Link to home pageLanguagesLink to all Bible versions on this site
18
સ્‍ત્રીસંગ બાબતે નિષેધો
1 યહોવાહે મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલના લોકોને કહે કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું. 3 મિસર દેશ જેમાં તમે અગાઉ રહેતા હતા, તે લોકોનું અનુકરણ તમે ન કરો. અને કનાન દેશ કે જેમાં હું તમને લઈ જાઉં છું, તે દેશના લોકોનું અનુકરણ તમે ન કરો. તેઓના રીતરિવાજો ન પાળો.

4 તમારે ફક્ત મારા જ વિધિઓ પાળવા, તમારે તેનો સંપૂર્ણ રીતે અમલ કરવો અને તે અનુસાર ચાલવું કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. 5 માટે તમારે મારા વિધિઓ અને નિયમો પાળવા. જો કોઈ માણસ તેનું પાલન કરશે તો તે વડે તે જીવશે. હું યહોવાહ છું.

6 તમારામાંના કોઈએ પણ નજીકની સગી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. હું યહોવાહ છું. 7 તારી માતા સાથે શારીરિક સંબંધ કરીને તારા પિતાનું અપમાન ન કર. તે તારી માતા છે, તેને તારે કલંકિત કરવી નહિ. 8 તારા પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે શારીરિક સંબંધ ન કર; તે તારા પિતાના અપમાન જેવું છે.

9 તારી બહેનોમાંની કોઈની સાથે શારીરિક સંબંધ ન કર. તે તમારા પિતાની પુત્રી હોય કે માતાની પુત્રી હોય; પછી તે ઘરમાં જન્મેલી હોય કે તારાથી દૂર બહાર જન્મેલી હોય. તારે તારી બહેન સાથે શારીરિક સંબંધ બાંધવો નહિ. 10 તારે તારા પુત્રની પુત્રી કે પુત્રીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તમારી પોતાની જાતને કલંકિત કરવા બરાબર છે. 11 તારે તારા પિતાની પત્નીની પુત્રી સાથે શારીરિક સંબંધ ન બાંધવો. તે તારી બહેન છે અને તારે તેની સાથે શારીરિક સંબંધ ન બાંધવો.

12 તારે તારા પિતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારા પિતાની તે નજીકની સગી છે. 13 તારે તારી માતાની બહેન સાથે શારીરિક સંબંધ ન બાંધવો, કેમ કે તારી માતાની તે નજીકની સગી છે. 14 તારે તારા પિતાના ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો. કે એવા ઇરાદા સાથે તેની નજીક ન જવું. કેમ કે તે તારી કાકી છે.

15 તારે તારી પુત્રવધૂ સાથે શારીરિક સંબંધ ન બાંધવો, તે તારા પુત્રની પત્ની છે. તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. 16 તારે તારા ભાઈની પત્ની સાથે શારીરિક સંબંધ ન બાંધવો, આવું કરીને તારા ભાઈનું અપમાન ન કરવું.

17 કોઈ સ્ત્રી તેમ જ તેની પુત્રી કે પૌત્રી કે દોહિત્રી સાથે શારીરિક સંબંધ ન કર. તેઓ નજીકની સગી છે અને તેઓની સાથે એવું કરવું એ અતિશય દુષ્ટ કર્મ છે. 18 તારી પત્નીના જીવતા સુધી તેની બહેન સાથે લગ્ન કરીને અને તેને બીજી પત્ની કરીને તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ.

19 સ્ત્રીના માસિકસ્રાવ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધ ન બાંધ. કેમ કે એ સમયમાં તે અશુદ્ધ છે. 20 તારે તારા પડોશીની પત્ની સાથે શારીરિક સંબંધ ન કરવો અને આ રીતે પોતાને જાતને ભ્રષ્ટ ન કરવી.

21 તારે તારા કોઈ બાળકને અગ્નિમાં ચલાવીને મોલેખને ચઢાવવા ન આપ. આ રીતે તારા ઈશ્વરનો અનાદર ન કરવો. હું યહોવાહ છું.

22 સ્ત્રીની જેમ બીજા પુરુષની સાથે શારીરિક સંબંધ ન બાંધ. એ દુષ્ટતા છે. 23 તમારે કોઈ પશુ સાથે સ્ત્રીની જેમ શારીરિક સંબંધ ન કરીને પોતાને અશુદ્ધ ન કરવો. કોઈ સ્ત્રીએ કોઈ પશુ સાથે શારીરિક સંબંધ ન કરવો, એ વિકૃતિ છે.

24 આમાંની કોઈ પણ રીતે તારે તારી જાતને અશુદ્ધ ન કરવી. હું જે દેશજાતિઓને તમારી સામેથી હાંકી કાઢવાનો છું તેઓ આવી રીતે અશુદ્ધ થયેલ છે. 25 એ આખો દેશ અશુદ્ધ થયો છે. તેથી હું તેઓના પર તેઓના પાપની સજા કરું છું અને એ દેશ ત્યાંના રહેવાસીઓને ઓકી કાઢે છે.

26 તમારે મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કરવું. તમારે આ બધામાંનું કોઈ ઘૃણાજનક કાર્ય કરવું નહિ, પછી ભલે તમે ઇઝરાયલ પ્રજાનાં વતની હોય કે પરદેશથી આવીને વસ્યા હોય. 27 કેમ કે તમારા પહેલા જે દેશજાતિ આ દેશમાં રહેતી હતી, તે આ બધા ઘૃણાજનક કાર્યો કરતી હતી અને તેથી દેશ અશુદ્ધ થયો છે. 28 એ માટે સાવચેત રહો, કે જેથી દેશને અશુદ્ધ કર્યાથી જેમ તમારી અગાઉની દેશજાતિને તેણે ઓકી કાઢી તેમ તમને પણ તે ઓકી કાઢે.

29 જે કોઈ એમાંનું કોઈપણ ઘૃણાજનક કાર્ય કરશે તેને પોતાના લોકોમાંથી અલગ કરવામાં આવશે. 30 માટે તમે મારી આજ્ઞાઓનું પાલન કરો. તમારા અગાઉના લોકો ઘૃણાપાત્ર રિવાજો પાળતા હતા, તેનું પાલન કરીને તમારી જાતને અશુદ્ધ ન બનાવશો. હું તમારો ઈશ્વર યહોવાહ છું.’ ”

<- લેવી 17લેવી 19 ->