Link to home pageLanguagesLink to all Bible versions on this site
36
માણસની દુષ્ટતા
મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત).
1 દુષ્ટનો અપરાધ મારા હૃદયમાં કહે છે કે;
તેની દ્રષ્ટિમાં ઈશ્વરનો ભય છે જ નહિ.
2 કેમ કે તે પોતાના મનમાં અભિમાન કરે છે
કે મારો અન્યાય પ્રગટ થશે નહિ અને મારો તિરસ્કાર થશે નહિ.
3 તેના શબ્દો અન્યાય તથા કપટથી ભરેલા છે;
તેને જ્ઞાની થવાનું તથા ભલું કરવાનું ગમતું નથી.
4 તે પોતાના પલંગ ઉપર અન્યાય કરવાને યોજના ઘડે છે;
તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે;
તે દુષ્ટતાને નકારતો નથી.
5 હે યહોવાહ, તમારી કૃપા આકાશો સુધી વિસ્તરેલી છે;
તમારું વિશ્વાસપણું વાદળો સુધી વ્યાપેલું છે.
6 તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે;
તમારો ન્યાય અતિ ગહન છે.
હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
7 હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે!
તમારી પાંખોની છાયામાં સર્વ મનુષ્ય આશ્રય લે છે.
8 તેઓ તમારા ઘરની સમૃદ્ધિથી પુષ્કળ તૃપ્ત થશે;
તમારા આશીર્વાદોની નદીઓમાંથી તેઓ પીશે.
9 કારણ કે તમારી પાસે જીવનનો ઝરો છે;
અમે તમારા અજવાળામાં અજવાળું જોઈશું.
10 જેઓ તમને ઓળખે છે, તેમના ઉપર તમારી દયા
તથા જેમનાં હૃદય પવિત્ર છે, તેમની સાથે તમારું ન્યાયીપણું જારી રાખજો.
11 મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ.
દુષ્ટોના હાથ મને નસાડી મૂકે નહિ.
12 દુષ્ટોનું કેવું પતન થયું છે;
તેઓ એવા પડી ગયા છે કે પાછા ઊઠી શકશે નહિ.

<- ગીતશાસ્ત્ર 35ગીતશાસ્ત્ર 37 ->