Link to home pageLanguagesLink to all Bible versions on this site
5
અશુદ્ધજનોનું છાવણી બહાર રહેઠાણ
1 યહોવાહે મૂસાને કહ્યું, 2 ઇઝરાયલી લોકોને આજ્ઞા કર કે, તેઓ દરેક કુષ્ઠ રોગીને તથા દરેક સ્રાવવાળાને તથા જેઓ શબના સ્પર્શથી અશુદ્ધ થયા હોય તેઓને છાવણીમાંથી બહાર કાઢી મૂકે. 3 સ્ત્રી હોય કે પુરુષ બન્નેને બહાર કાઢી મૂકવાં અને તેઓને છાવણીની બહાર રાખવાં; એ સારુ કે તેઓની છાવણી કે જેની મધ્યે હું વસું છું તેને તેઓ અશુદ્ધ કરે નહિ.” 4 અને ઇઝરાયલીઓએ એમ કર્યું, તેઓને છાવણીની બહાર કાઢ્યાં. જેમ યહોવાહે મૂસાને કહ્યું હતું તેમ ઇઝરાયલી લોકોએ કર્યું.
ગુનાનો બદલો ભરી આપવો
5 ફરી યહોવાહ મૂસાને કહ્યું, 6 ઇઝરાયલપુત્રોને કહે કે, માણસો જે પાપ કરે છે તેમાંનું કોઈપણ પાપ કરીને જો કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની વિરુદ્ધ અપરાધ કરે તો તે વ્યક્તિ દોષિત બને છે. 7 તેણે પોતે કરેલાં પાપની કબૂલાત કરવી અને પોતાના ગુનાનો પૂરો બદલો ભરી આપવો. ઉપરાંત તેમાં તે પંચમાશ ઉમેરીને જેના સંબંધમાં તેણે ગુનો કર્યો હોય તેને તે આપે.

8 પણ ગુનાને માટે જેને બદલો આપવાનો હોય એવું તેનું નજીકનું કોઈ સગું ના હોય, તો તે રકમ યહોવાહને આપવી અને યાજકને ચૂકવવી. વળી જે પ્રાયશ્ચિતનો ઘેટો કે જેથી તેને સારુ પ્રાયશ્ચિત કરવામાં આવશે તે પણ યાજકને મળે. 9 અને ઇઝરાયલી લોકોની સર્વ પવિત્ર વસ્તુઓનાં દરેક ઉચ્છાલીયાર્પણ કે જે તે યાજકની પાસે લાવે તે તેનું ગણાય. 10 અને દરેક અર્પણની અર્પિત વસ્તુઓ તેની થાય; જે કોઈ પુરુષ જે કંઈ ભેટ આપે છે તે યાજકની થાય.

પતિની શંકાનું નિરાકરણ
11 ફરી યહોવાહે મૂસાને કહ્યું કે, 12 ઇઝરાયલ પ્રજા સાથે વાત કરીને કહે કે, જો કોઈ પરણિત સ્ત્રી પોતાના પતિ વિરુદ્ધ પાપ કરે.

13 એટલે કોઈ અન્ય પુરુષ તેની સાથે વ્યભિચાર કરે અને તેના પતિની આંખોથી તે ગુપ્ત તથા છાનું રહે અને તે સ્ત્રી અશુદ્ધ થાય અને તેની વિરુદ્ધ કોઈ સાક્ષી આપનાર ના હોય, તેમ જ તે કૃત્ય કરતી વેળાએ તે પકડાઇના હોય, 14 અને છતાં તેના પતિને તેના પર ઈર્ષ્યા થાય અને તે અશુદ્ધ થઈ હોય અથવા તેના પતિના મનમાં વહેમ જાગ્યો હોય પણ તે અશુદ્ધ થઈ ના હોય.

15 તો એ બાબતમાં તે પુરુષ પોતાની પત્નીને યાજક પાસે લાવે. તે તેને માટે પોતાનું અર્પણ લાવે, એટલે એક દશાંશ એફાહ જવનો મેંદો તેની પર તે કંઈ તેલ રેડે નહિ કે લોબાન પણ ન મૂકે. કારણ કે એ ઈર્ષ્યાનું ખાદ્યાર્પણ છે. એટલે કે અન્યાય યાદ કરાવવા માટેનું સ્મરણદાયક ખાદ્યાર્પણ છે.

