Link to home pageLanguagesLink to all Bible versions on this site
2
નિનવેનુ પતન
1 જોરથી પછાડીને ટુકડે ટુકડા કરનાર તારી સામે આવ્યો છે. તારા કિલ્લાની રક્ષા કર, રસ્તાની ચોકી કર, પોતાને મજબૂત બનાવ, તારી બધી સામર્થ્ય ભેગી કર. 2 કેમ કે યહોવાહ યાકૂબનું ગૌરવ ઇઝરાયલના ગૌરવ જેવું પુન:સ્થાપિત કરશે, કેમ કે લૂંટારાઓએ*નાશ કરનારાઓ તેમને લૂંટી લીધા છે અને તેમની દ્રાક્ષવેલાઓનો નાશ કર્યો છે.

3 તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે. 4 શેરીઓમાં રથો ગાંડાતૂર બનીને ઘૂમી રહ્યાં છે; તેઓ ચોકમાં એકબીજાની સામે અથડાય છે. તેમનો દેખાવ મશાલના જેવો છે અને તેઓ વીજળીની પેઠે દોડે છે.

5 તે પોતાના અધિકારીઓને ગોઠવે છે; તેઓ કૂચ કરતા ઠોકર ખાય છે, તેઓ કોટ પર હુમલો કરવા આગળ ધસે છે. હુમલો કરનારાઓથી રક્ષણ મેળવવા ભાલા તૈયાર કરવામાં આવ્યા છે.

6 નદીઓના દરવાજાઓ ખૂલી ગયા છે, મહેલનો નાશ થયો છે. 7 નિનવેની રાણીને નિર્વસ્ત્ર કરીને દૂર લઈ જવામાં આવી છે. તેની દાસીઓ છાતી કૂટીને કબૂતરનાં જેવો વિલાપ કરે છે.

8 નિનવે પાણીના સરોવર જેવું છે, જેમ પાણી વહી જાય છે તેમ તેનાથી લોકો દૂર નાસી જાય છે. તેઓ પોકારે છે, “ઊભા રહો, ઊભા રહો,” પણ કોઈ પાછું ફરતું નથી. 9 તમે ચાંદી લૂંટી લો, સોનું લૂંટી લો, કેમ કે સુંદર વસ્તુઓનો ગૌરવનો ત્યાં કોઈ અંત નથી. 10 નિનવે નગર ઉજ્જડ અને ખાલી થઈ ગયું છે. હૃદય પીગળી જાય છે, ઘૂંટણો એકબીજા સાથે અથડાય છે, દરેક જણનાં શરીરને પીડા થાય છે; દરેકના ચહેરા નિસ્તેજ થઈ ગયા છે.

11 જ્યાં સિંહ તથા સિંહણ તેઓનાં બચ્ચા સાથે ફરતાં હતાં અને તેઓને બીવડાવનાર કોઈ ન હતું અને જે જગ્યાએ જુવાન સિંહના બચ્ચાં ભક્ષ કરતાં હતાં તે સિંહની ગુફા ક્યાં છે? 12 સિંહ તેના બચ્ચાં માટે શિકારને ફાડીને ટુકડા કરે છે; તે પોતાની સિંહણ માટે શિકારને ગૂંગળાવીને મારી નાખતો, તે પોતાની ગુફા શિકારથી મારી નાખેલાં પ્રાણીઓથી ભરતો હતો.

13 સૈન્યોના યહોવાહ કહે છે; “જો, હું તારી વિરુદ્ધ છું.” “હું તારા રથ બાળીને ભસ્મ કરી નાખીશ, તલવાર તારાં બચ્ચાઓનો સંહાર કરશે. હું પૃથ્વી પરથી તારા શિકારનો નાશ કરીશ, તારા સંદેશાવાહકનો અવાજ ફરી કદી સંભળાશે નહિતમારા સૈનિકો યુદ્ધમાં માર્યા જશે.”

<- નાહૂમ 1નાહૂમ 3 ->