Link to home pageLanguagesLink to all Bible versions on this site
24
1 બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો તે યહોવાહને પસંદ પડ્યું છે, તેથી તે મંત્રવિદ્યા કરવા ગયો નહિ, પણ, તેણે અરણ્યની તરફ જોયું.

2 તેણે દ્રષ્ટિ કરીને જોયું તો ઇઝરાયલીઓએ પોતાના કુળ પ્રમાણે છાવણી નાખી હતી અને ઈશ્વરનો આત્મા તેના પર આવ્યો. 3 તેણે ભવિષ્યવાણી કરીને કહ્યું,

“બેઓરનો દીકરો બલામ કહે છે,
જે માણસની આંખો વિશાળ રીતે ખુલ્લી હતી.
4 તે બોલે છે અને ઈશ્વરના શબ્દો સાંભળે છે.
જે પોતાની ખુલ્લી આંખે ઊંધો પડીને
સર્વસમર્થનું દર્શન પામે છે.
5 હે યાકૂબ, તારા તંબુઓ,
હે ઇઝરાયલ તારા મંડપ કેવા સુંદર છે!
6 ખીણોની માફફ તેઓ પથરાયેલા છે,
નદીકિનારે બગીચા જેવા,
યહોવાહે રોપેલા અગરના છોડ જેવા,
પાણી પાસેના દેવદાર વૃક્ષ જેવા.
7 તેની ડોલમાંથી પાણી વહેશે,
ઘણાં પાણીઓમાં તેનું બીજ છે.
તેઓનો રાજા અગાગ કરતાં મોટો થશે,
તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.
8 ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે.
તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે.
તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે.
તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે.
તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.
9 તે સિંહ તથા સિંહણની માફક નીચે નમીને ઊંઘે છે.
તેને ઉઠાડવાની હિંમત કોણ કરે?
તને જે આશીર્વાદ આપે તે આશીર્વાદિત થાઓ;
તને જે શાપ આપે તે શાપિત થાઓ.”

10 બાલાકને બલામ પર ખૂબ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં તેણે પોતાના હાથ મસળ્યા. બાલાકે બલામને કહ્યું, “મારા દુશ્મનોને શાપ આપવા માટે મેં તને બોલાવ્યો છે, પણ જો, તેં ત્રણ વાર તેઓને આશીર્વાદ આપ્યો. 11 તો અત્યારે મને છોડીને ઘરે જા. મેં કહ્યું હું તને મોટો બદલો આપીશ, પણ યહોવાહે તને તે બદલો પ્રાપ્ત કરવાથી વંચિત રાખ્યો છે.”

12 બલામે બાલાકને જવાબ આપ્યો, “જે સંદેશાવાહકો તેં મારી પાસે મોકલ્યા હતા તેઓને પણ શું એવું નહોતું કહ્યું કે, 13 ‘જો બાલાક મને તેના મહેલનું સોનુંચાંદી આપે, તો પણ હું યહોવાહની આજ્ઞાની વિરુદ્ધ જઈને મારી મરજી પ્રમાણે સારું કે ખરાબ કંઈ જ કરી શકતો નથી. હું તો યહોવાહ જે કહે છે તે જ કરીશ.’ 14 તો હવે, જો હું મારા લોકો પાસે જાઉ છું. પણ તે અગાઉ તને ચેતવણી આપું છું કે આ લોકો ભવિષ્યમાં તારા લોકો સાથે શું કરશે.”

બલામની છેવટની ભવિષ્યવાણીઓ
15 બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું,
“બેઓરના દીકરા બલામ,
જેની આંખો ખુલ્લી હતી તે કહે છે.
16 જે ઈશ્વરની વાણી સાંભળે છે,
જેને પરાત્પર ઈશ્વર પાસેથી ડહાપણ પ્રાપ્ત થયું છે,
જે ખુલ્લી આંખો રાખીને સર્વસમર્થ ઈશ્વરનું દર્શન પામે છે, તે કહે છે.
17 હું તેને જોઉં છું, પણ તે અત્યારે નહિ.
હું તેને જોઉં છું, પણ પાસે નહિ.
યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે,
ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે.
તે મોઆબના આગેવાનોનો*સીમાઓ નાશ કરી નાખશે.
અને શેથના બધા વંશજોનોકોલાહલ કરનારાઓ તે નાશ કરશે.
18 અદોમ ઇઝરાયલનું વતન પ્રાપ્ત કરશે.
અને સેઈર પણ તેનું વતન પ્રાપ્ત કરશે,
તે બન્ને ઇઝરાયલના શત્રુઓ હતા,
જેના પર ઇઝરાયલ વિજેતા થશે.
19 યાકૂબમાંથી એક રાજા નીકળશે જે આધિપત્ય ધારણ કરશે,
તે નગરમાંથી બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”
20 પછી બલામે અમાલેકીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું,
“અમાલેકી પહેલું મોટું રાજ્ય હતું,
પણ તેનો છેલ્લો અંત વિનાશ હશે.”
21 અને બલામે કેનીઓ તરફ જોઈને ભવિષ્યવાણી કરીને કહ્યું,
“તું જે જગ્યાએ રહે છે તે મજબૂત છે,
અને તારા માળા ખડકોમાં બાંધેલા છે.
22 તોપણ કાઈન વેરાન કરાયો છે
જ્યારે આશ્શૂર તને કેદ કરીને દૂર લઈ જશે.”

23 બલામે છેલ્લી ભવિષ્યવાણી કરતાં કહ્યું,

“અરે! ઈશ્વર આ પ્રમાણે કરશે ત્યારે કોણ જીવતું બચશે?
24 કિત્તીમના કિનારા પરથી વહાણો આવશે;
તેઓ આશ્શૂર પર હુમલો કરશે અને એબેરને કચડી નાખશે,
પણ તેઓનો, અંતે વિનાશ થશે.”
25 પછી બલામ ઊઠીને ચાલ્યો ગયો. તે પોતાને ઘરે પાછો ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે ગયો.

<- ગણના 23ગણના 25 ->