4 લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર નિયમશાસ્ત્ર વાંચી સંભળાવવા માટે એઝરા શાસ્ત્રી ઊભો હતો. તેની જમણી બાજુએ માત્તિથ્યા, શેમા, અનાયા, ઉરિયા, હિલ્કિયા અને માસેયા ઊભા હતા. અને તેની ડાબી બાજુએ પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા અને મશુલ્લામ ઊભા હતા. 5 એઝરા સર્વ લોકો કરતાં ઊંચા સ્થાને ઊભેલો હતો. તેણે સર્વ લોકોના દેખતા નિયમશાસ્ત્ર ઊઘાડ્યું. જયારે તેણે તે ઉઘાડ્યું ત્યારે સર્વ લોકો ઊભા થઈ ગયા.
6 એઝરાએ મહાન ઈશ્વર યહોવાહનો આભાર માન્યો. સર્વ લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “આમીન!, આમીન!” પછી તેઓએ પોતાના માથા નમાવીને મુખ ભૂમિ તરફ નીચાં રાખ્યાં અને યહોવાહની આરાધના કરી. 7 યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કુબ, શાબ્બથાય, હોદિયા, માસેયા, કેલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા અને લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજવામાં મદદ કરતા હતા. લોકો પોતપોતની જગ્યાએ ઊભા રહેલા હતા. 8 તેઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી જે વાચન કર્યું તે લોકો સમજી શકે માટે સ્પષ્ટતાપૂર્વક તેનો અર્થ અને ખુલાસો પણ સમજાવ્યો.
9 નિયમશાસ્ત્રનાં વચનો સાંભળતી વખતે લોકો રડતા હતા તેથી મુખ્ય આગેવાન નહેમ્યાએ, યાજક અને શાસ્ત્રી એઝરાએ તથા અર્થઘટન કરી લોકોને સમજાવનાર લેવીઓએ સર્વને કહ્યું કે, “આ દિવસ તમારા ઈશ્વર યહોવાહને માટે પવિત્ર છે માટે તમે શોક કરશો નહિ અને રડશો પણ નહિ.” 10 પછી નહેમ્યાએ તેઓને કહ્યું કે, “તમારા માર્ગે જાઓ, સ્વાદિષ્ટ ભોજન ખાઓ, મધુપાન કરો અને જેઓએ કંઈ તૈયાર કરેલું ના હોય તેઓને માટે તમારામાંથી હિસ્સા મોકલી આપો. કારણ, આપણા યહોવાહને સારુ આજનો દિવસ પવિત્ર છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાહનો આનંદ એ જ તમારું સામર્થ્ય છે.”
11 “છાના રહો, કેમ કે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ,” એમ કહીને લેવીઓએ સર્વ લોકોને શાંત પાડ્યા. 12 તેથી બધા લોકોએ જઈને ખાધુંપીધું, બીજાઓને તેઓના હિસ્સા મોકલ્યા અને તેઓએ ઘણા આનંદ સાથે ઉજવણી કરી. કેમ કે તેઓને જે શાસ્ત્રવચનો વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.
16 તે પ્રમાણે લોકો જઈને ડાળીઓ લઈ આવ્યા અને તેઓમાંના દરેકે પોતાના ઘરના છાપરા પર, પોતાના આંગણામાં, ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં, પાણીના દરવાજાના ચોકમાં તથા એફ્રાઇમના દરવાજાના ચોકમાં પોતાને સારુ માંડવા બનાવ્યા. 17 બંદીવાસમાંથી પાછા આવેલા સર્વ લોકો માંડવા બાંધીને તેમાં રહ્યા. નૂનના પુત્ર યહોશુઆના સમયથી માંડીને તે દિવસ સુધી ઇઝરાયલીઓએ કદી આવું કર્યુ નહોતું. તેઓના આનંદનો કોઈ પાર નહોતો.
18 સાત દિવસોના આ પર્વના પ્રત્યેક દિવસે એઝરાએ ઈશ્વરના નિયમશાસ્ત્રમાંથી વાંચન કર્યુ અને તેઓએ સાત દિવસ સુધી ઉજવણી કરી અને આઠમા દિવસે નિયમ પ્રમાણે સભાની પૂર્ણાહુતિ કરી.
<- નહેમ્યા 7નહેમ્યા 9 ->- a જુઓ લેવી. 23:33-36, 39-43; પુન. 16:13-15