Link to home pageLanguagesLink to all Bible versions on this site
14
જાસૂસોના હેવાલ પછી લોકોની કચકચ
1 અને સમગ્ર સમાજે મોટે સાદે પોક મૂકી અને તે આખી રાત લોક રડ્યા. 2 અને સર્વ ઇઝરાયલીઓએ મૂસા અને હારુનની વિરુદ્ધ કચકચ કરી. સમગ્ર સમુદાયે તેઓને કહ્યું “આ અરણ્ય કરતાં તો અમે મિસરમાં જ મૃત્યુ પામ્યા હોત તો કેવું સારું થાત.! 3 તલવારથી મરવાને યહોવાહ અમને આ દેશમાં શા માટે લાવ્યા છે? અમારી સ્ત્રીઓ તથા બાળકોને તેઓ પકડી લેશે. આના કરતાં તો મિસર પાછા જવું એ અમારે માટે વધારે સારું ન હોય?!”

4 અને તેઓએ એકબીજાને કહ્યું કે, “ચાલો, આપણે કોઈને આગેવાન તરીકે પસંદ કરીએ અને પાછા મિસર જઈએ.” 5 ત્યારે મૂસા તથા હારુન ઇઝરાયલ લોકોના ભેગા મળેલા સમગ્ર સમુદાય આગળ ઊંધા પડયા.

6 અને નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જેઓ દેશની જાસૂસી કરનારાઓમાંનાં હતા. તેઓએ પોતાનાં વસ્ત્ર ફાડ્યાં. 7 અને તેઓએ ઇઝરાયલપુત્રોના સમગ્ર સમુદાયને કહ્યું કે, “અમે જે દેશની જાસૂસી કરવા ગયા હતા તે ખૂબ ઉતમ દેશ છે. 8 જો યહોવાહ આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને તે દેશમાં લઈ જશે અને તે આપણને આપશે. તે તો દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે.

9 પણ યહોવાહની વિરુદ્ધ તમે દંગો ન કરશો, તેમ જ દેશના લોકોથી તમે ડરશો નહિ, કેમ કે તેઓને આપણે ખોરાકની પેઠે ખાઈ જઈશું. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, કેમ કે યહોવાહ આપણી સાથે છે તેઓથી ડરશો નહિ.” 10 પણ સમગ્ર સમાજે કહ્યું કે, તેઓને પથ્થરે મારો. અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલપુત્રોને યહોવાહનું ગૌરવ દેખાયું.

મૂસા લોકોને માટે પ્રાર્થના કરે છે
11 અને યહોવાહે મૂસાને કહ્યું કે, “આ લોકો કયાં સુધી મને ધિક્કારશે? તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યા છે તે છતાં પણ તેઓ કયા સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ? 12 હું મરકી ફેલાવીને તેમનો નાશ કરીશ અને તેઓને વતન વિનાના કરી નાખીશ. અને તેઓના કરતાં એક મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્ન કરીશ.”

13 પણ મૂસાએ યહોવાહને કહ્યું કે, જો તમે આમ કરશો, તો મિસરીઓ તે વાત સાંભળશે. કેમ કે, તમે તમારા પરાક્રમથી તેઓ મધ્યેથી આ લોકોને બહાર લાવ્યા છો. 14 તેઓ આ દેશના રહેવાસીઓને કહેશે કે, તેઓએ સાભળ્યું છે કે, તમે યહોવાહ આ લોક મધ્યે છો. કેમ કે યહોવાહ તેઓને મુખ સમક્ષ દેખાય છે. અને તમારો મેઘ તમારા લોકની ઉપર થોભે છે. અને દિવસે મેઘસ્થંભમાં અને રાત્રે અગ્નિસ્થંભમાં તેઓની આગળ તમે ચાલો છો.

15 હવે જો તમે આ લોકોને એક માણસની જેમ મારી નાખશો તો જે દેશજાતિઓએ તમારી કીર્તિ સાંભળી છે તેઓ કહેશે કે, 16 ‘યહોવાહે આ લોકોને જે દેશ આપવાના સોગન ખાધા હતા તેમાં તે તેઓને લાવી શક્યા નહિ, એટલે તેમણે તેઓને અરણ્યમાં મારી નાખ્યા.’ ”

17 માટે હવે હું તમને વિનંતી કરું છું કે, તમારું સામર્થ્ય બતાવો. જેમ તમે કહ્યું છે કે, 18 યહોવાહ ક્રોધ કરવામાં ધીમા તથા પુષ્કળ દયાળુ છો. અને અન્યાય તથા અપરાધોની ક્ષમા આપનાર છે. તથા કોઈ પણ પ્રકારે દોષિતને નિર્દોષ નહિ ઠરાવનાર અને પિતાઓના અન્યાયનો બદલો ત્રીજી તથા ચોથી પેઢીનાં બાળકો પાસેથી લેનાર છે. 19 હું તમને વિનંતી કરું છું કે, તમારી દયાના માહાત્મય પ્રમાણે અને જેમ તમે મિસરથી માંડીને આજ પર્યંત તેઓને પાપની માફી આપી છે, તે પ્રમાણે તેઓને ક્ષમા કરો.”

20 યહોવાહે કહ્યું કે, “તારા કહેવા મુજબ મેં તેઓને ક્ષમા કરી છે, 21 પણ નિશ્ચે હું જીવતો છું. અને આખી પૃથ્વી યહોવાહના ગૌરવથી ભરપૂર થશે, 22 જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.

