Link to home pageLanguagesLink to all Bible versions on this site
44
રક્ષણ માટે પ્રજાનો પોકાર
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું (ગીત). માસ્કીલ.
1 હે ઈશ્વર, જે કૃત્યો અમારા પિતૃઓના સમયમાં
એટલે પુરાતન કાળમાં, તમે જે કામો કર્યાં હતાં, તે વિષે તેઓએ અમને કહ્યું છે
તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
2 તમે તમારે હાથે વિદેશીઓને નસાડી મૂક્યા,
અને તમે તમારા લોકોને વસાવ્યા;
તમે વિદેશી લોકો પર દુઃખ લાવ્યા,
પણ તમે અમારા લોકોને દેશમાં વસાવ્યા.
3 તેઓએ પોતાની તલવાર વડે દેશને કબજે કર્યો નહોતો,
વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો;
પણ તમારા જમણા હાથે, તમારા ભુજે અને તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા,
કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.
4 તમે મારા ઈશ્વર તથા રાજા છો;
તમે યાકૂબને વિજય ફરમાવો.
5 તમારી સહાયતાથી અમે અમારા વૈરીઓને જમીનદોસ્ત કરી નાખીશું;
તમારે નામે અમારી વિરુદ્ધ ઊઠનારને છૂંદી નાખીશું.
6 કેમ કે હું મારા ધનુષ્ય પર ભરોસો રાખીશ નહિ,
મારી તલવાર પણ મારો બચાવ કરી શકશે નહિ.
7 પણ અમારા વૈરીઓથી તમે અમને બચાવ્યા છે
અને જેઓ અમને ધિક્કારે છે તેઓને બદનામ કર્યા છે.
8 આખો દિવસ અમે ઈશ્વરમાં બડાશ મારી છે
અને અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ કરીશું.
સેલાહ.
9 પણ હવે તમે અમને દૂર કર્યા છે અને શરમિંદા કર્યા છે
અને અમારા સૈન્યોની સાથે તમે બહાર આવતા નથી.
10 તમે શત્રુઓ આગળ અમારી પાસે પીઠ ફેરવાવો છો;
અને જેઓ અમને ધિક્કારે છે તેઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.
11 તમે અમને કાપવાનાં ઘેટાંની જેમ બનાવી દીધા છે
અને વિદેશીઓમાં અમને વિખેરી નાખ્યા છે.
12 તમે તમારા લોકોને મફત વેચી દીધા છે;
તેઓની કિંમતથી અમને કંઈ લાભ થતો નથી.
13 અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદારૂપ બનાવ્યા છે,
અમારી આસપાસના લોકો સમક્ષ અમને હાંસીરૂપ તથા તિરસ્કારરૂપ બનાવ્યા છે.
14 તમે અમને વિદેશીઓમાં કહાણીરૂપ
અને લોકોમાં માથાં હલાવવાનું કારણ કરો છો.
15 આખો દિવસ મારી આગળથી મારું અપમાન ખસતું નથી
અને મારા મુખ પર થતી શરમિંદગીએ મને ઢાંકી દીધો છે.
16 નિંદા તથા દુર્ભાષણ કરનાર બોલને લીધે
અને શત્રુ તથા વેર વાળનારની દ્રષ્ટિને લીધે આવું થાય છે.
17 આ બધું અમારા પર આવી પડ્યું છે; તોપણ અમે તમને વીસરી ગયા નથી
અને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી બન્યા નથી.
18 અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી;
અમારાં પગલાં તમારા માર્ગ પરથી અન્ય માર્ગે વળ્યાં નથી.
19 તોપણ તમે અમને શિયાળવાંની જગ્યામાં કચડ્યા છે
અને અમને મોતની છાયાથી ઢાંકી દીધા છે
20 જો અમે અમારા ઈશ્વરનું નામ ભૂલી ગયા હોઈએ
અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોય,
21 તો શું ઈશ્વર તે શોધી ન કાઢત?
કેમ કે તે હૃદયની ગુપ્ત વાતો જાણે છે.
22 કેમ કે તમારે લીધે અમે આખો દિવસ માર્યા જઈએ છીએ;
કાપવાના ઘેટાંની જેવા અમને ગણવામાં આવે છે.
23 હે પ્રભુ, જાગો, તમે કેમ ઊંઘો છો?
ઊઠો, અમને સદાને માટે દૂર ન કરો.
24 તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવ્યું છે?
અને અમારું સંકટ તથા અમારી સતાવણી કેમ વીસરી જાઓ છો?
25 કેમ કે અમારો જીવ જમીન સુધી નમી ગયો છે;
અને અમે પેટ ઘસડતા થયાં છીએ.
26 અમને મદદ કરવાને ઊઠો
અને તમારી કૃપાથી અમને છોડાવો.

<- ગીતશાસ્ત્ર 43ગીતશાસ્ત્ર 45 ->