Link to home pageLanguagesLink to all Bible versions on this site
6
છુટકારો અને શિક્ષા
1 યહોવાહ જે કહે છે તે હવે તમે સાંભળો.
મીખાહે તેને કહ્યું, “ઊઠો અને પર્વતોની આગળ તમારી ફરિયાદ રજૂ કરો;
ડુંગરોને તમારો અવાજ સંભળાવો.
2 હે પર્વતો તથા પૃથ્વીના મજબૂત પાયાઓ,
તમે યહોવાહની ફરિયાદ સાંભળો.
કેમ કે યહોવાહને પોતાના લોકોની સાથે ફરિયાદ છે અને તે ઇઝરાયલની વિરુદ્ધ દાવો ચલાવશે.
3 “હે મારા લોકો, મેં તમને શું કર્યું છે?
મેં તમને કઈ રીતે કંટાળો આપ્યો છે?
મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દો.
4 કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને
મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા.
મેં તમારી પાસે મૂસાને, હારુનને તથા મરિયમને મોકલ્યાં.
5 હે મારા લોકો, યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી યોજના કરી અને
બેઓરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો?
શિટ્ટીમથી ગિલ્ગાલ*શિટ્ટીમ યર્દનના પૂર્વ કાંઠે આવેલો છેલ્લો ઇઝરાયલી છાવણી હતો (યહો. 3.1), અને ગિલ્ગાલ પશ્ચિમમાં ઈશ્વરના વચન પ્રમાણે આપેલા જમીનમાં તેમનો પ્રથમ છાવણી હતો. (યહો 4.19) ચમત્કારિક રીતે યર્દન નદી પાર કરવું આ બે છાવણી વચ્ચે થયેલી ઘટના હતી (યહો 3-4). સુધી શું બન્યું તે તમે યાદ કરો,
જેથી તમે યહોવાહનાં ન્યાયી કાર્યોને સમજી શકો.”
પ્રભુ શું માગે છે
6 હું શું લઈને યહોવાહની આગળ આવું?
કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું?
શું હું દહનીયાર્પણો લઈને,
અથવા એક વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું?
7 શું હજારો ઘેટાંઓથી,
કે તેલની દસ હજાર નદીઓથી યહોવાહ ખુશ થશે?
શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનુંસંતાન બલિદાન આપું?
મારા આત્માનાં પાપને માટે મારા શરીરના ફળનું અર્પણ કરું?
8 હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે,
કે સારું શું છે;
ન્યાયથી વર્તવું,
દયાભાવ રાખવો,
તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું,
યહોવાહ તારી પાસે બીજું શું માગે છે.
9 યહોવાહ નગરને બોલાવે છે;
જેઓ જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે:
“સોટીનું તથા
તેનું નિર્માણ કરનારનું સાંભળ.
10 અપ્રામાણિકતાની સંપત્તિ તથા
તિરસ્કારપાત્ર ખોટાં માપ દુષ્ટોના ઘરોમાં શું હજુ પણ છે?
11 ખોટા ત્રાજવાં તથા
કપટભરેલા કાટલાંની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું?
12 તેના ધનવાન માણસો હિંસાખોર હોય છે.
તેના રહેવાસીઓ જૂઠું બોલે છે,
અને તેમના મુખમાં કપટી જીભ હોય છે.
13 તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને
તારાં અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે.
14 તું ખાશે પણ તૃપ્ત થશે નહિ;
તારામાં કંગાલિયત રહેશે.
તું સામાનનો સંગ્રહ કરશે પણ કંઈ બચાવી શકશે નહિ,
તું જે કંઈ બચાવશે તે હું તલવારને સ્વાધીન કરીશ.
15 તું વાવશે પણ કાપણી કરી શકશે નહિ,
તું જૈતૂનને પીલશે પણ તારા શરીર પર તેલ લગાવવા પામશે નહિ;
તું દ્રાક્ષા પીલશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.
16 ઓમ્રીના વિધિઓનું તથા
આહાબના કુટુંબના બધા રીતરિવાજોનું તમે પાલન કર્યું છે.
અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો,
તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ;
તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ,
તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે.”

<- મીખાહ 5મીખાહ 7 ->