1 જયારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા અને તેઓ જૈતૂન નામના પહાડ પાસે બેથફાગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ બે શિષ્યોને મોકલીને 2 કહ્યું કે, “તમે સામેના ગામમાં જાઓ, તેમાં પ્રવેશતા જ તમને બાંધેલી એક ગધેડી તથા તેની પાસે બચ્ચું જોવા મળશે; તેઓને છોડીને મારી પાસે લાવો. 3 જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે, ‘પ્રભુને તેઓની જરૂર છે,’ એટલે તે તેઓને તરત જ મોકલી દેશે.”
4 હવે આ એટલા માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે, 5 “સિયોનની દીકરીને એમ કહો કે, જુઓ, તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તથા ગધેડા પર, હા, ખોલા પર, એટલે ગધેડીના વછેરા પર, સવાર થઈને આવે છે.”
6 ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને જે ફરમાવ્યું હતું તેમ કર્યું. 7 તેઓ ગધેડીને બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્ર તેઓ પર નાખ્યાં, અને ઈસુ તેના પર સવાર થયા. 8 લોકોમાંના ઘણાંખરાએ પોતાના વસ્ત્ર રસ્તામાં પાથર્યા, બીજાઓએ વૃક્ષો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
9 હવે આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે, “દાઉદના દીકરાને હોસાન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!” 10 તેઓ જયારે યરુશાલેમમાં આવ્યા ત્યારે આખા નગરે ખળભળી ઊઠીને કહ્યું કે, ‘એ કોણ છે?’ 11 ત્યારે લોકોએ કહ્યું કે, “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાસરેથના, તે એ છે.”
12 પછી ઈસુ ઈશ્વરના ભક્તિસ્થાનમાં ગયા. ત્યાં જેઓ વેચતા તથા ખરીદતા હતા, તે સર્વને તેમણે કાઢી મૂક્યા; અને નાણાવટીઓનાં બાજઠ, તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધા વાળ્યાં. 13 ઈસુએ તેઓને કહ્યું કે, “મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે,’ એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર બનાવ્યું છે.” 14 ત્યાર પછી અંધજનો તથા અપંગો તેમની પાસે ભક્તિસ્થાનમાં આવ્યા અને તેમણે તેઓને સાજાં કર્યા.
15 પણ જે ચમત્કારો તેમણે કર્યા, તથા જે બાળકો ભક્તિસ્થાનમાં મોટા અવાજે ‘દાઉદના દીકરાને હોસાન્ના’ પોકારતા હતાં, તેઓને જયારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ જોયા, ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. 16 તેઓએ ઈસુને કહ્યું કે, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે કે, ‘હા!’ “બાળકોના તથા નવજાત શિશુઓના મુખથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?” 17 પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને ઈસુએ રાતવાસો કર્યો.
18 હવે સવારે નગરમાં પાછા આવતા ઈસુને ભૂખ લાગી. 19 રસ્તાની બાજુમાં એક અંજીરી જોઈને ઈસુ તેની પાસે ગયા, પણ તેના પર એકલાં પાંદડાં વગર બીજું કંઈ ન મળવાથી તેમણે તેને કહ્યું કે, “હવેથી તારા પર કદી ફળ ન લાગો;” અને એકાએક તે અંજીરી સુકાઈ ગઈ.
20 તે જોઈને શિષ્યો આશ્ચર્ય પામીને બોલ્યા કે, “અંજીરી કેવી રીતે એકાએક સુકાઈ ગઈ?” 21 ત્યારે ઈસુએ ઉત્તર આપતા તેઓને કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, જો તમને વિશ્વાસ હોય અને સંદેહ ન લાવો, તો આ અંજીરીને જે થયું તે તમે કરશો, એટલું જ નહિ પણ જો તમે આ પહાડને કહેશો કે, ‘તું ઊંચકાઈને સમુદ્રમાં પડ,’ તો તેમ જ થશે. 22 જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો, તે સઘળું તમે પામશો.”
