Link to home pageLanguagesLink to all Bible versions on this site

નાહૂમ
લેખક
નાહૂમના પુસ્તકનો લેખક, પોતાને નાહૂમ એલ્કોશી તરીકે ઓળખાવે છે જેનો અર્થ હિબ્રૂ ભાષામાં ‘સાંત્વના આપનાર’ અથવા તો ‘દિલાસો આપનાર’ થાય છે. નાહૂમ એક પ્રબોધક હતો અને તે આશ્શૂરના લોકોને, અને ખાસ કરીને તેમની રાજધાનીના શહેર નિનવેને પશ્ચાતાપ કરવાનું કહેવા મોકલવામાં આવ્યો હતો. યૂનાના સંદેશાએ નિનવેના લોકોને પશ્ચાતાપ કરાવ્યો હતો. તેના લગભગ 150 વર્ષ પછી નાહૂમ તેઓને સંદેશો આપે છે, તેથી દેખીતી રીતે લોકો પોતાની અગાઉની મૂર્તિપૂજા તરફ પાછા વળી ગયા હતા.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 620 થી 612 વચ્ચેનો છે.
નાહૂમના પુસ્તકની ઘટનાઓ બે સ્પષ્ટરૂપે જાણીતી ઐતિહાસિક ઘટનાઓ છે. આ લખાણ નો-આમોન શહેરનું પતન તથા નિનવેનું પતન વચ્ચે લખવામાં આવ્યું છે.
વાંચકવર્ગ
નાહૂમની પ્રબોધવાણી આશ્શૂરના લોકો માટે હતી કે જેઓ ઉત્તરના ઇઝરાયલના દસ કુળોને પકડીને લઈ ગયા હતા, પણ તે યહૂદાના દક્ષિણના રાજ્ય માટે પણ હતી કે જેઓ ગભરતા હતા કે તેઓની સાથે પણ આવું થશે.
હેતુ
ઈશ્વરનું ન્યાયશાસન હંમેશાં ન્યાયી અને હંમેશાં નિશ્ચિત છે. તેઓ થોડા સમય માટે દયા બક્ષે, તો તે કૃપાળુ ભેટ ઈશ્વરની સમગ્ર માનવજાત માટેની અંત સમયની ન્યાય કરવાની વૃત્તિ સાથે બાંધછોડ કરશે નહીં. ઈશ્વરે, જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાં જીવવાનું ચાલુ રાખે તો શું થશે તેની ચેતવણી સાથે 150 વર્ષ અગાઉ યૂના પ્રબોધકને તેઓ પાસે મોકલી દીધો હતો. લોકોએ તે સમયે પશ્ચાતાપ કર્યો હતો પણ હવે તેઓ અગાઉના લોકો કરતાં વધારે દુષ્ટ જીવન તો જીવતા જ હતા. આશ્શૂરના લોકો તેઓના યુદ્ધોમાં તદ્દન પાશવી બની ગયા હતા. ઈશ્વરે ન્યાયશાસન ઘોષિત કર્યું હતું અને આશ્શૂરના લોકોને બહુ જલદી તેમના કામોનું ફળ મળવાનું હતું તે કારણે નાહૂમ હવે યહૂદાના લોકોને નિરાશ ન થવા જણાવતો હતો.
મુદ્રાલેખ
દિલાસો
રૂપરેખા
1. ઈશ્વરનો વૈભવ — 1:1-14
2. નિનવે અને ઈશ્વરનું ન્યાયશાસન — 1:15-3:19

1
નિનવે સામે પ્રભુનો કોપ

1 નિનવે વિષે ઈશ્વરનું વચન. નાહૂમ એલ્કોશીના સંદર્શનનું પુસ્તક.

