5 યાજક યહોવાહ પ્રત્યે હોમયજ્ઞને માટે વેદી પર તેમનું દહન કરે. આ દોષાર્થાર્પણ છે. 6 યાજકોમાંનો દરેક પુરુષ તે ખાઈ શકે. તેને પવિત્રસ્થાને જ ખાવું કેમ કે તે પરમપવિત્ર છે.
7 પાપાર્થાર્પણ દોષાર્થાર્પણ જેવું જ છે. તે બન્નેને માટે એક સરખા જ નિયમો લાગુ પડે છે. જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે, તેને તે મળે. 8 જે યાજક કોઈ માણસ વતી દહનીયાર્પણ ચઢાવે, તે જ યાજક પોતે ચઢાવેલા દહનીયાર્પણનું ચામડું પોતાને માટે લે.
9 ભઠ્ઠીમાં શેકેલું, કડાઈમાં કે તવામાં તળેલું સર્વ ખાદ્યાર્પણ તે ચઢાવનાર યાજકનું થાય. 10 સર્વ તેલવાળું કે તેલ વગરનું ખાદ્યાર્પણ હારુનના સર્વ વંશજોના સરખે ભાગે ગણાય.
13 આભારસ્તુતિને અર્થે પોતાના શાંત્યર્પણના અર્પણ સાથે ખમીરવાળી રોટલીનું તે અર્પણ કરે. 14 તેમાંના પ્રત્યેક અર્પણમાંથી દરેક વસ્તુ યહોવાહને માટે ઉચ્છાલીયાર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યર્પણોનું રક્ત વેદી પર છાંટનાર યાજકનું તે ગણાય.
15 આભારસ્તુતિને માટેનાં શાંત્યર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તે તેમાંથી કંઈ પણ બીજા દિવસની સવાર સુધી રહેવા ન દે. 16 પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે એ ખાય, પણ બાકી રહેલું માંસ તે બીજે દિવસે ખાય.
17 પણ યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. 18 જો તેનાં શાંત્યર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહિ, તેમ જ અર્પણ કરનારનાં લાભમાં તે ગણાશે પણ નહિ. તે વસ્તુ અમંગળ ગણાશે અને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે.
19 જે માંસને કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ થાય તે ખાવું નહિ. તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય, તે તે માંસ ખાય. 20 પણ જે કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં શાંત્યર્પણમાંથી, એટલે જે યહોવાહનું છે, તે ખાય તો તેને તેના લોકોથી જુદો કરવો, કારણ કે તેણે જે પવિત્ર છે તેને અશુદ્ધ કર્યુ છે.
21 જો કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો, એટલે મનુષ્યના અશુદ્ધપણાનો, અશુદ્ધ પશુનો અથવા કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે અને યહોવાહને માટેનાં શાંત્યર્પણના યજ્ઞનું માંસ ખાય, તે વ્યક્તિ પોતાના લોકોમાંથી અલગ કરાય.’ ”
22 પછી યહોવાહે મૂસાને કહ્યું, 23 “ઇઝરાયલી લોકોને બોલાવીને કહે કે, ‘તમારે કોઈ બળદ, ઘેટાં અથવા બકરાની ચરબી ખાવી નહિ. 24 કુદરતી રીતે મૃત્યુ પામેલ અથવા કોઈ જંગલી પ્રાણીએ મારી નાખેલા પશુની ચરબીનો બીજી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરવો પણ તમારે તે ખાવું નહિ.
25 જો કોઈ માણસ યહોવાહને પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની ચરબી જે કોઈ ખાય, તે ખાનાર માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. 26 તમે કોઈપણ પ્રકારનું રક્ત, પછી તે પક્ષીનું હોય કે પશુનું હોય, તે તમારા કોઈપણ ઘરોમાં ન ખાઓ. 27 જે વ્યક્તિ કોઈપણનું રક્ત ખાય તો તે માણસ તેના લોકોમાંથી અલગ કરાય.’ ”
28 તેથી યહોવાહે મૂસાને કહ્યું, 29 “ઇઝરાયલી લોકોને આમ કહે કે, ‘જે કોઈ વ્યક્તિ યહોવાહને શાંત્યર્પણ ચઢાવવા લાવે તો તેણે તેનો અમુક ભાગ યહોવાહને વિશેષ ભેટ તરીકે અર્પણ કરવો. 30 તે પોતાના હાથે યહોવાહના હોમયજ્ઞો લાવે. તેણે ચરબી સહિત પ્રાણીની છાતી લાવવી, કે જેથી તેણે છાતીને, આરત્યર્પણને સારુ યહોવાહની આગળ અર્પણ કરાય.
31 યાજકે ચરબીનું વેદીમાં દહન કરવું, પણ છાતીનો ભાગ હારુન તથા તેના વંશજોનો થાય. 32 તમારાં શાંત્યર્પણોના યજ્ઞોમાંથી જમણી જાંઘ ઉચ્છાલીયાર્પણને સારુ તમારે યાજકને આપવી.
33 જમણી જાંઘ, હારુનના વંશજોમાંનો, યાજક, જે શાંત્યર્પણોનું રક્ત તથા તેની ચરબી ચઢાવે તેના ભાગમાં જાય. 34 કેમ કે ઇઝરાયલી લોકોએ ચઢાવેલા શાંત્યર્પણના પશુઓની છાતીનો ભાગ અને જાંઘ હું રાખી લઉં છું અને મેં તે હારુન, પ્રમુખ યાજકને તથા તેના વંશજોને તેઓના હંમેશના બાના તરીકે આપ્યાં છે.
35 જે દિવસે મૂસાએ હારુન તથા તેના પુત્રોને યાજક તરીકે રજૂ કર્યા તે દિવસથી યહોવાહને અગ્નિથી કરેલ અર્પણનો હિસ્સો તે આ પ્રમાણે છે: 36 જે દિવસે યાજકનો અભિષેક કરવામાં આવ્યો તે દિવસે યહોવાહે આ ભાગો તેમને આપવાની ઇઝરાયલીઓને આજ્ઞા કરી હતી. આ નિયમ સદા માટે તેમના બધા વંશજોને માટે બંધનકર્તા છે. વંશપરંપરા આ તેઓનો અધિકાર છે.
37 દહનીયાર્પણનો, ખાદ્યાર્પણનો, પાપાર્થાર્પણનો, દોષાર્થાર્પણનો, પ્રતિષ્ઠાક્રિયાનો તથા શાંત્યર્પણના યજ્ઞના નિયમો આ પ્રમાણે છે. 38 સિનાઈના અરણ્યમાં યહોવાહને સારુ અર્પણ ચઢાવવાની ઇઝરાયલી લોકોને તેણે આજ્ઞા કરી હતી, તે દિવસે યહોવાહે સિનાઈ પર્વત પર મૂસાને આ પ્રમાણે આજ્ઞા કરી હતી.”
<- લેવી 6લેવી 8 ->- a દોષાર્થાર્પણ ભરપાઈનો અર્પણ