Link to home pageLanguagesLink to all Bible versions on this site
7
અયૂબ (ચાલુ)
1 “શું પૃથ્વી પર માણસને સંકટ સહન કરવાનું નથી?
શું તેના દિવસો મજૂરના જેવા નથી?
2 આતુરતાથી છાંયડાની રાહ જોનાર ગુલામની જેમ.
અને પોતાના પગારની રાહ જોનાર મજૂરની જેમ,
3 તેથી મારે અર્થહીન મહિનાઓ ફોકટ કાઢવા પડે છે;
અને કંટાળાભરેલી રાત્રિઓ મારા માટે ઠરાવેલી છે.
4 સૂતી વેળાએ હું વિચારું છું કે,
‘હું ક્યારે ઊઠીશ અને રાત્રી ક્યારે પસાર થશે?’
સૂર્યોદય થતાં સુધી હું આમતેમ પડખાં ફેરવ્યા કરું છું.
5 મારું શરીર કીડાઓથી તથા ધૂળના ઢેફાંથી ઢંકાયેલું છે.
મારી ચામડી સૂકાઈને ફાટી ગઈ છે.
6 મારા દિવસો વણકરના કાંટલા કરતા વધુ ઝડપી છે,
અને આશા વિના તેનો અંત આવે છે.
7 યાદ રાખજો કે, મારું જીવન માત્ર શ્વાસ છે;
મારી આંખ ફરી કદી સુખ જોનાર નથી.
8 જેઓ મને જુએ છે, તેઓ મને ફરી જોશે નહિ;
તું મને દેખતો હોઈશ એટલામાં હું લોપ થઈશ.
9 જેમ વાદળાં ઓગળીને અલોપ થઈ જાય છે,
તેમ શેઓલમાં ઊતરનારા ફરી કદી ઉપર આવશે નહિ.
10 તે પોતાને ઘરે ફરી કદી આવશે નહિ;
હવે પછી તેનું સ્થાન તેને જાણશે નહિ.
11 માટે હું મારું મુખ બંધ નહિ રાખું;
મારો આત્મા સંકટમાં છે તેથી હું બોલીશ;
મારા આત્માની વેદનાને કારણે હું મારું દુ:ખ રડીશ.
12 શું હું સમુદ્ર છું કે સમુદ્રનું અજગર છું કે,
તમે મારો ચોકી-પહેરો રાખો છો?
13 જ્યારે હું એમ કહું છું કે, ‘મારી પથારી મને શાંતિ આપશે,
મારો પલંગ મારો ત્રાસ હલકો કરશે,’
14 ત્યારે સ્વપ્નો દ્વારા તમે મને એવો ત્રાસ ઉપજાવો છો
અને સંદર્શનોથી મને ગભરાવો છો.
15 ત્યારે મારો જીવ ગૂંગળાઈ મરવાને,
અને મારાં આ હાડકાં કરતાં મોત વધારે પસંદ છે.
16 મને કંટાળો આવે છે; મારે કાયમ માટે જીવવું નથી;
મને એકલો રહેવા દો કેમ કે મારી જિંદગી વ્યર્થ છે.
17 મનુષ્ય કોણ માત્ર છે કે તમે તેને મોટો કરો,
અને તમે તેના પર મન લગાડો,
18 રોજ સવારે તમે તેની મુલાકાત કરો છો
અને તમે પ્રત્યેક ક્ષણે તેની કસોટી કરો છો?
19 ક્યાં સુધી મારા પરથી તમે તમારી નજર દૂર કરશો નહિ?
હું મારું થૂંક ગળું એટલો સમય પણ તમે મને નહિ આપો?
20 જો મેં પાપ કર્યુ હોય તો, હે મારા રખેવાળ હું તમને શું અડચણરૂપ છું?
તમે શા માટે મને મારવાના નિશાન તરીકે બેસાડી રાખ્યો છે,
તેથી હું પોતાને બોજારૂપ થઈ ગયો છું?
21 તમે મારા અપરાધો કેમ માફ કરતા નથી? અને મારા અન્યાય દૂર કરતા નથી?
હવે હું ધૂળમાં ભળી જઈશ;
તમે મને સવારે ખંતથી શોધશો, પણ હું હોઈશ જ નહિ.”

<- અયૂબ 6અયૂબ 8 ->