1 ઈસુ સમુદ્રને કિનારે ફરી બોધ કરવા લાગ્યા. અતિ ઘણાં લોકો ભેગા થયા, માટે તે સમુદ્રમાં હોડી પર ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે કાંઠા પર હતા. 2 અને દ્રષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને પોતાના બોધમાં તેઓને કહ્યું.
3 ‘સાંભળો, જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો. 4 એમ થયું કે, તે વાવતો હતો ત્યારે કેટલાક બીજ રસ્તાની કોરે પડ્યાં; અને પક્ષીઓ આવીને તે ખાઈ ગયા. 5 બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં વધારે માટી ન હતી; અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં.
6 પણ સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ ચીમળાઈ ગયા; અને તેઓને જડ ન હતી માટે તેઓ સુકાઈ ગયા. 7 બીજાં કાંટાનાં ઝાડવામાં પડ્યાં; અને કાંટાનાં જાળાંએ વધીને તેઓને દાબી નાખ્યાં; અને તેઓએ ફળ ન આપ્યું.
8 બીજાં બીજ સારી જમીનમાં પડ્યાં; અને તેઓએ ઊગીને તથા વઘીને ફળ આપ્યાં, ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં. 9 તેમણે તેઓને કહ્યું કે, ‘જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’ ”
10 જયારે તે એકાંતમાં હતા ત્યારે બાર શિષ્યો સહિત જેઓ તેમની પાસે હતા, તેઓએ તેમને આ દ્રષ્ટાંતો વિષે પૂછ્યું. 11 તેમણે તેઓને કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યનો મર્મ તમને અપાયો છે; પણ જેઓ બહારના છે તેઓને સઘળી વાતો દ્રષ્ટાંતોમાં અપાય છે; 12 એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ; એમ ન થાય કે તેઓ પશ્ચાતાપ કરે અને તેઓને પાપની માફી મળે.
13 તે તેઓને કહે છે કે, શું તમે આ દૃષ્ટાંત સમજતા નથી? ત્યારે સર્વ દ્રષ્ટાંતો કેવી રીતે સમજશો? 14 વાવનાર વચન વાવે છે. 15 રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે અને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે.
16 એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે, કે જેઓ વચન સાંભળીને તરત આનંદથી તેને માની લે છે; 17 અને તેમના પોતાનામાં જડ હોતી નથી, એટલે થોડીવાર ટકે છે; પછી વચનને લીધે દુઃખ અથવા સતાવણી આવે છે ત્યારે તેઓ આત્મિક જીવનમાં ટકી શકતા નથી.
18 બીજાં જેઓ કાંટાઓમાં વવાયેલાં છે તેઓ એ છે કે, જેઓએ વચન સાંભળ્યું, 19 પણ આ ભૌતિક જગતની ચિંતાઓ, દ્રવ્યની માયા તથા બીજી વસ્તુઓનો લોભ પ્રવેશ કરીને વચનને દાબી નાખે છે; અને તે નિષ્ફળ થાય છે. 20 જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે, અને તેને ગ્રહણ કરે છે, અને ત્રીસગણાં તથા સાંઠગણાં તથા સોગણાં ફળ આપે છે.’ ”
21 તેમણે તેઓને કહ્યું કે, ‘શું વાટકો નીચે અથવા પલંગ નીચે મૂકવા સારુ કોઈ દીવો લાવે છે? શું દીવીની ઉપર મૂકવા સારુ નહિ? 22 કેમ કે જે કંઈ ગુપ્ત છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય અને જે ઢાંકેલું છે તે એ સારુ છે કે ખુલ્લું કરવામાં આવે. 23 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.’ ”
24 તેમણે તેઓને કહ્યું કે, ‘તમે જે સાંભળો છો તે પર ધ્યાન રાખો. જે માપથી તમે માપો છો તેનાથી જ તમને માપી અપાશે; અને તમને વધતું અપાશે; 25 કેમ કે જેની પાસે છે તેને અપાશે અને જેની પાસે નથી, તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે.’ ”
30 તેમણે કહ્યું કે, ‘ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને સમજાવવા કયું દ્રષ્ટાંત આપીએ? 31 તે રાઈના દાણાના જેવું છે; તે જમીનમાં વવાય છે ત્યારે જમીનનાં સર્વ બીજ કરતાં તે નાનું હોય છે; 32 પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, અને સર્વ છોડ કરતાં મોટું થાય છે અને તેને એવી મોટી ડાળીઓ થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.’ ”
33 એવાં ઘણાં દ્રષ્ટાંતોમાં જેમ તેઓ સમજી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતાં હતા. 34 દ્રષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતાં ન હતા; પણ પોતાના શિષ્યોને એકાંતે તેઓ સઘળી વાતોનો ખુલાસો કરતા.
35 તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે કે, ‘આપણે પેલે પાર જઈએ.’ ” 36 લોકોને મૂકીને શિષ્યો ઈસુને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેની સાથે હતી. 37 પછી પવનનું મોટું તોફાન થયું; અને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.
38 તે હોડીના પાછલા ભાગમાં ઓશીકા પર માથું ટેકીને ઊંઘતા હતા; અને તેઓ તેમને જગાડીને કહે છે કે, ‘ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?’ ” 39 તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું કે, ‘શાંત થા.’ ” ત્યારે પવન બંધ થયો અને મહાશાંતિ થઈ.
40 તેમણે તેઓને કહ્યું કે, તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુ પણ વિશ્વાસ નથી?’ ” 41 તેઓ ઘણાં ગભરાયા તથા માંહોમાંહે બોલ્યા કે, ‘આ તે કોણ છે કેમ કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?’ ”
<- માર્ક 3માર્ક 5 ->