Link to home pageLanguagesLink to all Bible versions on this site

યહોશુઆ
લેખક
યહોશુઆનું પુસ્તક તેના લેખકનું નામ ચોક્કસપણે દર્શાવતુ નથી. તદ્દન શક્ય છે કે નૂનનો દીકરો યહોશુઆ કે જે મૂસા પછી ઇઝરાયલ પર આગેવાન થયો તેણે મોટા ભાગનું પુસ્તક લખ્યું હશે. પુસ્તકનો પાછળનો ભાગ યહોશુઆના મૃત્યુ બાદ ઓછામાં ઓછી બીજી એક વ્યક્તિ દ્વારા લખાયો હતો. યહોશુઆના મૃત્યુ બાદ કેટલાક વિભાગોને સંપાદિત કે સંકલિત કરવામાં આવ્યા હોય તે પણ શક્ય છે. આ પુસ્તક મૂસાના મૃત્યુથી લઈને યહોશુઆની આગેવાની નીચે વચનના દેશ પર વિજય સુધીનો સમયગાળો આવરે છે.
લખાણનો સમય અને સ્થળ
લખાણનો સમય અંદાજિત ઇ.પૂ. 1405 થી 1385 વચ્ચેનો છે.
લખાણનું સંભવિત સર્જન કનાન દેશમાં થયું કે જ્યાં યહોશુઆએ દેશ પર વિજય પ્રાપ્ત કર્યો હતો.
વાંચકવર્ગ
યહોશુઆનું પુસ્તક ઇઝરાયલી લોકોને તથા બાઇબલના ભવિષ્યના બધા જ વાંચકો માટે લખાયું હતું.
હેતુ
યહોશુઆનું પુસ્તક ઈશ્વરે વચન આપેલા ભૂમિવિસ્તાર પર જીત પામવાની લશ્કરી ચડાઇઓની ઝાંખી પૂરી પાડે છે. મિસરના નિર્ગમન બાદ અને ત્યાર પછીના અરણ્યના ચાલીસ વર્ષોના ભ્રમણ બાદ, નવું સ્થાપિત થયેલું રાષ્ટ્ર હવે વચનના દેશમાં પ્રવેશવા, ત્યાંના રહેવાસીઓને જીતવા તથા પ્રદેશમાં વસવાટ કરવા તૈયાર છે. યહોશુઆનું પુસ્તક એ બતાવવાનું ચાલુ રાખે છે કે કેવી રીતે કરાર દ્વારા પસંદ કરાયેલા લોકો કરાર પ્રમાણેના વચનના દેશમાં સ્થાપિત થયા. અહીં યહોવાહના પૂર્વજો સાથે કરેલા પોતાના કરારો પ્રત્યેના તથા સિનાઈ પર્વત પાસે રાષ્ટ્રને પ્રથમ આપેલા કરાર પ્રત્યેના વિશ્વાસુપણાનું વૃતાંત જોવા મળે છે. આ શાસ્ત્ર ઈશ્વરના લોકોને કરાર અનુરૂપ વફાદારી, એકતા તથા ભવિષ્યની પેઢીઓમાં પ્રબળ જુસ્સો પ્રેરવા અને દોરવા માટે છે.
મુદ્રાલેખ
વિજય
રૂપરેખા
1. વચનના દેશમાં પ્રવેશ — 1:1-5:12
2. દેશ પર વિજય — 5:13-12:24
3. દેશના વિભાગો પાડવા — 13:1-21:45
4. કુળોની એકતા અને પ્રભુ પ્રત્યે વફાદારી — 22:1-24:33

1
ઈશ્વર યહોશુઆને કનાન જીતી લેવા આદેશ આપે છે
1 હવે યહોવાહનાં સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરો યહોશુઆ જે મૂસાનો સહાયકારી હતો તેને યહોવાહે કહ્યું; 2 “મારો સેવક, મૂસા મરણ પામ્યો છે. તેથી હવે તું તથા આ સર્વ લોક ઊઠીને યર્દન પાર કરીને તે દેશમાં જાઓ કે જે તમને એટલે કે ઇઝરાયલના લોકોને હું આપું છું. 3 મૂસાને જે પ્રમાણે મેં વચન આપ્યું તે પ્રમાણે, ચાલતા જે જે જગ્યા તમારા પગ નીચે આવશે તે સર્વ મેં તમને આપી છે.

