1 ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં કહ્યું કે, 2 “સ્વર્ગનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનો ભોજન સમારંભ યોજ્યો. 3 ભોજન માટે આમંત્રિતોને બોલાવવા તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ.
4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું કે, ‘આમંત્રિતોને કહો, “જુઓ, મેં મારું ભોજન તૈયાર કર્યું છે, મારા બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપ્યાં છે અને સઘળી ચીજો તૈયાર છે, લગ્નમાં આવો.’ ”
5 પણ તેઓએ તે ગણકાર્યું નહિ; તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના પોતાના ખેતરમાં અને કોઈ પોતાના વેપાર પર. 6 બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા અને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. 7 તેથી રાજા ગુસ્સે થયો, તેણે પોતાનું લશ્કર મોકલીને તે હત્યારાઓનો નાશ કર્યો અને તેઓનું નગર બાળી નાખ્યું.
8 પછી તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નનું ભોજન તૈયાર છે ખરું, પણ આમંત્રિતો યોગ્ય નહોતા. 9 એ માટે તમે રસ્તાઓનાં નાકા પર જાઓ અને જેટલાં તમને મળે તેટલાંને ભોજન સમારંભમાં બોલાવો.’ 10 તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને સારાં-નરસાં જેટલાં તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી ભોજન સમારંભ ભરાઈ ગયો.
11 મહેમાનોને જોવા સારુ રાજા અંદર આવ્યા, ત્યારે તેમણે ત્યાં લગ્નના વસ્ત્રો પહેર્યા વગરના એક માણસને જોયો. 12 ત્યારે તે તેને કહે છે કે, ‘ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?’ તે ચૂપ રહ્યો.
13 ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે, ‘તેના હાથપગ બાંધીને તેને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું અને દાંત પીસવું થશે.’ 14 કેમ કે નિમંત્રિત ઘણાં છે, પણ પસંદ કરેલા થોડા છે.”
15 ત્યાર પછી ફરોશીઓએ જઈને ઈસુને શી રીતે વાતમાં ફસાવવા, એ સંબંધી મનસૂબો કર્યો. 16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું કે, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તમે સાચા છો, સત્યથી ઈશ્વરનો માર્ગ શીખવો છો અને તમે કોઈની પરવા કરતા નથી, કેમ કે તમે માણસો વચ્ચે પક્ષપાત કરતા નથી. 17 માટે તમે શું ધારો છો? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ, તે અમને કહો?”
18 પણ ઈસુએ તેઓનો દુષ્ટ ઇરાદો જાણીને કહ્યું કે, “ઓ ઢોંગીઓ, તમે મારી પરીક્ષા કેમ કરો છો? 19 કરનું નાણું મને બતાવો.” ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા.
20 ઈસુએ તેઓને કહ્યું કે, “આ ચિત્ર તથા લેખ કોનાં છે?” 21 તેઓએ તેમને કહ્યું કે, ‘કાઈસારનાં.’ ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરનાં તે ઈશ્વરને ભરી આપો. 22 એ સાંભળીને તેઓ આશ્ચર્ય પામ્યા, અને તેમને મૂકીને ચાલ્યા ગયા.
23 તે જ દિવસે સદૂકીઓ, જેઓ કહે છે કે મૃત્યુ બાદ પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને પૂછ્યું, 24 “ઓ ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, ‘જો કોઈ પુરુષ નિઃસંતાન મરી જાય, તો તેનો ભાઈ તેની સ્ત્રીની સાથે લગ્ન કરીને પોતાના ભાઈને સારુ વંશ ઉપજાવે.’ ”
25 તો અમારામાં સાત ભાઈ હતા, અને પ્રથમ લગ્ન કરીને મરણ પામ્યો. તે નિઃસંતાન હોવાથી પોતાના ભાઈને સારુ પોતાની પત્ની મૂકી ગયો. 26 તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતેય મરણ પામ્યા. 27 સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરણ પામી. 28 એ માટે પુનરુત્થાન પામેલા પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે બધા ભાઈઓની પત્ની થઈ હતી.”
29 ત્યારે ઈસુએ ઉત્તર આપ્યો કે, “પવિત્રશાસ્ત્ર તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાંને લીધે તમે ભૂલ ખાઓ છો. 30 કેમ કે પુનરુત્થાન બાદ તેઓ લગ્ન કરતા કે કરાવતાં નથી, પણ તેઓ સ્વર્ગમાંના સ્વર્ગદૂતો જેવા હોય છે.
31 પણ મરણ પામેલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું? 32 ‘હું ઇબ્રાહિમનો, ઇસહાકનો તથા યાકૂબનો ઈશ્વર છું;’ તેઓ મરણ પામેલાઓના નહિ પણ જીવતાંઓના ઈશ્વર છે.” 33 લોકો તે સાંભળીને તેમના બોધથી આશ્ચર્ય પામ્યા.
34 જયારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સદૂકીઓના મોં બંધ કર્યા ત્યારે તેઓ એકઠા થયા. 35 તેઓમાંથી એક શાસ્ત્રીએ તેમની પરીક્ષા કરવા સારુ તેમને પૂછ્યું કે, 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?”
37 ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, તારા પૂરા જીવથી તથા તારા પૂરા મનથી પ્રેમ કર.’ 38 પહેલી અને મોટી આજ્ઞા તે છે.
39 બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે ‘જેવો સ્વયં પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ કર.’ 40 આ બે આજ્ઞાઓ સંપૂર્ણ નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.”
41 હવે ફરોશીઓ એકઠા મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું કે, 42 “ખ્રિસ્ત સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું કે, ‘દાઉદનો.’ ”
43 ઈસુએ તેઓને કહ્યું, “તો પવિત્ર આત્મા વડે દાઉદ તેમને પ્રભુ કેમ કહે છે?’ 44 જેમ કે, ‘પ્રભુ ઈશ્વરે મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ ”
45 હવે જો દાઉદ તેમને ‘પ્રભુ’ કહે છે, તો તે કેવી રીતે તેનો દીકરો કહેવાય?” 46 એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શકયું નહિ, વળી તે દિવસથી કોઈએ તેમને કંઈ પૂછવાની હિંમત કરી નહિ.
<- માથ્થી 21માથ્થી 23 ->