4 પછી યહોશુઆએ જેઓને ઇઝરાયલના, દરેક કુળમાંથી એકને પસંદ કર્યા હતા તે બાર માણસને બોલાવ્યા. 5 યહોશુઆએ તેઓને કહ્યું, “તમારા યહોવાહ, પ્રભુના કરારકોશની આગળ યર્દન નદીની મધ્યમાં જાઓ, તમારામાંનો દરેક પોતાના ખભા પર ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે એક એક પથ્થર ઊંચકી લો.
6 જયારે આવનાર દિવસોમાં તમારાં બાળકો પૂછે કે, આ પથ્થરોનો અર્થ શો છે? ત્યારે તમારી વચમાં તમારા માટે આ નિશાનીરૂપ થશે. 7 પછી તમે તેઓને કહેશો કે, ‘યહોવાહનાં કરારકોશની આગળ યર્દનના પાણીના ભાગ થઈ ગયા હતા. જયારે તે યર્દન પાર ઊતરતો હતો ત્યારે યર્દનના પાણીના ભાગ થઈ ગયા. એ પથ્થરો ઇઝરાયલના લોકોના સ્મરણાર્થે હંમેશા રહેશે.”
8 ઇઝરાયલના લોકોને યહોશુઆએ જે પ્રમાણે આજ્ઞા આપી હતી તે પ્રમાણે કર્યું અને યહોવાહે યહોશુઆને જે પ્રમાણે કહ્યું હતું તેમ, તેઓએ યર્દનની મધ્યેથી બાર પથ્થર લીધાં અને તેઓએ ઇઝરાયલના લોકોના કુળની સંખ્યા પ્રમાણે ગોઠવ્યા. તેઓએ તેને ઊંચકીને તે જગ્યા કે જ્યાં તેઓ રાત વિતાવવાના હતા ત્યાં મૂક્યા. 9 પછી યહોશુઆએ યર્દનની મધ્યમાં, જ્યાં યાજકો કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા હતા તે સ્થળે બાર પથ્થર સ્થાપિત કર્યા. અને તે યાદગીરી આજ સુધી ત્યાં છે.
10 જે આજ્ઞા મૂસાએ યહોશુઆને આપી હતી અને જે આજ્ઞા યહોવાહે યહોશુઆને આપી હતી તેનું સંપૂર્ણ પાલન થાય ત્યાં સુધી યાજકો યર્દનની મધ્યમાં કરારકોશ ઊંચકીને ઊભા રહ્યા. લોકો ઉતાવળ કરીને પાર ઊતરી ગયા. 11 જયારે બધા લોકો પાર ઊતર્યા પછી યહોવાહનો કરારકોશ અને યાજકો લોકોના દેખતાં પાર ઊતર્યા.
12 રુબેનીનું કુળ, ગાદનું કુળ અને મનાશ્શાનું અર્ધ કુળ, મૂસાના ફરમાવ્યા પ્રમાણે, શસ્ત્ર સજીને સૈન્યના રૂપમાં ઇઝરાયલના લોકોની આગળ ગયા. 13 લગભગ ચાળીસ હજાર માણસો યહોવાહની આગળ યરીખોના મેદાન પર યુદ્ધ માટે સજ્જ થયા. 14 તે જ દિવસે યહોવાહ યહોશુઆને સર્વ ઇઝરાયલની નજરમાં મોટો મનાવ્યો, જેમ તેઓ મૂસાનો આદર કરતા હતા, તેમ તેઓએ તેના સર્વ દિવસોમાં તેનો આદર કર્યો.
15 પછી યહોવાહે યહોશુઆને કહ્યું, 16 “કરારકોશ ઊંચકનાર યાજકોને યર્દનમાંથી બહાર આવવાની આજ્ઞા આપ.”
17 તેથી યહોશુઆએ યાજકોને આજ્ઞા કરી, “યર્દનમાંથી બહાર આવો.” 18 યાજકો યહોવાહનાં કરારકોશને ઊંચકીને યર્દનમાંથી બહાર આવ્યા. યાજકોના પગ કોરી જમીન પર પડ્યા ત્યાર પછી યર્દનનું પાણી તેની અસલ જગ્યાએ પાછું આવ્યું અને તે અગાઉની માફક કિનારે ભરપૂર થઈને વહેવા લાગ્યું.
19 લોકો પહેલા મહિનાને દસમે દિવસે યર્દનમાંથી બહાર આવ્યા, તેઓએ યરીખોની પૂર્વ દિશાએ ગિલ્ગાલમાં મુકામ કર્યો. 20 જે બાર પથ્થર તેઓ યર્દનમાંથી બહાર લાવ્યા હતા, તેને યહોશુઆએ ગિલ્ગાલમાં સ્થાપિત કર્યા. 21 અને તેણે ઇઝરાયલના લોકોને કહ્યું, “આવનાર સમયમાં જયારે તમારા વંશજો પોતાના પિતાને પૂછે કે, ‘આ પથ્થરો શું દર્શાવે છે?’ 22 ત્યારે ‘તમારાં બાળકોને કહેજો કે ત્યાં ઇઝરાયલે કોરી ભૂમિ પર ચાલીને યર્દન પાર કરી હતી.’ 23 વળી તેમને કહેજો કે જેમ આપણા યહોવાહ પ્રભુએ સૂફ સમુદ્રને કર્યું, એટલે અમે પાર ઊતરી રહ્યા ત્યાં સુધી તેમણે તેને અમારી આગળ સૂકવી નાખ્યો હતો, તેમ આપણા યહોવાહ પ્રભુએ અમે યર્દનની પાર ઊતરી રહ્યા ત્યાં સુધી અમારી આગળ તેના પાણી સૂકવી નાખ્યાં હતાં. 24 યહોવાહે આ એટલા માટે કર્યું કે પૃથ્વીના સર્વ લોકો જાણે કે યહોવાહ સર્વસમર્થ પ્રભુ છે, અને તમે હંમેશા યહોવાહ તમારા પ્રભુની આરાધના કરો.”
<- યહોશુઆ 3યહોશુઆ 5 ->