2 યહોવાહ આવેશી ઈશ્વર છે અને બદલો લેનાર છે; યહોવાહ બદલો લે છે અને તે કોપાયમાન થયા છે; યહોવાહ પોતાના દુશ્મનો પર વૈર વાળે છે, અને પોતાના દુશ્મનો માટે ગુસ્સો સંઘરી રાખે છે. 3 યહોવાહ કોપ કરવામાં ધીમા અને સામર્થ્યમાં પરાક્રમી છે; તે ગુનેગારોને નિર્દોષ ગણનાર નથી. યહોવાહ પોતાનો માર્ગ વંટોળીયા તથા તોફાનમાં બનાવે છે, અને વાદળો તેમના ચરણોની ધૂળ સમાન છે.

4 તે સમુદ્રને ધમકાવે છે અને તેને સૂકવી નાખે છે; તે બધી નદીઓને પણ સૂકવી દે છે. બાશાન અને કાર્મેલના લીલાછમ પ્રાંતો સુકાઈ જાય છે; લબાનોનનાં ફૂલો કરમાઈ જાય છે. 5 તેમની હાજરીમાં પર્વતો ધ્રૂજે છે, અને ડુંગરો ઓગળી જાય છે[a]; તેમની હાજરીમાં પૃથ્વી, હા, દુનિયા તથા તેમાં વસતા બધા લોકો હાલી ઊઠે છે.

6 તેમના ક્રોધ આગળ કોણ ઊભો રહી શકે? તેમના ઉગ્ર ક્રોધનો સામનો કોણ કરી શકે? તેમનો ક્રોધ અગ્નિની જેમ વ્યાપે છે, અને તેમના કોપથી ખડકો તૂટી જાય છે.

7 યહોવાહ સારા છે; સંકટના સમયમાં તે ગઢરૂપ છે; તેમના પર ભરોસો રાખનારને તે ઓળખે છે. 8 પણ તે પ્રચંડ પૂરથી પોતાના શત્રુઓનો અંત લાવશે; તે તેઓને અંધારામાં ધકેલી દેશે.

9 શું તમે યહોવાહની વિરુદ્ધ ષડયંત્ર રચો છો? તે સંપૂર્ણપણે અંત લાવશે; બીજીવાર કશી વિપત્તિ ઊભી થશે નહિ. 10 કેમ કે તેઓના હાલ ગૂંચવાયેલા કાંટા જેવા થશે; તેઓ પોતાના મદ્યપાનથી પલળી ગયા હશે; તેઓ સંપૂર્ણપણે સૂકાઘાસની માફક નાશ થઈ જશે. 11 હે નિનવે તારામાંથી જે નીકળીને બહાર ગયો, તે યહોવાહની વિરુદ્ધ દુષ્ટ યોજના કરે છે, તે દુષ્ટતા કરવાનું પ્રોત્સાહન આપે છે.

12 યહોવાહ આમ કહે છે, “જો કે તેઓ સંપૂર્ણ બળવાન તથા સંખ્યામાં ઘણાં હશે, તેમ છતાં તેઓ કપાઈ જશે; તેમના લોકો પણ રહેશે નહિ. પણ તું, યહૂદા જોકે મેં તને દુઃખી કર્યો છે, તોપણ હવે પછી હું તને દુઃખી નહિ કરું[b]. 13 હવે હું તારા પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ; હું તારી સાંકળો તોડી નાખીશ.”

14 યહોવાહે તારા વિષે આજ્ઞા આપી છે, નિનવે, વંશજો તારું નામ ધારણ કરશે નહિ. તારા દેવોના મંદિરોમાંથી ઘડેલી મૂર્તિઓનો તથા ઢાળેલી પ્રતિમાઓનો હું નાશ કરીશ. હું તારી કબર ખોદીશ, કેમ કે તું દુષ્ટ છે.

15 જુઓ, સારા સમાચાર લાવનાર, શાંતિની ખબર આપનારનાં પગલાં પર્વત પર દેખાય છે; તે શાંતિના સારા સમાચાર લાવી રહ્યાં છે. હે યહૂદિયા, તારાં પર્વો પાળ, તારી માનતાઓ પૂરી કર, કેમ કે હવે પછી કોઈ દુષ્ટ તારી મધ્યે થઈને જશે નહિ; તેને સંપૂર્ણપણે કાપી નાખવામાં આવ્યો છે.

નાહૂમ 2 ->