Link to home pageLanguagesLink to all Bible versions on this site
30
આભારસ્તુતિ
ઘરની પ્રતિષ્ઠા કરતી વખતનું ગાયન.દાઉદનું (ગીત).
1 હે યહોવાહ, હું તમને મોટા માનીશ, કારણ કે તમે મને ઊંચો કર્યો છે અને તમે મારા શત્રુઓને મારા પર હર્ષ પામવા દીધા નથી.
2 હે યહોવાહ, મારા ઈશ્વર, મેં તમને સહાયને માટે અરજ કરી અને તમે મને સાજો કર્યો છે.
3 હે યહોવાહ, તમે મારા જીવને શેઓલમાંથી કાઢી લાવ્યા છો; તમે મને જીવતો રાખ્યો છે અને મને કબરમાં પડવા દીધો નથી.
4 હે યહોવાહના વિશ્વાસુ ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ! તેમના પવિત્ર નામની આભારસ્તુતિ કરો.
5 તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે; પણ તેમની કૃપા જીવનભર છે.
રુદન રાત પર્યંત રહે છે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
6 હું નિર્ભય હતો, ત્યારે મેં કહ્યું હતું, “હું કદી ડગીશ નહિ.”
7 હે યહોવાહ, તમે મારા પર કૃપા કરીને મને પર્વતની જેમ સ્થિર બનાવ્યો છે;
પણ જ્યારે તમે મારાથી મુખ ફેરવ્યું, ત્યારે હું ભયભીત થયો.
8 હે યહોવાહ, મેં તમને પોકાર કર્યો અને મેં મારા પ્રભુને વિનંતી કરી!
9 જો હું કબરમાં જાઉં તો મારા મરણથી તમને શો લાભ થાય? શું ધૂળ તમારી સ્તુતિ કરશે? શું તે તમારું સત્ય પ્રગટ કરશે?
10 હે યહોવાહ, સાંભળો અને મારા પર દયા કરો! હે યહોવાહ, તમે મારા સહાયકારી થાઓ.
11 તમે મારા શોકને નૃત્યમાં ફેરવ્યું છે; તમે મારા શોકનાં વસ્ત્રો ઉતારી લઈને મને ઉત્સાહ રૂપી વસ્ત્રો પહેરાવી દીધાં.
12 જેથી મારું ગૌરવી હૃદય તમારાં સ્તોત્ર ગાય અને શાંત રહે નહિ; હું આનંદપૂર્વક, યહોવાહ મારા ઈશ્વરની સદાકાળ આભારસ્તુતિ કરીશ!

<- ગીતશાસ્ત્ર 29ગીતશાસ્ત્ર 31 ->