1 ત્યાંથી ઊઠીને ઈસુ યર્દન નદીને પેલે પાર યહૂદિયા પ્રદેશમાં આવે છે અને ફરી ઘણાં લોકો આવીને તેમની પાસે એકઠા થાય છે; તેમની પ્રથા પ્રમાણે તેમણે ફરી તેઓને બોધ કર્યો. 2 ફરોશીઓએ પાસે આવીને ઈસુનું પરીક્ષણ કરતાં તેમને પૂછ્યું કે, ‘શું પતિએ પોતાની પત્નીને છોડી દેવી ઉચિત છે?’ ” 3 ઈસુએ જવાબ આપતાં તેઓને પૂછ્યું કે, ‘મૂસાએ તમને શી આજ્ઞા આપી છે?’ ” 4 તેઓએ કહ્યું કે, છૂટાછેડા લખીને ત્યાગી દેવાની રજા મૂસાએ આપેલી છે.’ ”
5 પણ ઈસુએ તેઓને કહ્યું કે, તમારાં હૃદયની કઠોરતાને લીધે મૂસાએ તમારે સારુ તે આજ્ઞા આપી છે. 6 પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્ત્રી બનાવ્યાં. 7 એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્ની સાથે જોડાયેલ રહેશે. 8 તેઓ બંને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નહિ, પણ એક દેહ છે; 9 તો ઈશ્વરે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહિ.’ ”
10 ઘરમાં તેમના શિષ્યોએ ફરી તે જ બાબત વિષે ઈસુને પૂછ્યું. 11 ઈસુ તેઓને કહે છે કે, ‘જે કોઈ પોતાની પત્નીને ત્યાગી દે અને બીજી સાથે લગ્ન કરે, તે તેની વિરુદ્ધ વ્યભિચાર કરે છે 12 અને જો પત્ની પોતાના પતિને ત્યજી દે અને બીજા સાથે લગ્ન કરે, તો તે પણ વ્યભિચાર કરે છે.’ ”
13 પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં. 14 ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.’ ”
15 હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.’ ” 16 ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.
17 તે બહાર નીકળીને રસ્તે જતા હતા, ત્યારે એક માણસ તેમની પાસે દોડતો આવ્યો અને તેણે તેમની આગળ ઘૂંટણ ટેકીને પૂછ્યું કે, ‘ઓ ઉત્તમ ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે હું શું કરું?’ ” 18 ઈસુએ તેને કહ્યું કે, ‘તું મને ઉત્તમ કેમ કહે છે? એક, એટલે ઈશ્વર વિના અન્ય કોઈ ઉત્તમ નથી. 19 તું આજ્ઞાઓ જાણે છે કે, વ્યભિચાર ન કર, હત્યા ન કર, ચોરી ન કર, જૂઠી સાક્ષી ન પૂર, ઠગાઈ ન કર, પોતાના માબાપને માન આપ.’ ”
20 પણ તેણે ઈસુને કહ્યું કે, ‘ઓ ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું બાળપણથી પાળતો આવ્યો છું.’ ” 21 તેની તરફ જોઈને ઈસુને તેના પર પ્રેમ ઊપજયો. અને તેમણે તેને કહ્યું કે, ‘તું એક વાત સંબંધી અધૂરો છે; તારું જે છે તે જઈને વેચી નાખ. ગરીબોને આપ, સ્વર્ગમાં તને ધન મળશે. અને આવ, મારી પાછળ ચાલ.’ ” 22 પણ તે વાતને લીધે તેનું મોં પડી ગયું અને ઉદાસ થઈને તે ચાલ્યો ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી.
23 ઈસુ આસપાસ જોઈને પોતાના શિષ્યોને કહે છે કે, ‘જેઓની પાસે દોલત છે તેઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું પડશે!’ 24 ઈસુની વાતોથી શિષ્યો આશ્ચર્ય પામ્યા પણ ઈસુ ફરી જવાબ આપતાં તેઓને કહે છે કે, ‘બાળકો, મિલકત પર ભરોસો રાખનારાઓને ઈશ્વરના રાજ્યમાં પેસવું ઘણું અઘરું છે! 25 ધનવાનને ઈશ્વરના રાજ્યમાં પેસવા કરતાં સોયના નાકામાં થઈને ઊંટને પસાર થવું સહેલું છે.’ ”
26 તેઓએ ઘણું આશ્ચર્ય પામીને અંદરોઅંદર કહ્યું, ‘તો કોણ ઉદ્ધાર પામી શકે?’ ” 27 ઈસુ તેઓની તરફ જોઈને કહે છે કે, ‘માણસોને એ અશક્ય છે, પણ ઈશ્વરને નથી, કેમ કે ઈશ્વરને સર્વ શક્ય છે.’ ” 28 પિતર તેમને કહેવા લાગ્યો, ‘જુઓ, અમે બધું મૂકીને તમારી પાછળ આવ્યા છીએ.’ ”
29 ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, જે કોઈએ મારે લીધે અને સુવાર્તાને લીધે ઘરને કે ભાઈઓને કે બહેનોને કે માતાને કે પિતાને કે છોકરાંને કે ખેતરોને છોડ્યાં છે, 30 તે હમણાં આ જીવનકાળમાં સોગણાં ઘરોને, ભાઈઓને, બહેનોને, માતાઓને, બાળકોને, ખેતરોને, પામશે. જોકે તેઓની સતાવણી થશે. વળી તેઓ આવતા કાળમાં અનંતજીવન પામ્યા વગર રહેશે નહિ. 31 પણ ઘણાં જેઓ પહેલા તેઓ છેલ્લાં અને જે છેલ્લાં તેઓ પહેલા થશે.’ ”
