Link to home pageLanguagesLink to all Bible versions on this site
ભાગ 5
107
ગી.શા. 107-150
યહોવાહની ભલાઈ
1 યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે
અને તેમની કૃપા સર્વકાળ ટકે છે.
2 જેઓ યહોવાહના છોડાવેલા છે તેઓએ આ પ્રમાણે બોલવું,
એટલે જેઓને તેમણે શત્રુઓના હાથમાંથી છોડાવ્યા તેઓએ.
3 તેમણે તેઓને દેશવિદેશથી
એટલે પૂર્વથી તથા પશ્ચિમથી,
ઉત્તરથી તથા દક્ષિણથી એકત્ર કર્યા.
4 અરણ્યમાં તેઓ ઉજ્જડ માર્ગે ભટક્યા
અને તેઓને રહેવા માટે કોઈ નગર મળ્યું નહિ.
5 તેઓ ભૂખ્યા અને તરસ્યા હતા;
તેઓના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ગયા.
6 પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યાં
અને તેમણે તેઓને દુઃખમાંથી છોડાવ્યા.
7 તેમણે તેઓને સીધે માર્ગે દોર્યા
કે જેથી તેઓ વસવાલાયક નગરમાં જાય અને ત્યાં વસવાટ કરે.
8 તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે, તો કેવું સારું!
9 કારણ કે તે તરસ્યાઓને સંતોષ પમાડે છે
અને ભૂખ્યાઓને ઉત્તમ વાનાંથી તૃપ્ત કરે છે.
10 કેટલાક અંધકાર તથા મરણછાયામાં બેઠેલા હતા,
આપત્તિમાં તથા બેડીઓમાં સપડાયેલા હતા.
11 કેમ કે તેઓએ ઈશ્વરની વિરુદ્ધ બળવો કર્યા,
પરાત્પર ઈશ્વરની સૂચનાઓનો ઇનકાર કર્યો.
12 તેઓનાં હૃદયો તેમણે કષ્ટથી નમ્ર કર્યાં;
તેઓ લથડી પડ્યા અને તેઓને સહાય કરનાર કોઈ ન હતું.
13 પછી તેઓએ પોતાના સંકટમાં યહોવાહને પોકાર્યા
અને તેમણે તેઓને દુઃખમાંથી ઉગાર્યા.
14 તે તેઓને અંધકાર અને મરણછાયામાંથી બહાર લાવ્યા
અને તેમણે તેઓનાં બંધન તોડી નાખ્યાં.
15 તેમની કૃપા તથા માનવજાત માટેના તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
ધ્યાનમાં રાખીને લોકો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
16 કેમ કે તેમણે પિત્તળના દરવાજા ભાંગી નાખ્યા
અને તેઓની લોખંડની ભૂંગળો તોડી નાખી.
17 તેઓ પોતાના બળવાખોર માર્ગોમાં મૂર્ખ હતા
તથા પોતાના પાપથી સંકટમાં આવી પડ્યા.
18 તેઓના જીવો સર્વ પ્રકારના ખોરાકથી કંટાળી જાય છે
અને તેઓ મરણ દ્વાર સુધી આવી પહોંચે છે.
19 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે
અને તે તેઓને દુઃખમાંથી ઉગારે છે.
20 તેઓ પોતાનું વચન મોકલીને તેઓને સાજા કરે છે
અને તેમણે તેઓને દુર્દશામાંથી છોડાવ્યા છે.
21 આ તેમની કૃપા તથા માનવજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
22 તેઓને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવવા દો
અને તેઓનાં કામ ગીતોથી પ્રગટ કરે.
23 જેઓ વહાણમાં બેસીને સમુદ્રમાં ઊતરે છે
અને સમુદ્રપાર વ્યાપાર કરે છે.
24 તેઓ યહોવાહનાં કાર્યો
તથા સમુદ્ર પરનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો જુએ છે.
25 કેમ કે તે આજ્ઞા આપે છે અને તોફાની પવનો ચડી આવે છે;
તેથી સમુદ્રના મોજાંઓ ઊંચાં ઊછળે છે.
26 મોજાં આકાશ સુધી ચઢે છે, પછી પાછા ઊંડાણમાં ઊતરે છે.
તેઓના પ્રાણ ત્રાસથી આકુળવ્યાકુળ થાય છે.
27 તેઓ પીધેલાની જેમ આમતેમ ડોલતા લથડે છે
અને તેઓની બુદ્ધિ બહેર મારી જાય છે.
28 પછી તેઓ પોતાના સંકટમાં યહોવાહને પોકારે છે
અને તે તેઓને દુઃખમાંથી છોડાવે છે.
29 તેમણે તોફાનને શાંત કર્યાં
અને મોજાં શાંત થયાં.
30 પછી શાંતિ થવાથી તેઓને આનંદ થાય છે
અને તેઓને તેમની પસંદગીના બંદરે દોરી જાય છે.
31 આ તેમની કૃપા તથા માનવજાતને માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો
ધ્યાનમાં રાખીને માણસો યહોવાહની સ્તુતિ કરે તો કેવું સારું!
32 લોકોની સભામાં તેમને મોટા મનાવો
અને વડીલોની સભામાં તેમની સ્તુતિ કરો.
33 તે નદીઓને સ્થાને અરણ્ય,
પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ,
34 અને ત્યાં રહેતા લોકોની દુષ્ટતાને કારણે
ફળદ્રુપ ભૂમિને ખારવાળી જમીન બનાવે છે.
35 તે અરણ્યને સ્થાને સરોવર
અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ કરી નાખે છે.
36 તેમાં તે ભૂખ્યાજનોને વસાવે છે
અને તેઓ પોતાને રહેવાને માટે નગર બાંધે છે.
37 તેઓ ખેતરમાં વાવેતર કરે છે;
અને દ્રાક્ષવાડીઓમાં રોપણી કરીને તેનાં ફળની ઊપજ મેળવે છે.
38 તે તેઓને આશીર્વાદ આપે છે, તેથી તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે.
તે તેઓનાં જાનવરોને ઓછા થવા દેતા નથી.
39 તેઓના જુલમ, વિપત્તિ તથા શોક
પાછા ઘટાડવામાં આવે છે અને તેઓને નીચા પાડવામાં આવે છે.
40 તે શત્રુઓના સરદારો પર અપમાન લાવે છે
અને માર્ગ વિનાના અરણ્યમાં તેઓને રખડાવે છે.
41 પણ તે જરૂરિયાતમંદોને સંકટમાંથી છોડાવીને તેઓનું રક્ષણ કરે છે
અને ટોળાંની જેમ તેઓના કુટુંબની સંભાળ લે છે.
42 તે જોઈને ન્યાયીઓ આનંદ પામશે
અને સઘળા અન્યાયીઓનાં મુખ બંધ થશે.
43 જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે
અને યહોવાહની કૃપા વિષે મનન કરશે.

<- ગીતશાસ્ત્ર 106ગીતશાસ્ત્ર 108 ->