Link to home pageLanguagesLink to all Bible versions on this site
12
બાળક-જન્મ પછી સ્‍ત્રીનું શુદ્ધિકરણ
1 યહોવાહે મૂસાને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને કહે, ‘જો કોઈ સ્ત્રી પુત્રને જન્મ આપે, તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, જેમ તે દર માસમાં માસિક સમયે અશુદ્ધ ગણાય છે તેમ. 3 આઠમાં દિવસે તે પુત્રની સુન્નત કરવી.

4 પછી તે માતાનું શુદ્ધિકરણ થતાં સુધી તેત્રીસ દિવસ સુધી તે અશુદ્ધ ગણાય. તેના શુદ્ધિકરણ થવાના દિવસો પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, તેમ જ તંબુમાં પણ ન આવે. 5 પણ જો તે પુત્રીને જન્મ આપે, તો તે જેમ માસિક દરમિયાન અશુદ્ધ ગણાય છે તેમ તે બે અઠવાડિયાં સુધી અશુદ્ધ ગણાય. તેનું શુદ્ધિકરણ થતાં સુધી છાસઠ દિવસ તે અશુદ્ધ ગણાય.

6 જ્યારે તેને શુદ્ધ કરવાનો સમય પૂરો થાય ત્યારે પુત્રી અથવા પુત્રની માતાએ દહનીયાર્પણ માટે એક વર્ષનું ઘેટાંનું બચ્ચું અને પાપાર્થાર્પણ માટે કબૂતરનું એક બચ્ચું કે હોલો મુલાકાતમંડપમાં લઈ જવું અને પ્રવેશદ્વારે યાજકની પાસે લાવે.

7 પછી તે તેને માટે યહોવાહ સમક્ષ ચઢાવે અને તેના માટે પ્રાયશ્ચિત કરે અને તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. જેને પુત્ર કે પુત્રીનો જન્મ થાય, તે સ્ત્રીને માટે આ નિયમ છે. 8 જો તે ઘેટાંના બચ્ચાનું અર્પણ ન કરી શકે, તો તે બે હોલા કે બે કબૂતરનાં બચ્ચાં લાવે, એક દહનીયાર્પણ માટે અને બીજું પાપાર્થાર્પણને માટે અને યાજક તેને માટે પ્રાયશ્ચિતની વિધિ કરે; એટલે તે શુદ્ધ થશે.

<- લેવી 11લેવી 13 ->