Link to home pageLanguagesLink to all Bible versions on this site
18
યાજકો અને લેવીઓની ફરજો
1 યહોવાહે હારુનને કહ્યું, “પવિત્રસ્થાન વિરુદ્ધ કરેલાં બધા પાપો માટે તું, તારા દીકરાઓ અને તારા પિતૃઓના કુટુંબો જવાબદાર છે. પણ તું અને તારી સાથે તારા દીકરાઓ યાજકપદની વિરુદ્ધ કરેલાં પાપો માટે જવાબદાર છે. 2 લેવી કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતૃઓના કુળને, તારી પાસે લાવ કે જયારે તું અને તારા દીકરાઓ સાક્ષ્યમંડપની આગળ સેવા કરો ત્યારે તેઓ તમને મદદ કરે.

3 તેઓ તારી તથા આખા મંડપની સેવા કરે. પણ, તેઓએ પવિત્રસ્થાનનાં પાત્રો કે વેદીની નજીક આવવું નહિ. કે તેઓ તથા તું માર્યા જાઓ. 4 તેઓ તમારી સાથે જોડાઈને મુલાકાતમંડપની સેવા કરશે, મંડપ સાથે જોડાયેલાં બધાં કાર્યો કરશે. પરદેશી તમારી પાસે આવે નહિ. 5 અને તમે પવિત્રસ્થાન અને વેદીની સેવા કરો કે જેથી ઇઝરાયલ લોકો પર ફરી મારો કોપ આવે નહિ.

6 જુઓ, મેં પોતે ઇઝરાયલના વંશજો મધ્યેથી તારા લેવી ભાઈઓને પસંદ કર્યા છે. મુલાકાતમંડપ સાથે જોડાયેલાં કાર્યો કરવા માટે તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે. 7 પરંતુ તું અને તારા દીકરાઓ વેદીને અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનને લગતી યાજક તરીકેની બધી જ ફરજો બજાવો અને સેવા કરો. ભેટ તરીકે હું તમને યાજકપદ આપું છું. કોઈ પરદેશી પાસે આવે તે માર્યો જાય.”

અર્પણોમાંથી યાજકોનો હિસ્‍સો
8 વળી યહોવાહે હારુનને કહ્યું, “જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકો જે બધા પવિત્ર અર્પણો મને આપે છે. તેં મેં તમને તથા તમારા દીકરાઓને સદાના હક તરીકે આપ્યા છે. 9 અગ્નિમાં હોમવામાં આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધાં અતિ પવિત્ર અર્પણો તારાં ગણાશે. એટલે બધાં ખાદ્યાર્પણો, બધાં પાપાર્થાર્પણો અને બધાં દોષાર્થાર્પણો આ બધાં પવિત્ર અર્પણો જે મારે માટે રાખ્યાં છે અને મારા માટે લાવે તે તારાં અને તારા માટે પવિત્ર ગણાય.

10 તે પરમપવિત્ર વસ્તુઓ તરીકે તારે અર્પણો ખાવાં*પરમ પવિત્ર જગ્યાએ ખાવું. તમારામાંના દરેક પુરુષોએ પણ તેમાંથી ખાવું; તે તારે માટે પવિત્ર ગણવાં. 11 આ બધાં અર્પણો તારાં છે: ઇઝરાયલના લોકો જે ઉચ્છાલીયાર્પણો ચઢાવે તે અને તેમની ભેટો સહિત, મેં તને, તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. દરેક તારા ઘરમાં જે શુદ્ધ હોય તે આ અર્પણોમાંથી ખાય.

12 બધાં ઉત્તમ તેલ, બધો ઉત્તમ દ્રાક્ષારસ તથા અનાજ, જે પ્રથમફળ લોકોએ મને આપ્યું તે, આ બધી વસ્તુઓ મેં તને આપી છે. 13 પોતાની ભૂમિની પ્રથમ પેદાશ તરીકે જે કંઈ મારી પાસે લાવે તે બધું તારું થશે. તારા કુટુંબમાં જે કોઈ શુદ્ધ હોય તે તેમાંથી ખાય.

14 ઇઝરાયલની સમર્પિત પ્રત્યેક વસ્તુ તારી થાય. 15 લોકો જે યહોવાહને અર્પણ કરે. માણસ તેમ જ પશુમાંથી પ્રથમજનિત પણ તારા થાય. પણ તારે પ્રત્યેક પ્રથમજનિત બાળકને તથા અશુદ્ધ પશુના પ્રથમ બચ્ચાંને ખરીદીને તારે તેમને મુકત કરવાં. 16 તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક મહિનાની ઉંમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી એટલે પવિત્રસ્થાનોના શેકેલ પ્રમાણે પાંચ શેકેલના નાણાંથી, જે વીસ ગેરહ55 ગ્રામ જેટલું છે છોડાવી લે.