32 યરુશાલેમની તરફ ઢાળ ચઢતાં તેઓ માર્ગમાં હતા. ઈસુ તેઓની આગળ ચાલતા હતા; તેઓ આશ્ચર્ય પામ્યા અને તેમની પાછળ અનુસરનારા ડરી ગયા. તે ફરીથી બાર શિષ્યોને પાસે બોલાવીને પોતાના પર જે વીતવાનું હતું તે તેઓને કહેવા લાગ્યા કે, 33 ‘જુઓ, આપણે યરુશાલેમમાં જઈએ છીએ; માણસના દીકરાની મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ દ્વારા ધરપકડ કરવામાં આવશે, તેઓ તેના પર મૃત્યુદંડ ઠરાવશે અને તેને વિદેશીઓને સોંપશે; 34 તેઓ તેની મશ્કરી કરશે, તેના પર થૂંકશે, તેને કોરડા મારશે, અને મારી નાખશે અને ત્રીજે દિવસે તે પાછો ઊઠશે.’ ”
35 ઝબદીના દીકરા યાકૂબ તથા યોહાન ઈસુની પાસે આવીને કહે છે કે, ‘ઉપદેશક, અમારી ઇચ્છા છે કે, અમે જે કંઈ માગીએ તે તમે અમારે માટે કરો.’ ” 36 ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમારી શી ઇચ્છા છે? હું તમારે માટે શું કરું?’ ” 37 ત્યારે તેઓએ તેમને કહ્યું કે, ‘તમારા મહિમામાં અમે એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે બેસીએ, એવું અમારે માટે કરો.’ ”
38 પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે જે માગો છો, તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીઉં છું તે શું તમે પી શકો છો? જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા શું તમે લઈ શકો છો?’ ” 39 તેઓએ તેમને કહ્યું કે, ‘અમે તેમ કરી શકીએ છીએ.’ ” પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘જે પ્યાલો હું પીઉં છું તે તમે પીશો અને જે બાપ્તિસ્મા હું લઉં છું, તે બાપ્તિસ્મા તમે લેશો; 40 પણ કોઈને મારે જમણે હાથે કે ડાબે હાથે બેસવા દેવા, એ મારા અધિકારમાં નથી, પણ જેઓને સારુ તે નિયત કરેલું છે તેઓને માટે તે છે.”
41 પછી બાકીના દસ શિષ્યો તે સાંભળીને યાકૂબ તથા યોહાન પ્રત્યે ગુસ્સે થયા. 42 પણ ઈસુ તેઓને પાસે બોલાવીને કહે છે કે, ‘તમે જાણો કે વિદેશીઓ પર જેઓ રાજ કરનારા કહેવાય છે, તેઓ તેમના પર શાસન કરે છે અને તેઓમાં જે મોટા છે તેઓ તેમના પર અધિકાર ચલાવે છે.
43 પણ તમારામાં એવું ન થવા દો. તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તેણે તમારા ચાકર થવું. 44 જે કોઈ પ્રથમ થવા માગે તે સહુનો દાસ થાય. 45 કેમ કે માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણાંનાં મુક્તિમૂલ્યને સારુ પોતાનો જીવ આપવાને આવ્યો છે.’ ”
46 તેઓ યરીખોમાં આવે છે. અને યરીખોમાંથી ઈસુ, તેમના શિષ્યો તથા ઘણાં લોકો બહાર જતા હતા, ત્યારે તિમાયનો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો તે માર્ગની બાજુએ બેઠો હતો. 47 એ નાસરેથના ઈસુ છે, એમ સાંભળીને તે બૂમ પાડવા તથા કહેવા લાગ્યો કે, ‘ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો.’ ” 48 લોકોએ તેને ધમકાવ્યો કે, ‘તું ચૂપ રહે;’ પણ તેણે વધારે મોટેથી બૂમ પાડતાં કહ્યું કે, ‘ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો.’ ”
49 ઈસુએ ઊભા રહીને કહ્યું કે, ‘તેને બોલાવો’ અને અંધને બોલાવીને લોકો તેને કહે છે કે, ‘હિંમત રાખ, ઊઠ, ઈસુ તને બોલાવે છે.’ ” 50 પોતાનો ઝભ્ભો પડતો મૂકીને તે ઊઠ્યો, અને ઈસુની પાસે આવ્યો.
51 ઈસુએ તેને ઉત્તર આપતાં કહ્યું કે, ‘હું તને શું કરું, એ વિષે તારી શી ઇચ્છા છે?’ અંધ વ્યક્તિએ કહ્યું કે, ‘ગુરુ, હું દેખતો થાઉં.’ ” 52 ઈસુએ તેને કહ્યું કે ‘જા, તારા વિશ્વાસે તને સાજો કર્યો છે,’ અને તરત તે દેખતો થયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો.
<- માર્ક 9માર્ક 11 ->