Link to home pageLanguagesLink to all Bible versions on this site
8
બિલ્દાદ
1 ત્યારે બિલ્દાદ શૂહીએ જવાબ આપ્યો અને કહ્યું કે,
2 “તું ક્યાં સુધી આવી વાતો કરીશ?
તારા તોફાની શબ્દો ક્યાં સુધી વંટોળિયાની જેમ તારા મુખમાંથી નીકળ્યા કરશે?
3 શું ઈશ્વર અન્યાય કરે છે?
સર્વશક્તિમાન ઈશ્વર ઈન્સાફ ઊંધો વાળે છે?
4 જો તારા સંતાનોએ તેમની વિરુદ્ધ પાપ કર્યું હશે,
તો ઈશ્વરે તેમને તેમના પાપનું ફળ આપ્યું છે.
5 જો તું ખંતથી ઈશ્વરની શોધ કરશે,
અને સર્વશક્તિમાનની યાચના કરશે,
6 અને તું જો પવિત્ર અને પ્રામાણિક હોત;
તો નિશ્ચે તે હમણાં તારે સારુ જાગૃત થઈને,
તારાં ધાર્મિક ઘરને આબાદ કરત.
7 જો કે તારી શરૂઆત નહિ જેવી હતી.
તોપણ આખરે તે તને બહુ સફળ કરત.
8 કૃપા કરીને તું અગાઉની પેઢીઓને પૂછી જો;
આપણા પિતૃઓએ શોધી નાખ્યું તે જાણી લે.
9 આપણે તો આજકાલના છીએ અને કંઈ જ જાણતા નથી.
પૃથ્વી પરનું આપણું જીવન પડછાયા જેવું છે.
10 શું તેઓ તને નહિ શીખવે? અને કંઈ નહિ કહે?
તેઓ પોતાના ડહાપણના શબ્દો તને નહિ કહે?
11 શું કાદવ વિના છોડ ઊગે? કે,
જળ વિના બરુ ઊગે?
12 હજી તો તે લીલાં હોય છે. અને કપાયેલાં હોતાં નથી.
એટલામાં બીજી કોઈ વનસ્પતિ અગાઉ તે સુકાઈ જાય છે.
13 ઈશ્વરને ભૂલી જનાર સર્વના એવા જ હાલ થાય છે
અને અધર્મીની આશા એમ જ નાશ પામશે.
14 તેની આશા ભંગ થઈ જશે.
તેનો ભરોસો કરોળિયાની જાળ જેવો નાજુક છે.
15 તે પોતાના ઘર પર આધાર રાખશે, પણ તે ઊભું નહિ રહેશે.
તે તેને મજબૂતાઈથી પકડી રાખશે પણ તે ટકશે નહિ.
16 સૂર્યના પ્રકાશથી તે લીલો હોય છે.
તેની ડાળીઓ ફૂટીને આખા બગીચામાં ફેલાય છે.
17 તેનાં મૂળ ઝરાની પાસે પથ્થરોને વીંટળાયેલાં હોય છે;
તેઓ પર્વતો પર સારી જગ્યાઓ શોધે છે.
18 જો તે નાશ પામે
તો તેની જગા તેનો નકાર કરશે કે, ‘મેં તને જોયો જ નથી.’
19 જુઓ, આ તો તેના માર્ગની ખૂબી છે;
અને જમીનમાંથી અન્ય ઊગી નીકળશે.
20 ઈશ્વર નિર્દોષ માણસનો ત્યાગ કરશે નહિ,
અને દુષ્કર્મીઓનો તે નિભાવ કરશે નહિ.
21 હજી પણ તેઓ તારા ચહેરાને હાસ્યથી ભરશે.
અને તારા હોઠોને આનંદના પોકારોથી ભરી દેશે.
22 તારા દુશ્મનો શરમથી છુપાઈ જશે
અને દુર્જનોનો તંબુ નાશ પામશે.”

<- અયૂબ 7અયૂબ 9 ->