Link to home pageLanguagesLink to all Bible versions on this site
9
બીજું પાસ્ખાપર્વ
1 મિસર દેશમાંથી આવ્યા પછી બીજા વર્ષના પ્રથમ મહિનામાં સિનાઈના અરણ્યમાં યહોવાહે મૂસાને કહ્યું કે, 2 “ઇઝરાયલીઓ વર્ષના ઠરાવેલા સમયે પાસ્ખાપર્વ પાળે. 3 આ મહિનાને ચૌદમે દિવસે સાંજે નિયત સમયે પાસ્ખાપર્વ પાળો. એને લગતા બધા નિયમો અને વિધિઓ મુજબ તેનું પાલન કરો.” 4 તેથી, ઇઝરાયલીઓને મૂસાએ કહ્યું કે તમારે પાસ્ખાપર્વ પાળવું. 5 અને પ્રથમ મહિનાના ચૌદમા દિવસે સાંજે સિનાઈના અરણ્યમાં તેઓએ પાસ્ખાપર્વ પાળ્યું. જે સર્વ આજ્ઞાઓ યહોવાહે મૂસાને આપી હતી તે મુજબ ઇઝરાયલીઓએ કર્યું.

6 કેટલાક માણસો મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયા હતા તેથી તેઓ તે દિવસે પાસ્ખાપર્વ પાળી ન શક્યા અને તેઓ તે દિવસે મૂસા અને હારુનની પાસે આવ્યા. 7 તેઓએ મૂસાને કહ્યું કે, “અમે મૃતદેહના સ્પર્શથી અશુદ્ધ થયેલા છીએ. ઇઝરાયલીઓ તેને માટે નિયત સમયે યહોવાહને અર્પણ કરે છે. તો અમને શા માટે એવું કરવાની મનાઈ કરવામાં આવે છે?” 8 મૂસાએ તેઓને કહ્યું કે, “યહોવાહ તમારા વિષે શી આજ્ઞા આપે છે તે હું સાંભળું ત્યાં સુધી ઊભા રહો.”

9 યહોવાહે મૂસાને કહ્યું કે, 10 “ઇઝરાયલપ્રજાને આ પ્રમાણે કહે કે, જો તમારામાંનો અથવા તમારા સંતાનોમાંનો કોઈ શબના સ્પર્શને કારણે અશુદ્ધ થયો હોય અથવા દૂર મુસાફરી કરતો હોય, તો પણ તે યહોવાહનું પાસ્ખાપર્વ પાળે.’ ”

11 બીજા મહિનાના ચૌદમા દિવસે સાંજે તેઓ તે પર્વ પાળે અને બેખમીર રોટલી તથા કડવી ભાજી સાથે તે ખાય. 12 એમાંનું કશું તેઓ સવાર સુધી રહેવા દે નહિ, તેમ જ તેનું એકેય હાડકું ભાંગે નહિ. પાસ્ખાપર્વના સર્વ નિયમોનું પાલન તેઓ કરે.

13 પણ જો કોઈ માણસ શુદ્ધ હોવા છતાં અને મુસાફરીમાં હોવા ન છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે તે પોતાનાં લોકોથી અલગ કરાય. કેમ કે, તેણે નિયત સમયે યહોવાહને અર્પણ કર્યું નહિ, તેથી તે માણસનું પાપ તેને માથે. 14 અને જો કોઈ પરદેશી તમારામાં રહેતો હોય અને તે યહોવાહને માટે પાસ્ખાપર્વ પાળવા ઇચ્છતો હોય તો તે પાસ્ખાના બધા નિયમો અને વિધિઓ પ્રમાણે તે પાળે. દેશના વતની તથા પરદેશી સૌને માટે સરખો જ નિયમ છે.”

અગ્નિસ્તંભ
નિર્ગ. 40:34-38

15 મંડપ ઊભો કરવામાં આવ્યો તે જ દિવસે મેઘે મંડપ પર એટલે સાક્ષ્યમંડપ પર આચ્છાદન કર્યું. અને સાંજથી સવાર સુધી મંડપ ઉપર તેનો દેખાવ અગ્નિની જેમ ઝળહળતો હતો. 16 આ પ્રમાણે હંમેશા થતું મેઘ તેના પર આચ્છાદન કરતો અને રાત્રે તેનો દેખાવ અગ્નિની જ્વાળા જેવો હતો. 17 અને જ્યારે મંડપ ઉપરથી મેઘ હઠી જતો ત્યારે ઇઝરાયલપ્રજા ચાલતી અને જે જગ્યાએ મેઘ થોભે ત્યાં તેઓ છાવણી કરતા.

18 યહોવાહની આજ્ઞા મુજબ ઇઝરાયલીઓ મુસાફરી કરતા અને તેઓની આજ્ઞા મુજબ તેઓ છાવણી કરતા. જયાં સુધી મંડપ ઉપર મેઘ થોભતો ત્યાં સુધી તેઓ છાવણીમાં રહેતા. 19 અને જ્યારે મેઘ લાંબા સમય સુધી મંડપ પર રહેતો ત્યારે ઇઝરાયલ લોકો યહોવાહે સોંપેલી સેવા કરતા અને આગળ ચાલતા નહિ.

20 પરંતુ કેટલીક વખત મેઘ થોડા દિવસ માટે મુલાકાતમંડપ પર રહેતો ત્યારે યહોવાહની આજ્ઞા મુજબ તેઓ છાવણીમાં રહેતા. 21 કેટલીક વખત મેઘ સાંજથી સવાર સુધી રહેતો અને જ્યારે સવારે મેઘ ઊપડી જતો ત્યારે તેઓ ચાલતા એટલે કે દિવસે કે રાત્રે મેઘ ઊપડતો ત્યારે તેઓ આગળ વધતા.

22 જ્યાં સુધી મેઘ પવિત્રમંડપ પર થોભી રહે ત્યાં સુધી એટલે કે બે દિવસ કે એક મહિનો કે એક વર્ષ માટે હોય, તોપણ ઇઝરાયલ લોકો છાવણીમાં રહેતા અને આગળ ચાલતાં નહિ. પણ જ્યારે તે ઊપડતો ત્યારે તેઓ ચાલતા. 23 યહોવાહની આજ્ઞા અનુસાર તેઓ છાવણી કરતા અને તેમની જ આજ્ઞા મુજબ તેઓ ચાલતા મૂસા દ્વારા તેઓને અપાયેલી આજ્ઞા મુજબ તેઓ યહોવાહને સોંપેલી સેવા કરતા.

<- ગણના 8ગણના 10 ->