Link to home pageLanguagesLink to all Bible versions on this site
19
સૃષ્ટિમાં પ્રગટતો પ્રભુમહિમા
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત.
1 આકાશો ઈશ્વરનો મહિમા પ્રગટ કરે છે
અને અંતરિક્ષ તેમના હાથનું કામ દર્શાવે છે!
2 દિવસ દિવસને તેમના વિષે કહે છે;
રાત રાતને તેમનું ડહાપણ પ્રગટ કરે છે.
3 ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી;
તેઓની વાણી સંભાળતી નથી.
4 તેઓનો વિસ્તાર આખી પૃથ્વીમાં છે
અને જગતના છેડા સુધી તેઓની સાક્ષી ફેલાયેલી છે.
તેઓમાં ઈશ્વરે સૂર્યને માટે મંડપ ઊભો કર્યો છે.
5 સૂર્ય પોતાના ઓરડામાંથી નીકળતા વરરાજા જેવો છે
અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં આનંદ માને છે.
6 તે આકાશને એક છેડેથી નીકળી આવે છે
અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે;
તેની ઉષ્ણતા પામ્યા વિના કોઈ બાકી રહી જતું નથી.
પ્રભુનો નિયમ
7 યહોવાહના નિયમો સંપૂર્ણ છે, તે આત્માને તાજગી આપે છે;
યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે ભોળાને બુદ્ધિમાન કરે છે.
8 યહોવાહના વિધિઓ યથાર્થ છે, તેઓ હૃદયને આનંદ આપે છે;
યહોવાહની આજ્ઞાઓ નિર્મળ છે, જે આંખોને પ્રકાશ આપે છે.
9 યહોવાહનો ભય શુદ્ધ અને અનાદિ છે;
યહોવાહના ઠરાવો સત્ય તથા તદ્દન ન્યાયી છે.
10 તે શુદ્ધ સોના કરતાં, પણ વધુ પસંદ કરવા યોગ્ય છે;
વળી મધપૂડાનાં ટીપાં કરતાં તેઓ વધારે મીઠાં છે.
11 હા, તેનાથી તમારા સેવકને ચેતવણી મળે છે
તેઓને પાળવામાં મોટો લાભ છે.
12 પોતાની ભૂલો કોણ જાણી શકે?
છાના પાપથી તમે મને મુક્ત કરો.
13 જાણી જોઈને કરતાં પાપથી તમે તમારા સેવકને અટકાવો;
તેઓને મારા પર રાજ કરવા ન દો.
એટલે હું સંપૂર્ણ થઈશ
અને હું મહાપાપમાંથી બચી જઈશ.
14 હે યહોવાહ, મારા ખડક તથા મારા ઉદ્ધારનાર
મારા મુખના શબ્દો તથા મારા હૃદયના વિચારો
તમારી આગળ માન્ય થાઓ.

<- ગીતશાસ્ત્ર 18ગીતશાસ્ત્ર 20 ->