી ભરેલા છે;
માટે અમે જાણીએ છીએ કે ઈશ્વરે તમને સદાને માટે આશીર્વાદિત કર્યા છે.
3 હે પરાક્રમી, તમે તમારી તલવાર કમરે બાંધો,
તમારું ગૌરવ તથા તમારો મહિમા ધારણ કરો.
4 સત્ય, નમ્રતા તથા ન્યાયીપણાને અર્થે
તમારા પ્રતાપે સવારી કરીને વિજયવંત થાઓ;
તમારો જમણો હાથ તમને ભયંકર કૃત્યો શીખવશે.
5 તમારાં બાણ તીક્ષ્ણ છે;
તે રાજાના શત્રુઓના હૃદયને વીંધે છે;
તેથી લોકો તમારે શરણે આવે છે.
6 ઈશ્વરે તમારા માટે આપેલા રાજ્યાસન સનાતન છે*હે ઈશ્વર તમારો રાજ્યાસન સનાતન છે;
તમારો રાજદંડ તે યથાર્થ રાજદંડ છે.
7 તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે;
માટે ઈશ્વર, તમારા ઈશ્વર, તમારા સાથીઓ કરતાં
તમને સર્વશ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષિક્ત કર્યા છે.
8 તમારા બધાં વસ્ત્રો બોળ, અગર તથા તજની સુગંધથી મહેંકે છે;
હાથીદાંતના મહેલોમાં તારનાં વાજિંત્રો તમને આનંદ પમાડે છે.
9 રાજાની દીકરીઓની મધ્યે કેટલીક સ્ત્રીઓ આદરમાન છે;
તમારે જમણે હાથે ઓફીરના સોનાથી શણગારેલા રાણી ઊભાં રહે છે.
10 હે દીકરી, સાંભળ, કાન ધર;
તારા લોકોને અને તારા પિતાના ઘરને ભૂલી જા.
11 આ રીતે રાજા તારા સૌંદર્ય પર મોહિત થશે;
તે તારા સ્વામી છે; તું તેમની સેવા કર.
12 તૂરની દીકરી ભેટ લઈને ત્યાં આવશે;
ધનવાન લોકો તારી કૃપાને માટે તને કાલાવાલા કરશે.
13 રાજપુત્રી મહેલમાં સંપૂર્ણ ગૌરવવાન છે;
તેનાં વસ્ત્રોમાં સોનાના તાર વણેલા છે.
14 શણગારેલાં વસ્ત્રો પહેરીને તેને રાજા પાસે લઈ જવામાં આવશે;
કુમારિકાઓ, જે તેની સાથીઓ છે, તે તેની પાછળ ચાલે છે,
તેઓને તમારી પાસે લાવવામાં આવશે.
15 તેઓને આનંદથી તથા ઉત્સાહથી લાવવામાં આવશે;
તેઓ રાજમહેલમાં પ્રવેશ કરશે.
16 તમારા પિતૃઓને સ્થાને તમારા દીકરાઓ આવશે,
જેઓને તમે આખા દેશ પર રાજકુમાર ઠરાવશો.
17 હું પેઢી દરપેઢી તમારા નામનું સ્મરણ રખાવીશ;
તેથી લોકો સદાકાળ સુધી તમારી આભારસ્તુતિ કરશે.

<- ગીતશાસ્ત્ર 44ગીતશાસ્ત્ર 46 ->