4 અરણ્ય તથા લબાનોનથી, દૂર મોટી નદી, ફ્રાત સુધી, હિત્તીઓના આખા દેશથી, ભૂમધ્ય સમુદ્ર સુધી, પશ્ચિમ દિશાએ તમારી સરહદ થશે. 5 તારા જીવનના સર્વ દિવસો દરમ્યાન કોઈ પણ તારો સામનો કરી શકશે નહિ. જેમ હું મૂસા સાથે હતો તેમ હું તારી સાથે રહીશ; હું તને તજીશ કે મૂકી દઈશ નહિ.

6 બળવાન તથા હિંમતવાન થા. આ લોકોને જે દેશનો વારસો આપવાનું યહોવાહે તેમના પૂર્વજોને વચન આપ્યું હતું તે યહોવાહ તેઓને આપશે. 7 બળવાન તથા ઘણો હિંમતવાન થા. મારા સેવક મૂસાએ જે સઘળાં નિયમની તને આજ્ઞા આપી છે તે પાળવાને કાળજી રાખ. તેનાથી જમણી કે ડાબી બાજુ ફરતો ના, કે જેથી જ્યાં કંઈ તું જાય ત્યાં તને સફળતા મળે.

8 આ નિયમશાસ્ત્ર તારા મુખમાં રાખ. તું રાતદિવસ તેનું મનન કર કે જેથી તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાળી શકે. કારણ કે તો જ તું સમૃદ્ધ અને સફળ થઈશ. 9 શું મેં તને આજ્ઞા કરી નથી? બળવાન તથા હિંમતવાન થા! ડર નહિ. નિરાશ ન થા.” જ્યાં કંઈ તું જશે ત્યાં યહોવાહ તારા પ્રભુ તારી સાથે છે.”

યહોશુઆ લોકોને આજ્ઞા આપે છે
10 પછી યહોશુઆએ લોકોના આગેવાનોને આજ્ઞા આપી, 11 “તમે છાવણીમાં જાઓ અને લોકોને આજ્ઞા કરો, ‘તમે પોતાને માટે ખાદ્યસામગ્રી તૈયાર કરો. ત્રણ દિવસોમાં તમે આ યર્દન પાર કરીને તેમાં જવાના છો. જે દેશ યહોવાહ તમારા પ્રભુ તમને વતન તરીકે આપે છે તે દેશનું વતન તમે પામો.’ ”

12 રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને, યહોશુઆએ કહ્યું, યહોવાહનાં સેવક મૂસાએ તમને જે બાબત કહી હતી કે, 13 ‘યહોવાહ તમારા પ્રભુ તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપે છે તે વચન યાદ રાખો.’ ”

14 તમારી પત્નીઓ, તમારાં નાનાં બાળકો અને તમારાં ઢોરઢાંક યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં રહે. પણ તમારા લડવૈયા માણસો તમારા ભાઈઓની આગળ પેલે પાર જાય અને તેઓને મદદ કરે. 15 યહોવાહ જેમ તમને વિસામો આપ્યો તેમ તે તમારા ભાઈઓને પણ આપે અને જે દેશ યહોવાહ તમારા પ્રભુ તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પામશે. પછી તમે પોતાના દેશ પાછા જશો અને યહોવાહનાં સેવક મૂસાએ યર્દન પાર, પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો છે તેના માલિક થશો. 16 અને તેઓએ યહોશુઆને ઉત્તર આપતા કહ્યું, “જે સઘળું કરવાની આજ્ઞા તેં અમને આપી છે તે અમે કરીશું અને જ્યાં કંઈ તું અમને મોકલશે ત્યાં અમે જઈશું. 17 જેમ અમે મૂસાનું માનતા હતા તેમ તારું પણ માનીશું. યહોવાહ તારા પ્રભુ જેમ મૂસા સાથે હતા તેમ તારી સાથે રહો. 18 જે કોઈ તારી આજ્ઞા વિરુદ્ધ બળવો કરે અને તારું કહેવું ન માને તે મારી નંખાય. માત્ર એટલું જ કે તું બળવાન અને હિંમતવાન થા.”

યહોશુઆ 2 ->