23 પછી ભક્તિસ્થાનમાં આવીને ઈસુ બોધ કરતા હતા, એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોનાં વડીલોએ તેમની પાસે આવીને કહ્યું કે, “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને તે અધિકાર તને કોણે આપ્યો?” 24 ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “હું પણ તમને એક વાત પૂછીશ. તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું, તે હું પણ તમને કહીશ.
25 જે બાપ્તિસ્મા યોહાન આપતો હતો તે ક્યાંથી હતું સ્વર્ગથી કે માણસોથી?” ત્યારે તેઓએ પરસ્પર વિચાર કરીને કહ્યું, “જો આપણે કહીએ કે ‘સ્વર્ગથી,’ તો ઈસુ આપણને કહેશે કે, ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહિ? 26 અથવા જો આપણે કહીએ કે ‘માણસોથી,’ તો લોકોથી આપણને બીક છે, કેમ કે સહુ યોહાનને પ્રબોધક માને છે.” 27 પછી તેઓએ ઈસુને ઉત્તર આપતાં કહ્યું કે, ‘અમે નથી જાણતા’. તેમણે પણ તેઓને કહ્યું કે, “હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.
31 તો તે બન્નેમાંથી કોણે પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે કર્યું? તેઓએ ઈસુને કહ્યું કે, ‘પહેલાએ.’ ઈસુ તેઓને કહે છે કે, “હું તમને નિશ્ચે કહું છું કે, દાણીઓ તથા કસબણો તમારી અગાઉ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરશે. 32 કેમ કે યોહાન ન્યાયીપણાને માર્ગે તમારી પાસે આવ્યો, તોપણ તમે તેના ઉપર વિશ્વાસ ન કર્યો પણ દાણીઓએ તથા વારંગનાઓ તેના પર વિશ્વાસ કર્યો; એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહિ કે તમે તેના પર વિશ્વાસ કરો.
33 એક બીજું દ્રષ્ટાંત સાંભળો. એક જમીનદાર હતો, તેણે દ્રાક્ષાવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો અને બુરજ બનાવ્યો, પછી ખેડૂતોને તે ઈજારે આપી, તે પરદેશ ગયો. 34 ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારુ પોતાના ચાકરોને તે ખેડૂતો પાસે મોકલ્યા.
35 ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો, બીજાને મારી નાખ્યો અને ત્રીજાને પથ્થરે માર્યો. 36 પછી તેણે અગાઉ કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓએ તેઓને એવું જ કર્યું. 37 પછી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલતાં કહ્યું કે, ‘તેઓ મારા દીકરાનું માન રાખશે.’ ”
38 પણ ખેડૂતોએ દીકરાને જોઈને પરસ્પર કહ્યું કે, ‘એ તો વારસ છે, ચાલો, આપણે એને મારી નાખીએ અને તેનો વારસો લઈ લઈએ.’ 39 ત્યારે તેઓએ તેને પકડ્યો અને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો.
40 એ માટે જયારે દ્રાક્ષાવાડીનો માલિક આવશે ત્યારે તે ખેડૂતોનું શું કરશે?” 41 તેઓએ ઈસુને કહ્યું કે, “તે દુષ્ટોનો પૂરો નાશ કરશે; અને બીજા ખેડૂતો કે જેઓ મોસમે તેને ફળ પહોંચાડે, તેઓને દ્રાક્ષાવાડી ઈજારે આપશે.”
42 ઈસુએ તેઓને કહ્યું કે, “જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો, તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો. તે પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે,’ એ શું તમે શાસ્ત્રવચનોમાં કદી નથી વાંચ્યું?
43 એ માટે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે અને જે પ્રજા તેનાં ફળ આપશે, તેઓને તે અપાશે. 44 આ પથ્થર પર જે પડશે તેના ટુકડેટુકડાં થઈ જશે, પણ જેનાં પર તે પડશે, તેને તે કચડી નાખશે.”
45 મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેમના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તેઓ અમારા સંબંધી બોલે છે. 46 તેઓ ઈસુને પકડવાનો રસ્તો શોધતા હતા પણ તેઓ લોકોથી ડરી ગયા, કેમ કે લોકો ઈસુને પ્રબોધક માનતા હતા.
<- માથ્થી 20માથ્થી 22 ->