Link to home pageLanguagesLink to all Bible versions on this site
34
દેશની સરહદો
1 યહોવાહે મૂસાને કહ્યું, 2 ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહે, જ્યારે તમે કનાનના દેશમાં પ્રવેશ કરશો, ત્યારે કનાન દેશ અને તેની સરહદો તમારી થશે, 3 તમારો દક્ષિણ ભાગ સીનના અરણ્યથી અદોમની સરહદ સુધી વિસ્તરશે. તમારી દક્ષિણ સરહદ ખારા સમુદ્રના પૂર્વના છેડાથી શરૂ થાય.

4 તમારી સરહદ વળીને આક્રાબ્બીમના ઢોળાવ તરફ સીનના અરણ્ય સુધી જાય. ત્યાંથી તે દક્ષિણમાં કાદેશ બાર્નેઆ સુધી અને આગળ હસારઆદ્દાર સુધી અને આગળ આસ્મોન સુધી જાય. 5 ત્યાંથી તે સરહદ આસ્મોનથી વળીને મિસરનાં ઝરણાં અને સમુદ્ર સુધી જાય.

6 મોટો સમુદ્ર તથા તેનો કિનારો તે તમારી પશ્ચિમ સરહદ હશે.

7 તમારી ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી શરૂ થઈ હોર પર્વત સુધી તેની સીમારેખા દોરવી, 8 ત્યાંથી હોર પર્વતથી લબો હમાથ સુધી અને આગળ સદાદ સુધી જશે. 9 ત્યાંથી તે સરહદ ઝિફ્રોન સુધી અને તેનો છેડો હસાર-એનાન સુધી પહોંચે. આ તમારી ઉત્તરની સરહદ થશે.

10 તમારી પૂર્વની સરહદ હસાર-એનાનથી શરૂ થઈ શફામ સુધી આંકવી. 11 તે સરહદ શફામથી નીચે વળીને આયિનની પૂર્વે આવેલ રિબ્લાહ સુધી જશે. તે સરહદ ત્યાંથી કિન્નેરેથ સમુદ્ર સુધી પૂર્વ કિનારે પહોંચશે. 12 ત્યાંથી તે સરહદ ઊતરીને યર્દન કિનારે જાય અને આગળ વધી ખારા સમુદ્ર સુધી આવે. આ દેશ તેની ચારે દિશાની સરહદો પ્રમાણે તમારો થશે.’ ”

13 મૂસાએ ઇઝરાયલી લોકોને આજ્ઞા કરીને કહ્યું “આ દેશ તમારે ચિઠ્ઠી નાખીને વહેંચી લેવો, યહોવાહે આ દેશ નવ કુળોને તથા અડધા કુળને આપવાની આજ્ઞા આપી છે. 14 રુબેનના વંશજોને તેઓના પિતૃઓના કુળ પ્રમાણે, ગાદના વંશજોના કુળને તથા મનાશ્શાના અર્ધકુળને તેઓનો વારસો વહેંચી આપવામાં આવ્યો છે. 15 આ બે કુળોને તથા અડધા કુળને તેઓના દેશનો ભાગ યરીખોની આગળ યર્દન નદીની પૂર્વ તરફ એટલે સૂર્યની ઉગમણી દિશા તરફ મળ્યો છે.”

દેશની વહેંચણીનું કામ સંભાળતા આગેવાનો
16 યહોવાહે મૂસાને કહ્યું, 17 “જે માણસો તારા વારસા માટે આ દેશને વહેંચશે તેઓનાં નામ આ છે: એલાઝાર યાજક તથા નૂનનો દીકરો યહોશુઆ. 18 તેઓના કુળ માટે દેશની વહેંચણી કરવા તારે દરેક કુળમાંથી એક આગેવાન પસંદ કરવો.

19 તે માણસોનાં નામ આ પ્રમાણે છે:

યહૂદાના કુળમાંથી યફૂન્નેનો દીકરો કાલેબ.
20 શિમયોનના વંશજોના કુળમાંથી આમ્મીહૂદનો દીકરો શમુએલ.

21 બિન્યામીનના કુળમાંથી કિસ્લોનનો દીકરો અલીદાદ.

22 દાનના વંશજોના કુળનો આગેવાન, યોગ્લીનો દીકરો બુક્કી.
23 યૂસફના વંશજોમાંથી, મનાશ્શાના વંશજોના કુળનો આગેવાન, એફોદનો દીકરો હાન્નીએલ.
24 એફ્રાઇમના વંશજોના કુળનો આગેવાન, શિફટાનનો દીકરો કમુએલ.
25 ઝબુલોનના વંશજોના કુળનો આગેવાન, પાનાખનો દીકરો અલીસાફાન.
26 ઇસ્સાખારના વંશજોના કુળનો આગેવાન, અઝઝાનનો દીકરો પાલ્ટીએલ.
27 આશેરના વંશજોના કુળનો આગેવાન, શલોમીનો દીકરો અહિહુદ,
28 નફતાલીના વંશજોના કુળનો આગેવાન, આમ્મીહૂદનો દીકરો પદાહએલ.”
29 યહોવાહે આ માણસોને કનાન દેશના વારસાનો ભાગ ઇઝરાયલના દરેક કુળને વહેંચવાની આજ્ઞા આપી હતી.

<- ગણના 33ગણના 35 ->