23 મેં તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે તેઓ નહિ જ જોશે. તેમ જ મને તુચ્છકારનાર કોઈ પણ તે દેશને જોવા પામશે નહિ. 24 સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે. 25 હાલ અમાલેકીઓ અને કનાનીઓ મેદાનમાં વસે છે. તેથી કાલે તમે પાછા ફરો અને સૂફ સમુદ્રને રસ્તે પાછા અરણ્યમાં જાઓ.”

લોકોને તેમની કચકચ માટે શિક્ષા
26 યહોવાહ મૂસા અને હારુનની સાથે બોલ્યા. તેમણે કહ્યું, 27 “આ દુષ્ટ લોકો જે મારી વિરુદ્ધ કચકચ કરે છે તેઓનું હું ક્યાં સુધી સહન કરું? ઇઝરાયલી લોકોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે સર્વ મેં સાંભળી છે.

28 યહોવાહ કહે છે કે, તેઓને કહે કે, ‘હું જીવિત છું,’ જેમ તમે મારા કાનોમાં બોલ્યા તેમ હું નક્કી કરીશ; 29 અને તમારા મૃતદેહ આ અરણ્યમાં પડશે. જેઓએ મારા વિરુદ્ધ કચકચ કરી છે અને તમારામાંના જેઓની ગણતરી થઈ છે એટલે વીસ વર્ષની ઉંમરના અને તેથી વધારે ઉપરના તેઓની સંખ્યામાંના તમારા લોકો. 30 મેં તમને જે દેશમાં વસાવવાનું વચન આપ્યું હતું તેમાં જવા નહિ જ પામશે. ફક્ત યફૂન્નેનો દીકરો કાલેબ અને નૂનનો દીકરો યહોશુઆ જ તેમાં પ્રવેશ કરશે.

31 પણ તમારાં સંતાનો જેઓના વિષે તમે કહ્યું કે, તેઓ લૂંટરૂપ થઈ જશે. તેઓને હું અંદર લાવીશ. જે દેશનો તમે અસ્વીકાર કર્યો છે. તેનો તેઓ અનુભવ કરશે! 32 પણ તમારા મૃતદેહો તો આ અરણ્યમાં પડશે. 33 અને ચાળીશ વર્ષ સુધી તમારા સંતાનો અરણ્યમાં ભટકશે. અને તમારા ગુનાઓનું ફળ ભોગવશે જ્યાં સુધી કે અરણ્યમાં તમારા મૃતદેહો નાશ પામે.

34 જેટલા દિવસમાં તમે તે દેશની જાસૂસી કરી એટલે ચાળીસ દિવસ તેઓની સંખ્યા મુજબ એક એક દિવસને બદલે એક એક વર્ષ લેખે એટલે ચાળીસ વર્ષ સુધી તમે તમારાં વ્યભિચારનું ફળ ભોગવશો. 35 હું યહોવાહ બોલ્યો છું કે, નિશ્ચે આ દુષ્ટ પ્રજા જે મારી આગળ એકઠી થઈ છે તેઓને હું આ પ્રમાણે કરીશ. આ અરણ્યમાં તેઓનો અંત થશે અને અહીં તેઓ મૃત્યુ પામશે.

36 અને જે માણસોને મૂસાએ દેશની જાસૂસી કરવા માટે મોકલ્યા હતા. તેમાંના જેઓ પાછા આવ્યા અને દેશ વિષે ખરાબ સંદેશો લાવીને આખી પ્રજાની પાસે તેની વિરુદ્ધ કચકચ કરાવી. 37 જે લોકો દેશ વિષે ખરાબ સંદેશો લાવ્યા તેઓ યહોવાહની આગળ મરકીથી માર્યા ગયા. 38 પણ જેઓ દેશની જાસૂસી કરવા ગયા હતા તેઓમાંનો નૂનનો દીકરો યહોશુઆ તથા યફૂન્નેનો દીકરો કાલેબ જીવતા રહ્યા.

કનાન દેશ કબજે કરવા ઇઝરાયલીઓનો પ્રથમ હુમલો
39 જ્યારે મૂસાએ આ સર્વ વાતો ઇઝરાયલી લોકોને કહી અને ત્યારે તેઓએ બહુ શોક કર્યો. 40 અને તેઓ વહેલી સવારે ઊઠયા અને પર્વતના શિખર પર જઈને કહ્યું કે, “જુઓ, આપણે અહીં છીએ. અને જે જગ્યા વિષે યહોવાહે વચન આપ્યું હતું ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે.”

41 પણ મૂસાએ કહ્યું, તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે સફળ થશો નહિ. 42 આગળ જશો નહિ, કેમ કે યહોવાહ તમારી મધ્યે નથી રખેને તમારા શત્રુઓ તમને હરાવે. 43 પણ અમાલેકીઓ અને કનાનીઓ ત્યાં તમારી આગળ છે અને તમે તલવારથી મરશો કેમ કે તમે યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છો. તેથી તેઓ તમારી સાથે નહિ રહે.”

44 હવે તેઓ પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાહનો કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ન ગયા. 45 પછી અમાલેકીઓ અને કનાનીઓ જેઓ તે પર્વતોમાં રહેતા હતા તેઓ નીચે ઊતરી આવ્યા. અને તેઓએ ઇઝરાયલીઓ પર હુમલો કર્યો અને તેઓને હોર્મા સુધી નસાડ્યા.

<- ગણના 13ગણના 15 ->