Link to home pageLanguagesLink to all Bible versions on this site
108
શત્રુઓ વિરુદ્ધ પ્રાર્થના
ગી.શા. 57:7-11; 60:5-12
ગાયન:દાઉદનું ગીત.
1 હે ઈશ્વર, મેં મારું હૃદય દૃઢ કર્યું છે;
હું મારા અંતઃકરણથી ગીત ગાઈશ અને સ્તુતિ કરીશ.
2 વીણા, સિતાર, જાગો;
હું જાતે પરોઢિયાને જગાડીશ.
3 હે યહોવાહ, હું લોકોમાં તમારો આભાર માનીશ;
પ્રજાઓમાં હું તમારાં સ્તોત્ર ગાઈશ.
4 કારણ કે તમારી કૃપા આકાશો કરતાં ઊંચી છે;
અને તમારું વિશ્વાસુપણું આભ સુધી પહોંચે છે.
5 હે ઈશ્વર, તમે આકાશો કરતાં ઊંચા મનાઓ
અને તમારું ગૌરવ આખી પૃથ્વી કરતાં ઊંચું મનાઓ.
6 કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે તેઓનો છૂટકો થાય,
તમારા જમણા હાથથી અમને છોડાવો અને ઉત્તર આપો.
7 ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે; “હું હરખાઈશ;
હું શખેમના ભાગ કરીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.
8 ગિલ્યાદ મારું છે અને મનાશ્શા મારું છે;
એફ્રાઇમ મારા માથાનો ટોપ છે;
યહૂદિયા મારો રાજદંડ છે.
9 મોઆબ મારા હાથ ધોવાનો કૂંડ છે;
અદોમ ઉપર હું મારાં પગરખાં ફેંકીશ;
પલિસ્તીઓને કારણે હું વિજયમાં આનંદ કરીશ.
10 મને કોટબંધ નગરમાં કોણ લઈ જશે?
મને અદોમમાં કોણ દોરી જશે?”
11 હે ઈશ્વર, શું તમે અમને તરછોડ્યા નથી?
તમે અમારા સૈન્યોની સાથે બહાર આવતા નથી.
12 અમને અમારા શત્રુઓ સામે મદદ કરો,
કેમ કે માણસની મદદ તો મિથ્યા છે.
13 અમે ઈશ્વરની સહાયથી પરાક્રમો કરીશું;
તે જ અમારા શત્રુઓને કચડી નાખશે.

<- ગીતશાસ્ત્ર 107ગીતશાસ્ત્ર 109 ->