16 યાજકે તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરવી. 17 પછી યાજકે માટીના પાત્રમાં પવિત્ર પાણી લેવું અને યાજકે મંડપની ભૂમિ પરની ધૂળ લઈને તેમાં નાખવી.

18 પછી યાજક તે સ્ત્રીને યહોવાહ સમક્ષ રજૂ કરે અને તેના વાળ છોડી નંખાવે અને તેના હાથમાં સ્મરણદાયક ખાદ્યાર્પણ એટલે સંશયનું ખાદ્યાપર્ણ આપે. અને યાજકે કડવું શાપકારક પાણી પોતાનાં હાથમાં લે. 19 ત્યારબાદ યાજક તે સ્ત્રી પાસે પ્રતિજ્ઞા લેવડાવે અને તે સ્ત્રીને કહે કે, “જો કોઈ પુરુષ સાથે તેં વ્યભિચાર કર્યો હોય નહિ અને જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય નહિ તો આ શાપના કડવા પાણીની સત્તાથી તું મુક્ત થશે.

20 પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય અને તે તારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વ્યભિચાર કર્યો હોય તો, 21 ત્યારે યાજક તે સ્ત્રીને શાપયુક્ત પ્રતિજ્ઞા લેવડાવે. અને યાજક સ્ત્રીને કહે કે, “યહોવાહ તને તારા લોકમાં શાપરૂપ તથા સોગનરૂપ કરે. જો યહોવાહ તારી જાંઘો સડાવે અને તારું પેટ સુજાવે*ગર્ભ ધારણ ન કરી શકશે, વાંઝણી ત્યારે આમ થશે. 22 આ શાપકારક પાણી તારા આંતરડામાં પ્રવેશીને તને સુજાવી દે અને તારી જાંઘને સડાવી નાખે. પછી તે સ્ત્રી જવાબ આપે કે “જો હું દોષિત હોઉં તો હા, એમ જ થાઓ.”

23 અને યાજક એક પુસ્તકમાં એ લખી લે અને એ શબ્દો કડવા પાણીમાં ધોઈ નાખે.

24 ત્યારબાદ યાજક તે સ્ત્રીને શાપકારક પાણી પીવડાવે. જેથી શાપકારક પાણી તે સ્ત્રીના અંગમાં પ્રવેશ કરી અને કડવું થશે. 25 અને યાજક તે સ્ત્રીના હાથમાંથી સંશયનું ખાદ્યાર્પણ લે અને યહોવાહની સમક્ષ તે ખાદ્યાર્પણને ઘરાવીને વેદી પાસે લાવે. 26 એ પછી યાજકે તે ખાદ્યાર્પણમાંથી યાદગીરી તરીકે એક મુઠી ભરી વેદીમાં દહન કરવું. અને પછી તે સ્ત્રીને પાણી પાઈ દેવું.

27 અને તેને પાણી પાયા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો, અને પોતાના પતિનો અપરાધ કર્યો હશે તો તે શાપકારક પાણી તેનાં પેટમાં પ્રવેશી કડવું થશે અને તેનું પેટ સૂજી જશે. અને તેની જાંઘ સડીને ખરી પડશે. અને તે સ્ત્રી પોતાનાં લોકમાં શાપિત થશે. 28 પણ જો તે સ્ત્રી અશુદ્ધ થઈ નહિ હોય પણ તે શુદ્ધ હશે તો તે મુક્ત થશે અને તેને પેટે સંતાન થશે.

29 જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે ઈર્ષ્યા માટેનો નિયમ એ છે. 30 અથવા પુરુષના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થયો હોય અને તે પુરુષને પોતાની સ્ત્રી પર વહેમ આવ્યો હોય ત્યારે તે પુરુષયાજક અથવા સ્ત્રીનો પતિ યહોવાહ સમક્ષ તે સ્ત્રીને લાવવી અને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં મૂકે.

31 પછી તે પુરુષ અન્યાયથી મુક્ત થશે અને તે સ્ત્રી પોતે જ તેના દોષ માટે જવાબદાર છે.’ ”

<- ગણના 4ગણના 6 ->