17 પણ ગાયના પ્રથમજનિતને, ઘેટાંના પ્રથમજનિતને તથા બકરાના પ્રથમજનિતને તું ન ખરીદ. તેઓ પવિત્ર છે, મારા માટે અલગ કરેલા છે. તારે તેઓનું રક્ત વેદી પર છાંટવું અને મારા માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે ચરબીનું અર્પણ કરવું. 18 તેઓનું માંસ તારું થાય. છાતીની જેમ અને જમણી જાંઘની જેમ તેઓનું માંસ તારું ગણાય.

19 ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ મારી આગળ અર્પણ કરે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણો તને તથા તારા દીકરા અને દીકરીઓને સદા હક તરીકે આપ્યાં છે. તે સદાને માટે તારી અને તારા વંશજોની સાથે મેં કરેલો મીઠાનો કરાર છે.” 20 યહોવાહે હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વારસો ન હોય, કે લોકોની સંપત્તિ મધ્યે તારે કંઈ ભાગ ન હોય. ઇઝરાયલી લોકો મધ્યે તારો હિસ્સો અને તારો વારસો હું છું.

અર્પણોમાંથી લેવીઓનો હિસ્સો
21 લેવીના વંશજો, જે મુલાકાતમંડપની સેવા કરે છે તેના બદલામાં, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો દશમો વારસો આપ્યો છે. 22 હવે પછી ઇઝરાયલના લોકો મુલાકાતમંડપ પાસે આવે નહિ, રખેને આ પાપ માટે તેઓ જવાબદાર ગણાય અને માર્યા જાય.

23 મુલાકાતમંડપની સેવા લેવીઓ જ કરે. તેને લગતા દરેક પાપને લીધે તે જવાબદાર ગણાય. તમારી પેઢી દરપેઢી આ સદાને માટે વિધિ થાય. અને ઇઝરાયલી લોકો મધ્યે તેઓને કોઈ વારસો ન મળે. 24 ઇઝરાયલ લોકોનો દશમો ભાગ યહોવાહને અર્પણ કરવો. તે મેં લેવીઓને વારસા તરીકે આપ્યો છે. તેથી મેં તેઓને કહ્યું, તેઓને ઇઝરાયલી મધ્યે કંઈ વારસો નહિ મળે.’ ”

લેવીઓનું દશાંશ
25 યહોવાહે મૂસાને કહ્યું, 26 “તું લેવીઓ સાથે વાત કરીને તેમને કહે કે, ‘યહોવાહે વારસા તરીકે આપેલો દશમો ભાગ જયારે તમે ઇઝરાયલી લોકો પાસેથી પ્રાપ્ત કરો, ત્યારે તમારે યહોવાહને દશમો ભાગ એટલે દશાંશનો દશમો ભાગ ઉચ્છાલીયાર્પણ તરીકે અર્પણ કરવો. 27 તમારું ઉચ્છાલીયાર્પણ, ખળીના અનાજનો દસમો ભાગ તથા દ્રાક્ષકુંડની પેદાશનો દસમો ભાગ તમારા લાભમાં ગણાશે.

28 ઇઝરાયલી લોકો તરફથી તમને મળેલા દસમા ભાગમાંથી તમારે યહોવાહને ઉચ્છાલીયાર્પણ કરવાં. તેમાંથી તમે હારુન યાજકને ઉચ્છાલીયાર્પણ આપો. 29 જે સર્વ ભેટો તું પ્રાપ્ત કરે તેમાંથી, તારે દરેક ઉચ્છાલીયાર્પણ યહોવાહને અર્પણ કરવાં. જે પવિત્ર અને ઉત્તમ વસ્તુઓ તને આપવામાં આવી છે તેમાંથી તારે અર્પણ કરવું.

30 માટે તું તેઓને કહે, ‘તેમાંથી તેના ઉત્તમ ભાગનું જ્યારે તમે ઉચ્છાલીયાર્પણ કરો, ત્યારે તે ખળીની ઊપજ તથા દ્રાક્ષકુંડની ઊપજના અર્પણ જેટલું લેવીઓના લાભમાં ગણાશે. 31 તું તથા તારાં કુટુંબો બચેલી તારી ભેટો ગમે તે જગ્યાએ ખાઓ, કારણ કે મુલાકાતમંડપમાં કરેલી સેવાનો તે બદલો ગણાશે. 32 જે ઉત્તમ ભાગ તમે પ્રાપ્ત કર્યો તે તમે યહોવાહને ઉચ્છાલીયાર્પણ તરીકે ચઢાવો, તે ખાવાથી તથા પીવાથી તેનો દોષ તમને નહિ લાગે. પણ તમારે ઇઝરાયલ લોકોનાં પવિત્ર અર્પણોને અશુદ્ધ કરવાં નહિ, રખેને તમે માર્યા જાઓ.’ ”

<- ગણના 17ગણના 19 ->